AAPના કાર્યકરો હનુમાનજીની ગદા લઈ સાંઢિયો પૂલ ખૂલ્લો મૂકવા પહોંચ્યા:રાજકોટ - જામનગર હાઈવેને જોડતો બ્રિજ મેયરના વાંકે ખૂલ્લો ન મૂકાતો હોવાનો આક્ષેપ, પોલીસે 15 કાર્યકર્તાઓની અટકાયત કરી
રાજકોટ શહેરના જામનગર હાઈવેને જોડતા અને વાહનચાલકો માટે અતિ મહત્વના એવા સાંઢિયા પુલના નવનિર્માણની કામગીરી મહદઅંશે પૂર્ણ થઈ ચૂકી છે. છેલ્લા ઘણા સમયથી શહેરના પશ્ચિમ અને સેન્ટ્રલ ઝોનના ટ્રાફિક માટે માથાના દુખાવા સમાન બનેલી આ સમસ્યાનો હવે સુખદ અંત આવવા જઈ રહ્યો છે ત્યારે આ પ્રોજેક્ટના લોકાર્પણને લઈને રાજકારણ ગરમાયું છે. આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ સહિતના કાર્યકર્તાઓ આજે શનિવારના દિવસે હનુમાનજીની ગદા લઈને સાંઢીયા પુલ ખાતે પહોંચ્યા હતા અને લોકાર્પણ કરવા જતા હતા પરંતુ પોલીસ દ્વારા ત્યાં બેરીકેટ લગાવી તેમને અટકાવવામાં આવ્યા હતા અને આ દરમિયાન વિરોધ કરતા 15 કાર્યકર્તાઓની અટકાયત કરાઈ હતી. AAP નો આક્ષેપ છે કે મેયર શહીદના પદાધિકારીઓની નિમણૂક થઈ ન હોવાથી બ્રિજ તૈયાર થઈ ગયો હોવા છતાં પણ તેનું લોકાર્પણ કરવામાં આવી રહ્યું નથી. આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ દિનેશ જોષીએ આ અંગે જણાવ્યું હતું કે, રાજકોટ-જામનગરને જોડતો આ મહત્વનો બ્રિજ, જે જૂનો સાંઢિયા પુલ હતો, તે ઘણા સમયથી બનીને તૈયાર થઈ ગયો છે પરંતુ સત્તાધીશો દ્વારા તેનું લોકાર્પણ કરવામાં આવતું નથી. ભાજપના ચૂંટાયેલા નેતાઓ પોતે મેયર બની જાય પછી આ બ્રિજનું લોકાર્પણ કરવાની ગોઠવણ કરે છે. ભાજપે આ બ્રિજ પોતાના ખિસ્સાના પૈસાથી નથી બનાવ્યો, રાજકોટની જનતાએ ભરેલા વેરાના પૈસામાંથી આ બ્રિજનું નિર્માણ થયું છે. જેથી તેમણે અગાઉ ચિમકી આપી હતી કે જો શુક્રવાર સુધીમાં બ્રિજ સામાન્ય જનતા માટે ખુલ્લો મૂકવામાં નહીં આવે, તો આમ આદમી પાર્ટી આગામી શનિવારે હનુમાનજીનું નામ લઈને અને હાથમાં ગદા ધારણ કરીને ત્યાં પહોંચશે અને બ્રિજ ખુલ્લો મૂકી દેશે. તંત્રએ ગમે તેટલો જાપ્તો ગોઠવવો હોય એટલો ગોઠવી લે, પરંતુ આમ આદમી પાર્ટી ત્યાં જઈને બ્રિજ ખુલ્લો મૂકશે. જેના ભાગરૂપે આજે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ ત્યાં હનુમાનજીની પ્લાસ્ટિકની ગદા લઈને પહોંચ્યા હતા અને લોકાર્પણ કરવા જતા હતા પરંતુ ત્યાં આડા બેરીકેડ લગાવી દેવામાં આવ્યા હતા જોકે તે દૂર કરી 15 જેટલા કાર્યકર્તાઓ બ્રિજનું લોકાર્પણ કરે તે પહેલા જ પોલીસે તેઓની અટકાયત કરી લીધી હતી. નોંધનીય છે કે, મહાપાલિકા દ્વારા આ પ્રોજેક્ટ પાછળ કુલ રૂ. 74.25 કરોડનો માતબર ખર્ચ કરવામાં આવ્યો છે. સ્માર્ટ સિટી તરફ આગળ વધી રહેલા રાજકોટના આગામી 25 થી 30 વર્ષના ટ્રાફિક લોડને ધ્યાનમાં રાખીને આ મજબૂત ઈન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી શહેરી સડક યોજના (SJMMSVY) હેઠળ બની રહેલો આ આધુનિક બ્રિજ એન્જિનિયરિંગનો એક શ્રેષ્ઠ નમૂનો છે. અગાઉનો વર્ષો જૂનો પુલ અત્યંત જર્જરિત અને સાંકડો થઈ ગયો હોવાથી વાહનોની લાંબી કતારો લાગતી હતી, જેથી તેને સંપૂર્ણપણે તોડીને તેના સ્થાને નવો ફોરલેન બ્રિજ બનાવવામાં આવ્યો છે. આ વિશાળ બ્રિજની કુલ લંબાઈ 602.00 રનિંગ મીટર (અડધા કિલોમીટર કરતા પણ વધુ) છે અને પહોળાઈ 16.40 મીટર રાખવામાં આવી છે, જે ફોર-લેન ટ્રાફિકની અવરજવર માટે સંપૂર્ણ સક્ષમ છે. બ્રિજના સ્ટ્રક્ચરમાં કુલ 21 સ્પાન બનાવવામાં આવ્યા છે. જેમાં 20 સામાન્ય સ્પાન છે અને રેલ્વે ટ્રેક પરથી પસાર થતો 1 સેન્ટ્રલ સ્પાન સામેલ છે, જેની લંબાઈ 36.00 રનિંગ મીટર છે. બ્રિજને મજબૂતી આપવા માટે કુલ 20 ફૂટિંગ્સ અને 40 પિયર (થાંભલા) ઊભા કરવામાં આવ્યા છે. તેની સાથે 20 પિયર કેપ અને 120 PSC ગર્ડરની કામગીરી પણ સફળતાપૂર્વક પૂર્ણ કરી લેવાઈ છે. આ ઉપરાંત, ચોમાસા દરમિયાન પુલની આસપાસ પાણી ભરાવાની ગંભીર સમસ્યા ન સર્જાય તે માટે ખાસ આયોજન કરી 2-RCC બોક્સ કલ્વર્ટ અને 168 રનિંગ મીટરની મજબૂત RCC વોલનું નિર્માણ કરવામાં આવ્યું છે. 1,00,000 થી વધુ નાગરિકોને સીધો ફાયદો જામનગર રોડ એ રાજકોટ શહેરનો મુખ્ય પ્રવેશદ્વાર હોવાથી ત્યાં ચોવીસ કલાક વાહનોની ભારે અવરજવર રહે છે. આ નવો ફોરલેન બ્રિજ શરૂ થવાથી રાજકોટના વોર્ડ નંબર 1, 2 અને 3 ના રહેવાસીઓ સહિત રોજની મુસાફરી કરતા અંદાજે 1,00,000 થી વધુ વાહન ચાલકોને ટ્રાફિકજામની સમસ્યામાંથી કાયમી મુક્તિ મળશે અને લોકોના સમય તેમજ ઇંધણની મોટી બચત થશે. જેમાં પણ ખાસ કરીને નાગેશ્વર, ઘંટેશ્વર, એઇમ્સ (AIIMS) હોસ્પિટલ તરફ જતા દર્દીઓ અને મુસાફરો, શીતલ પાર્ક, માધાપર, રેલનગર અને પોપટપરા જેવા વિસ્તારના લોકોને હવે ટ્રાફિકજામમાંથી મુક્તિ મળશે. આ પુલ શરૂ થવાથી માધાપર ચોકડીથી હોસ્પિટલ ચોક સુધીની અવરજવર અત્યંત ઝડપી, સલામત અને સરળ બની જશે. ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધી આ પુલ બંધ હોવાને કારણે એસ.ટી. બસો અને અન્ય તમામ ભારે વાહનોને શહેરના મુખ્ય આંતરિક માર્ગો જેવા કે યાજ્ઞિક રોડ, રૈયા રોડ અને રૈયા ચોકડી થઈને 150 ફૂટ રિંગ રોડ ડાયવર્ટ કરવામાં આવતા હતા. આ ડાયવર્ઝનના કારણે શહેરના મધ્ય ભાગમાં ટ્રાફિકનું ભારણ અસહ્ય વધી ગયું હતું. હવે બ્રિજ ખુલ્લો થતાં આ તમામ ભારે વાહનો સીધા સાંઢિયા પુલ પરથી પસાર થશે, જેનાથી શહેરની આંતરિક ટ્રાફિક સમસ્યા પણ હળવી બનશે. જોકે આમ આદમી પાર્ટીના આક્રમક વલણને જોતા આગામી દિવસોમાં આ પ્રોજેક્ટ જ સ્થાનિક રાજકારણનું કેન્દ્ર બને તેવી પૂરેપૂરી શક્યતા લાગી રહી છે.
Read Original Article →