એઈમ્સમાં નોકરીનું પૂછવા જતા મહિલાનું સ્કૂટર સ્લીપ થતા મોત:જામનગર રોડ પર ખાનગી ટ્રાવેલ્સે એક્સેસને ટક્કર મારી, બે બહેન ઈજાગ્રસ્ત થતા એકનું સારવાર દરમિયાન મોત
રાજકોટના જામનગર રોડ પર જલારામ હોટલ પાસે મોડી રાત્રે એક ખાનગી ટ્રાવેલ્સ બસે એક્સેસ સ્કૂટરને હડફેટે લેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં સ્કૂટર સવાર બે બહેનો પૈકી ૧૫ વર્ષીય તન્વી વાઘેલાનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે, જ્યારે 10 વર્ષીય નાની બહેન કાવ્યા હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. પરિવારની વિગત મુજબ, નાનામવા રોડ પર ભીમનગરમાં રહેતા નિશાબેન વાઘેલા અને તેમની ત્રણ દીકરીઓ હોટલમાં જમવા જવા નીકળ્યા હતા. માતા અને મોટી દીકરી રિક્ષામાં હતા, જ્યારે તન્વી અને કાવ્યા સ્કૂટર પર હતા ત્યારે બસ ચાલકે તેમને ટક્કર મારી નાસી છૂટ્યો હતો. તન્વીએ આ વર્ષે જ ધોરણ ૧૦ની પરીક્ષા આપી હતી. નોકરીનું પૂછવા નીકળ્યાને મોત મળ્યું
પરા પીપળીયા વિસ્તારમાં રહેતા 39 વર્ષીય મિતલબેન કશ્યપ 9 મેના રોજ એઇમ્સ હોસ્પિટલ ખાતે નોકરીની પૂછપરછ કરવા જઈ રહ્યા હતા, ત્યારે માર્ગ અકસ્માત નડ્યો હતો. હીરાભાઈના બાઈકનું હેન્ડલ મિતલબેનના સ્કૂટર સાથે અથડાતા બંને વાહનો સ્લીપ થયા હતા. આ દુર્ઘટનામાં ગંભીર ઈજા થવાને કારણે મિતલબેનનું ટૂંકી સારવાર બાદ સિવિલ હોસ્પિટલમાં મોત નિપજ્યું છે. ગાંધીગ્રામ પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. ચાંદીના કારખાનામાં કારીગરે કરી ₹1.30 લાખની ચોરી
ભક્તિનગર વિસ્તારમાં આવેલા 'સોલિયો ડિઝાઈન' નામના ચાંદીના કારખાનામાં 11 દિવસમાં 500 ગ્રામ ચાંદી ઓળવી જનાર કારીગર વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. મેલ્ટીંગ વિભાગમાં કામ કરતા સુજલ સંજયભાઈ સોલંકી નામના કારીગરે ચાંદીના ઢાળ અને ટુકડાઓની ચોરી કરી હોવાનું ઓડિટમાં બહાર આવ્યું હતું. કારખાનાના મેનેજરની ફરિયાદના આધારે એ-ડિવિઝન પોલીસે આરોપીની શોધખોળ શરૂ કરી છે. દાદીએ કામે જવાની ના પાડતા પૌત્રીએ ફિનાઈલ પીધું
રાજકોટમાં પિતાના અવસાન બાદ પરિવારને આર્થિક મદદ કરવા માટે ૧૮ વર્ષીય ઉન્નતિ રાઠોડ નામની યુવતીએ પાર્લરમાં નોકરી શરૂ કરી હતી. જોકે, તેના દાદીએ આ કામ કરવાની મનાઈ કરતા યુવતીને માઠું લાગી આવ્યું હતું અને તેણે ઘરે ફિનાઈલ ગટગટાવી લીધું હતું. હાલ યુવતી સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને પોલીસે તેનું નિવેદન નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ગ્રીનલેન્ડ ચોકડી પાસેથી ₹4.82 લાખનો દારૂનો જથ્થો ઝડપાયો
રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે બાતમીના આધારે ગ્રીનલેન્ડ ચોકડી પાસેથી એક ઈક્કો કારને આંતરી હતી. કારની તપાસ કરતા તેમાંથી અલગ-અલગ બ્રાન્ડની વિદેશી દારૂની 624 બોટલો મળી આવી હતી, જેની કિંમત ₹72,480 છે. પોલીસે દારૂ, કાર અને મોબાઈલ મળી કુલ ₹4.82 લાખનો મુદ્દામાલ જપ્ત કરી હનીફ હુસેન મંઘરા નામના શખ્સની ધરપકડ કરી છે. આ દારૂનું કટિંગ મોરબી રોડ પર થયું હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે.
Read Original Article →