રાજકોટ મનપાના વોર્ડ-7ના AAP ઉમેદવારના પુત્રની ક્રિકેટ સટ્ટામાં સંડોવણી:આરકે પ્રાઈમ બિલ્ડીંગમાં IPL મેચમાં સટ્ટો રમાડતા બેની ધરપકડ, વત્સલ શીંગાળાએ માસ્ટર આઈડી આપ્યું હતું

Gujarat4/13/2026, 12:20:15 PM
રાજકોટ મનપાના વોર્ડ-7ના AAP ઉમેદવારના પુત્રની ક્રિકેટ સટ્ટામાં સંડોવણી:આરકે પ્રાઈમ બિલ્ડીંગમાં IPL મેચમાં સટ્ટો રમાડતા બેની ધરપકડ, વત્સલ શીંગાળાએ માસ્ટર આઈડી આપ્યું હતું
રાજકોટમાં એક તરફ ચૂંટણીનો માહોલ છે, ત્યારે બીજી તરફ આઈપીએલ (IPL) મેચ પર સટ્ટો રમાડતા મોટા રેકેટનો પર્દાફાશ થયો છે. રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે આર.કે. પ્રાઈમ બિલ્ડીંગમાં દરોડો પાડી બે શખ્સોની ધરપકડ કરી છે. આ તપાસમાં ચોંકાવનારી વિગત એ બહાર આવી છે કે, સટ્ટા માટેના માસ્ટર આઈડી આમ આદમી પાર્ટીના વોર્ડ-7ના ઉમેદવાર પરેશ શીંગાળાના પુત્ર વત્સલ શીંગાળાએ પૂરા પાડ્યા હતા. ક્રાઈમ બ્રાન્ચનો દરોડો પાડી બેની ધરપકડ કરી રાજકોટ ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવાએ જણાવ્યું હતું કે, ક્રાઈમ બ્રાન્ચની ટીમે 150 ફૂટ રિંગ રોડ પર આવેલી ઓફિસ નંબર 216માં દરોડો પાડ્યો હતો. આ કાર્યવાહી દરમિયાન બે શખ્સો ઝડપાયા હતા. જયદીપ દિનેશ જાદવ (ઉ.વ. 30) અને દર્પણ હરેશ બારસીયા (ઉ.વ. 28) સાથે પોલીસે ઘટનાસ્થળેથી રૂ. 65 હજારનો મુદ્દામાલ, મોબાઈલ ફોન અને સટ્ટાના હિસાબનો ચોપડો કબજે કર્યો છે. માસ્ટર આઈડી અને સટ્ટાનું નેટવર્ક તપાસ દરમિયાન જયદીપ જાદવના મોબાઈલમાંથી 'ALL PANEL 777' નામની પેનલમાં '10200' નંબરનું માસ્ટર આઈડી મળી આવ્યું હતું. આરોપીઓએ કબૂલાત કરી હતી કે આ માસ્ટર આઈડી તેમને વત્સલ પરેશ શીંગાળા પાસેથી મળ્યું હતું. આ માસ્ટર આઈડી દ્વારા અલગ-અલગ યુઝર આઈડી બનાવી ગ્રાહકોને કેસિનો ગેમ અને ક્રિકેટ સટ્ટા માટે આપવામાં આવતી હતી. આ રેકેટમાં દેવાંગ ડાભી, જે.ડી. અને વિજય ઉર્ફે વી.એમ. નામના શખ્સો પણ ગ્રાહકો તરીકે જોડાયેલા હોવાનું ખુલ્યું છે. રાજકીય કનેક્શનથી ચકચાર સટ્ટાના આ રેકેટમાં માસ્ટર આઈડી આપનાર વત્સલ શીંગાળાના પિતા પરેશ શીંગાળા રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના વોર્ડ-7ના ઉમેદવાર હોવાનું સામે આવતા રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જાગી છે.
Read Original Article →