રાજકોટમાં કાયદો માત્ર કાગળ પર!:સુપ્રીમ અને હાઈકોર્ટના કડક આદેશો છતાં રાજકીય દબાણવશ તંત્ર ઘૂંટણિયે, ગેરકાયદે સ્મારક હટાવવામાં સત્તાધીશોના હાથ ધ્રૂજ્યા; કોંગ્રેસની આંદોલનની ચીમકી

Gujarat5/12/2026, 2:18:59 PM
રાજકોટમાં કાયદો માત્ર કાગળ પર!:સુપ્રીમ અને હાઈકોર્ટના કડક આદેશો છતાં રાજકીય દબાણવશ તંત્ર ઘૂંટણિયે, ગેરકાયદે સ્મારક હટાવવામાં સત્તાધીશોના હાથ ધ્રૂજ્યા; કોંગ્રેસની આંદોલનની ચીમકી
રાજકોટના સૌથી વ્યસ્ત ગણાતા કાલાવડ રોડ પર ટીપી રોડની મધ્યમાં ખડકી દેવાયેલા ગેરકાયદેસર ધાર્મિક સ્મારકને હટાવવા મુદ્દે શહેરનું વહીવટી તંત્ર અને શાસક પક્ષ ભારોભાર વિવાદમાં ઘેરાયા છે. સુપ્રીમ કોર્ટ અને ગુજરાત હાઈકોર્ટના અત્યંત કડક વલણ અને સ્પષ્ટ આદેશો હોવા છતાં, રાજકીય આકાઓના એક ફોન કોલ્સ સામે કાયદાનું પાલન કરાવનારા અધિકારીઓ લાચાર જોવા મળી રહ્યા છે. આ પરિસ્થિતિને કારણે કાયદો માત્ર કાગળ પર હોય અને જમીન પર માત્ર દબાણકારોનું જ રાજ ચાલતું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. પૂર્વ મંજૂરી વિના ધાર્મિક સ્મારક ઊભું કરી દેવાયું રાજકોટ કોંગ્રેસ સમિતિ દ્વારા આ મામલે સનસનીખેજ પર્દાફાશ કરવામાં આવ્યો છે. શહેર કોંગ્રેસના ઉપપ્રમુખ સંજય લાખાણી અને પ્રવક્તા કૃષ્ણદત્ત રાવલે તંત્રની નિષ્ક્રિયતા પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે, કાલાવડ રોડ પર સ્વામિનારાયણ મંદિર સામે જાહેર માર્ગ પર પોલીસ વિભાગની પૂર્વ મંજૂરી વિના આ ધાર્મિક સ્મારક (શેડ) ઊભું કરી દેવામાં આવ્યું છે. આ દબાણને કારણે આસપાસની સોસાયટીઓના 5,000 થી 10,000 જેટલા રહીશોને પોતાના ઘરે આવવા-જવામાં પારાવાર મુશ્કેલી પડી રહી છે. ટ્રાફિકની ગંભીર સમસ્યા સર્જાવા છતાં અને પ્રજા ત્રાહિમામ પોકારી ગઈ હોવા છતાં RMCના અધિકારીઓ અને સત્તાધારી પક્ષના નેતાઓ જાણીજોઈને આંખ આડા કાન કરી રહ્યા છે. જિલ્લા કલેક્ટરની સૂચના છતાં આજદીન સુધી કોઈ કાર્યવાહી નહીં આ સમગ્ર વિવાદમાં વહીવટી તંત્રની બેધારી નીતિ ઉઘાડી પડી છે. ઘટનાક્રમ પર નજર કરીએ તો, 5 સપ્ટેમ્બર 2024ના રોજ ખુદ જિલ્લા કલેક્ટરે મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખીને આ ધાર્મિક સંસ્થા દ્વારા કરાયેલું દબાણ હટાવવા સ્પષ્ટ સૂચના આપી હતી. ત્યારબાદ મ્યુનિસિપલ કમિશનરે પણ સિટી એન્જિનિયરને કાર્યવાહી કરવા આદેશ કર્યો હતો. આદેશના અનુસંધાને સીટી એન્જિનિયર દ્વારા તા. 11 નવેમ્બર 2024ના રોજ પત્ર નંબર RMC/0323થી કાલાવડ રોડ પર સ્વામિનારાયણ મંદિર સામે આવેલા ‘સ્કેલ્પચર’ દૂર કરવા બાબતે લેખિત જાણ કરી હતી. જોકે, આટલા સ્પષ્ટ લેખિત આદેશો હોવા છતાં આજદિન સુધી કોઈ નક્કર કાર્યવાહી થઈ નથી. રાજકીય નેતાનો ફોન આવતા કામગીરી પડતી મૂકાય છે સૌથી ચોંકાવનારી બાબત એ છે કે, જ્યારે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ડિમોલિશન માટે મશીનરી અને સ્ટાફ તૈયાર કરીને દિવસ નક્કી કરવામાં આવે છે, ત્યારે છેલ્લી ઘડીએ કોઈ મોટા રાજકીય નેતાનો ફોન આવી જાય છે અને સમગ્ર કામગીરી પડતી મૂકવામાં આવે છે. આ બાબત સ્પષ્ટ કરે છે કે RMC ના અધિકારીઓ કાયદાને બદલે રાજકીય આકાઓના ઈશારે કઠપૂતળી બનીને કામ કરી રહ્યા છે. ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ સુનીતા અગ્રવાલ અને જસ્ટિસ અનિરૂદ્ધ પી. મયીએ અગાઉ જાહેર માર્ગો પરના ધાર્મિક દબાણો હટાવવાની ધીમી કામગીરી અંગે રાજ્ય સરકાર સામે ભારે નારાજગી વ્યક્ત કરી હતી. કોર્ટના કડક વલણને કારણે સરકારે અન્યત્ર દબાણો હટાવ્યાનો રિપોર્ટ પણ રજૂ કર્યો છે, પરંતુ રાજકોટમાં સ્થિતિ ઠેરની ઠેર છે. કોંગ્રેસ પક્ષે આક્ષેપ કર્યો છે કે શાસકો કાયદા અને ભારતીય સંવિધાનને નેવે મૂકીને સામાન્ય જનતાની સુવિધા છીનવી રહ્યા છે. જો આગામી દિવસોમાં આ ગેરકાયદેસર દબાણ હટાવીને હજારો નાગરિકોને ન્યાય આપવામાં નહીં આવે, તો સ્થાનિક રહીશોને સાથે રાખીને ઉગ્ર અને જલદ આંદોલન કરવાની ચીમકી આપવામાં આવી છે.
Read Original Article →