ટ્રેનો ફૂલ થતા પ્રવાસીઓ આકાશ માર્ગે ઉપડયા:રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી 15 દિવસમાં 189 ફ્લાઈટ્સે ઉડાન ભરી, મુસાફરોની સંખ્યામાં રેકોર્ડબ્રેક વધારો થતાં આંતરરાષ્ટ્રીય ફ્લાઈટો શરૂ કરવા માંગ
રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રભરમાં ઉનાળુ વેકેશનનો પ્રારંભ થતાંની સાથે જ પ્રવાસન ક્ષેત્રે ભારે તેજી જોવા મળી રહી છે. આ વર્ષે પ્રવાસીઓનો એટલો મોટો ધસારો જોવા મળી રહ્યો છે કે વેકેશન પૂર્વે જ અંદાજે 60 દિવસ અગાઉથી શરૂ થતા એડવાન્સ રેલવે બુકિંગમાં મુંબઈ, દિલ્હી, કલકતા, બેંગ્લોર, હરીદ્વાર, આગ્રા, જયપુર, ચંદીગઢ, જમ્મુ અને પટના જેવી લાંબા અંતરની તમામ મહત્વની ટ્રેનો સંપૂર્ણપણે ફુલ થઈ ગઈ હતી. જેને લઈને રાજકોટના હિરાસર ખાતે આવેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર મુસાફરોની સંખ્યામાં રેકોર્ડબ્રેક વધારો નોંધાયો છે. છેલ્લા 15 દિવસમાં 189 ફ્લાઈટ્સે ઉડાન ભરી છે. આ સાથે આંતરરાષ્ટ્રીય ફ્લાઈટો શરૂ કરવાની માંગ પણ ઉઠી છે. પ્રાપ્ત વિગત અનુસાર વેકેશનના આ માહોલમાં હવાઈ મુસાફરોની ડિમાન્ડ અચાનક ખૂબ વધી જવાના કારણે એરલાઈન્સ કંપનીઓ દ્વારા વિમાનના ભાડામાં વધારો કરવામાં આવ્યો છે. સામાન્ય દિવસો કરતાં ભાડાં ખૂબ જ ઊંચા સ્તરે પહોંચી ગયા હોવા છતાં, લોકો સમય બચાવવા અને વેકેશનની મજા બગાડવા નહીં માંગતા હોવાથી ઊંચા ભાડાં ચૂકવીને પણ ઉત્સાહભેર હવાઈ મુસાફરીનો આનંદ માણી રહ્યા છે. આંકડાકીય વિગતો પર નજર કરીએ તો, ચાલુ મે માસના શરૂઆતના માત્ર 15 દિવસના ટૂંકા ગાળામાં જ રાજકોટના ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી ઓપરેટ થયેલી કુલ 189 ફ્લાઈટ્સમાં અંદાજે 55 હજારથી વધુ મુસાફરોનું સફળતાપૂર્વક આગમન અને પ્રસ્થાન નોંધાઈ ચૂક્યું છે. આ મુસાફરોની સંખ્યાનું વિશ્લેષણ કરતાં એક રસપ્રદ પાસું એ સામે આવ્યું છે કે અત્યારે એરપોર્ટ પર બહારથી આવનારા લોકો કરતા રાજકોટથી બહાર ગામ જનારા પ્રવાસીઓની સંખ્યા ઘણી વધારે છે. આ 15 દિવસ દરમિયાન એરપોર્ટ પર વિમાન મારફતે ઉતરેલા એટલે કે આગમન થયેલા મુસાફરોની સંખ્યા 25 હજારથી વધુ નોંધાઈ છે, જ્યારે રાજકોટથી અન્ય શહેરો તરફ પ્રસ્થાન કરનારા મુસાફરોની સંખ્યા 30 હજારથી વધુ નોંધાઈ છે. આંકડા સ્પષ્ટ કરે છે કે ઉનાળાની ગરમીથી બચવા અને વેકેશન માણવા માટે સૌરાષ્ટ્રના લોકો પ્રવાસે ઉપડી રહ્યા છે. રાજકોટના ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી હાલના તબક્કે દૈનિક ધોરણે અંદાજે 13 થી 14 જેટલી ફ્લાઈટ્સનું સફળતાપૂર્વક ઉડ્ડયન થઈ રહ્યું છે. આ ફ્લાઈટ્સ દેશના વિવિધ મેટ્રો શહેરો જેવા કે મુંબઈ, દિલ્હી, બેંગ્લોર અને હૈદરાબાદ સાથે સીધું એર કનેક્ટિવિટી જોડાણ પૂરું પાડે છે, જ્યારે પૂના માટે સાપ્તાહિક ફ્લાઈટની સુવિધા ઉપલબ્ધ છે. દેશના આ પ્રમુખ આર્થિક અને વ્યાપારી કેન્દ્રો સાથે સીધું જોડાણ હોવાના કારણે રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રના વેપારીઓ, વિદ્યાર્થીઓ અને પ્રવાસીઓ માટે રાજકોટ એરપોર્ટ આશીર્વાદરૂપ અને મહત્વનું કેન્દ્ર બની ગયું છે. ઉનાળુ વેકેશન માણવા માંગતા અસંખ્ય પરિવારો, મિત્ર મંડળો અને વિવિધ ગ્રુપો દેશના અલગ-અલગ રાજ્યોના લોકપ્રિય પર્યટન સ્થળોએ જવા માટે અથવા તો વિદેશ પ્રવાસના લાંબા ટુર પેકેજ માટેની કનેક્ટિંગ ફ્લાઈટ પકડવાના હેતુથી મોટા પાયે મુંબઈ, દિલ્હી, બેંગ્લોર, હૈદરાબાદ અને પૂનાની ફ્લાઈટોનું એડવાન્સ બુકિંગ કરાવી રહ્યા છે. જેને કારણે માત્ર 15 દિવસમાં જ રાજકોટના ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી ઓપરેટ થયેલી 189 ફ્લાઈટ્સમાં અંદાજે 55 હજારથી વધુ મુસાફરોનું સફળતાપૂર્વક આગમન અને પ્રસ્થાન થઈ ચૂક્યું છે. જો કે, આ સુવિધાઓ વચ્ચે પ્રવાસીઓ માટે એક મોટી મર્યાદા એ પણ છે કે એરપોર્ટનું નામ ઇન્ટરનેશનલ હોવા છતાં, હાલના સમયમાં અહીંથી એક પણ સીધી આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ ઓપરેટ થતી નથી. જેના કારણે વિદેશ જવા ઈચ્છતા સૌરાષ્ટ્રના મુસાફરોએ નાછૂટકે પહેલા અમદાવાદ, મુંબઈ કે દિલ્હીના એરપોર્ટ સુધી સ્થાનિક ફ્લાઈટ કે રોડ માર્ગે જવું પડે છે અને ત્યાંથી કનેક્ટિંગ ઇન્ટરનેશનલ ફ્લાઈટ પકડવા દોડધામ કરવી પડે છે. આ કારણે હવે રાજકોટ એરપોર્ટ પરથી વહેલી તકે સીધી જ આંતરરાષ્ટ્રીય ફ્લાઈટો શરૂ કરવામાં આવે તેવી પ્રબળ માંગ સ્થાનિક ઉદ્યોગપતિઓ, ટ્રાવેલ એજન્ટો અને પ્રવાસીઓ દ્વારા કરવામાં આવી રહી છે.
Read Original Article →