છરીની અણીએ રિક્ષાચાલક પાસેથી રૂ.20 હજારની લૂંટ:જામનગર રોડ પર હોટેલમાં જમવા જતી વખતે બનેલ હિટ એન્ડ રનની ઘટનામાં 10 વર્ષની નાની બહેનનું પણ મોત

Gujarat5/14/2026, 4:01:07 PM
છરીની અણીએ રિક્ષાચાલક પાસેથી રૂ.20 હજારની લૂંટ:જામનગર રોડ પર હોટેલમાં જમવા જતી વખતે બનેલ હિટ એન્ડ રનની ઘટનામાં 10 વર્ષની નાની બહેનનું પણ મોત
રાજકોટના નાના મવા રોડ પર ભીમનગરમાં રહેતા અને મજૂરી કામ કરી ગુજરાન ચલાવતા નીશાબેન વાઘેલાની ત્રણ દીકરીઓએ મંગળવારે રાત્રે હોટલમાં જમવા જવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. માતા નીશાબેન અને મોટી દીકરી દર્શના રિક્ષામાં હોટલ જવા રવાના થયા હતા, જ્યારે 15 વર્ષની તન્વી અને 10 વર્ષની કાવ્યા ટુ-વ્હીલર પર પાછળ આવી રહી હતી. જલારામ હોટલ નજીક પૂરપાટ ઝડપે આવતા એક ખાનગી બસના ચાલકે આ બંને બહેનોના વાહનને જોરદાર ઠોકર મારી નાસી છૂટ્યો હતો જેથી ગંભીર હાલતમાં બંને બહેનોને સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી જ્યાં ગઈકાલે તન્વી બાદ આજે કાવ્યાએ દમ તોડી દેતા તેનું પણ મોત નીપજ્યું હતું. નીશાબેનના પતિ હયાત ન હોવાનું સામે આવ્યું છે અને બે દિવસમાં બે આધારસ્તંભ સમાન દીકરીઓ ગુમાવતા પરિવારમાં કલ્પાંત છવાયો હતો. મૃતક તન્વીએ આ વર્ષે જ ધોરણ 10ની પરીક્ષા આપી હતી જ્યારે નાની બહેન કાવ્યા ધોરણ 7માં અભ્યાસ કરતી હતી. ગાંધીગ્રામ પોલીસે આ મામલે અકસ્માતનો ગુનો નોંધવા સીસીટીવી ફૂટેજના આધારે ફરાર ખાનગી બસના ચાલકને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. છરીની અણીએ રિક્ષાચાલક પાસેથી રૂ.20 હજારની લૂંટ ચોટીલાના ગોલીડા ગામે રહેતાં જયંતિભાઈ તળસીભાઈ માલકિયા (ઉ.વ.43)એ નોંધાવેલ ફરીયાદમાં બે અજાણ્યા શખ્સોના નામ આપતાં થોરાળા પોલીસે લૂંટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. ગઇ તા.12ના સવારના આસરે 11 વાગ્યા આસપાસ ફરિયાદી પોતાની રીક્ષા લઇને આજીડેમ ચોકડીથી ચુનારાવાડ ચોક જતો હતો દરમ્યાન અમુલ સર્કલ પહેલા બે શખ્સો ઉભા હતા અને હાથનો ઇસારો કરેલ જેથી ફરીયાદીએ પેસેંજર હશે સમજી રીક્ષા રોડની સાઇડમા ઉભી રાખી હતી. દરમિયાન આરોપીઓએ કહ્યું કે, મારે માર્કેટીંગ યાર્ડ જવુ છે, જેથી બન્ને શખ્સો રીક્ષામા બેસી ગયા હતા દરમ્યાન બન્ને શખ્સોમાંથી એક શખ્સે પોતાના નેફામાથી છરી કાઢી અને બીજાએ ફરિયાદીને પકડી તારી પાસે જેટલા રૂપીયા હોય તે મને આપી દે કહેતા રૂપીયા આપવાની ના પાડતા બન્ને શખ્સોએ તેઓ પાસેથી પરાણે ખિસામાથી રૂ.20100 કાઢીને ત્યાથી જતા રહ્યા હતા. પોલીસ તપાસમાં લૂંટ ચલાવનાર સગીર સહિત બે આરોપીઓ ભાવનગર રોડ પર આવેલ રેડલાઇટ એરિયામાં આવતા લોકોને મોડી સાંજના સમયે રસ્તામાં આંતરી છરી જેવું હથિયાર બતાવી 500થી 2000 સુધીની રોકડની લૂંટ ચલાવતા હતા. પત્નીએ દારૂ પીવા માટે પૈસા ન આપતા સફાઈ કામદારનો એસિડ પી આપઘાતનો પ્રયાસ રાજકોટના ​રૈયાધારમાં રાણીમાં રૂડીમાં ચોક પાસે રામાપીરના મંદિરની બાજુમાં રહેતા 40 વર્ષીય વિનોદભાઈ સોમાભાઈ રાઠોડએ રાત્રિના 11 વાગ્યા આસપાસ એસિડ પી લેતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. પોલીસ તપાસમાં સફાઈ કામદાર વિનોદભાઈને દારૂ પીવાની કુટેવ હતી ગઈકાલે રાત્રે તેમણે પત્ની પાસે દારૂ પીવા માટે પૈસાની માંગણી કરી હતી જોકે, પત્નીએ પૈસા આપવાની ના પાડતા આવેશમાં આવીને તેમણે આ આત્મઘાતી પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે. વિનોદભાઈને સંતાનમાં ત્રણ દીકરીઓ અને એક દીકરો હોવાનું સામે આવ્યું છે. હાલ યુનિવર્સીટી પોલીસે નિવેદન નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પિતાના ઘરે જઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લીધી રાજકોટ શહેરના મુંજકા વિસ્તારમાં રહેતા યુવાને ઝેરી દવા પી લેતા દોડધામ મચી જવા પામી હતી. મુંજકાની હરીવંદના સોસાયટીમાં રહેતા 45 વર્ષીય શ્યામ રજનીકાંત ખેતાણીએ ઢેબર રોડ પર આવેલી શ્રમજીવી સોસાયટીમાં પોતાના પિતાના ઘરે જઈ કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લીધી હતી. પોલીસ તપાસમાં શ્યામભાઈ પારસ ફૂડ પ્રોડક્ટમાં નોકરી કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે અને તેમને સંતાનમાં એક દીકરો હોવાનું સામે આવ્યું છે. હાલ પોલીસે નિવેદન નોંધી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે. જૂની અદાવતના ખારમાં થોરાળામાં બે જૂથો વચ્ચે સશસ્ત્ર ધીંગાણું રાજકોટ શહેરના થોરાળા વિસ્તારમાં આવેલ ગોકુલપરા શેરી નંબર 2માં વિડિયો ઉતારવા જેવી નજીવી બાબતે બે પરિવારો વચ્ચે લોહિયાળ જંગ ખેલાયો હતો. આ ઘટનાની વિગત એવી છે કે તારીખ 12.05.2026 ના રોજ રાત્રિના સમયે શેરીમાં વિડિયો ઉતારવા બાબતે બોલાચાલી થઈ હતી, જેનો ખાર રાખીને બીજા દિવસે એટલે કે 13મે ના રોજ બપોરના 2 વાગ્યા આસપાસ બંને પક્ષો આમને-સામને આવી ગયા હતા. આ હુમલામાં છરી, લોખંડના સળીયા, લાકડીઓ, પ્લાસ્ટિકના પાઇપ અને ઇંટો જેવા હથિયારોનો છૂટથી ઉપયોગ કરવામાં આવ્યો હતો. ઘટના અંગે થોરાળા પોલીસે બંને પક્ષોની ફરિયાદ નોંધી કુલ 16 શખ્સો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. હીરાસર એરપોર્ટ નજીક વધુ એક અકસ્માત રાજકોટના હીરાસર એરપોર્ટ નજીક નેશનલ હાઈવે પર વધુ એક અકસ્માત સર્જાયો છે. જેમાં આજે વહેલી સવારે ગાંધીનગરના રહેવાસી શૈલેષભાઈ રોહિતભાઈ ઠાકોર (ઉ.વ.30) પોતાના પરિવાર સાથે પોતાની કાર લઈને તેમના 7 વર્ષના પુત્ર રેહાનની માનતા પૂરી કરવા સોમનાથ જઈ રહ્યા હતા. લગભગ સવારના 6 વાગ્યા આસપાસ તેમની કાર હીરાસર એરપોર્ટ પાસે પહોંચી ત્યારે અચાનક સામે આવી ગયેલા એક રિક્ષાચાલકને બચાવવા જતાં શૈલેષભાઈએ સ્ટીયરીંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો જેના કારણે કાર રસ્તા પર પલટી ખાઈ ગઈ હતી. આ અકસ્માતમાં કારમાં સવાર શૈલેષભાઈ ઠાકોર, આરતીબેન શૈલેષભાઈ ઠાકોર (ઉ.વ.50), મંથનભાઈ સોલાજીભાઈ ઠાકોર (ઉ.વ.29) અને કિરણબેન મંથનભાઈ ઠાકોર (ઉ.વ.25)ને માથા તેમજ શરીરના ભાગે નાની-મોટી ઈજાઓ પહોંચી હતી જેથી ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. સદનસીબે ભયાનક અકસ્માતમાં મોટી જાનહાનિ ટળી હતી.
Read Original Article →