હરિયાણાથી ટ્રાન્સપોર્ટમાં આવેલો 4.80 લાખનો દારુ ઝડપાયો:સરધાર નજીક હલેન્ડા ગામમાં 'મરઘો' ચોરીને મારી નાખવાની શંકાએ યુવક પર પાઇપથી હુમલો
રાજકોટ કુવાડવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રૂડા ટ્રાન્સપોર્ટ નગર સ્થિત વી.આર.એલ. લોજીસ્ટીક લિમિટેડ નામના ટ્રાન્સપોર્ટમાં હરિયાણાથી બેરલોમાં છુપાવીને વિદેશી દારૂનો જથ્થો મંગાવવામાં આવ્યો હોવાની બાતમીના આધારે દરોડો પાડવામાં આવતા લોખંડના બેરલોની અંદરથી વિદેશી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો. પોલીસ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં 4.80 લાખ કિંમતના કુલ 3,504 ચપલા કબજે કરવામાં આવ્યા છે. આ ઉપરાંત, દારૂ સંતાડવા માટે ઉપયોગમાં લેવાયેલા 13 નંગ લોખંડના બેરલ મળી કુલ 4,81,850 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં હરિયાણાના પાનીપત સ્થિત રિફાઇનરી રોડ પર આવેલ 'ગણેશ ઓટો મોબાઇલ'ના માધ્યમથી આ દારૂનો જથ્થો મોકલવામાં આવ્યો હતો અને રાજકોટમાં હિતેશભાઈ નામના વ્યક્તિએ આ જથ્થો મંગાવ્યો હોવાનું સામે આવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. હલેન્ડા ગામમાં 'મરઘો' ચોરીને મારી નાંખ્યાની શંકાએ ખેતમજૂર પર હુમલો
હલેન્ડામાં રહેતો બહાદુર વશરામભાઇ સોલંકી (ઉ.વ.20) સાંજે ગામમાં હતો, ત્યારે તેના કાકાના સગામાં થતાં વારસુર દેવીપૂજક, લાલો, અજય સહિતના ધસી આવ્યા હતાં અને ગાળો દઇ ઢીકાપાટુનો માર મારી લોખંડના પાઇપથી ફટકારતાં આસપાસના લોકો ભેગા થઇ જતાં હુમલો કરનારા ભાગી ગયા હતાં અને બહાદુરને ઇજાઓ થઇ હોવાથી સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા આજીડેમ પોલીસને બનાવ અંગે જાણ કરવામાં આવી હતી. પોલીસ પુછપરછમાં બહાદુરે જણાવ્યું હતું કે તે ખેત મજુરી કરી ગુજરાન ચલાવે છે અને સંતાનમાં એક દીકરી છે. હુમલો કરનારા તેના ઘરથી દૂર રહે છે. તેનો કૂકડો ચોરાઇ ગયો હોઇ આ કૂકડો હું ચોરી લાવ્યો છું અને મારી નાંખ્યો છે તેવી તેને શંકા હોઇ જેના કારણે હુમલો કર્યો હતો. કામ ધંધો નહીં મળતા કંટાળી યુવાને ઝેરી દવા પીધી
કાલાવડ રોડ પર આવેલ આંબેડકરનગરમાં રહેતા અશોકભાઈ પ્રેમજીભાઈ પરમાર (ઉ.વ.37) નામનો યુવાન રાત્રિના 9 વાગ્યા આસપાસ ઘર પાસે હતો, ત્યારે અનાજમાં નાખવાની ઝેરી દવા ખાઈ લીધી હતી જેના કારણે યુવકને ઝેરી અસર થતા તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. પ્રાથમિક પૂછપરછમાં અશોક પરમાર કડીયા કામ કરતો હોવાનું અને તેને બે સંતાનમાં બે પુત્રી હોવાનું સામે આવ્યું છે. કામ ધંધો નહીં ચાલતા અશોક પરમારે ઝેરી ટીકડા ખાઈ આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનું સામે આવતા પોલીસે નિવેદન નોંધી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે. બજરંગવાડીમાં ભાઇએ ઠપકો આપતા બહેને ફિનાઇલ પીધુ
બજરંગવાડી વિસ્તારમાં રહેતી શ્રદ્ધાબેન ભરતભાઈ પંડયા (ઉ.વ.18) નામની યુવતી પોતાના ઘરે હતી, ત્યારે પિતાએ બે વાર જમવાનું માંગ્યું હતું, પરંતુ શ્રદ્ધાબેન પંડયાએ જમવાનું નહીં આપતા તેના ભાઈએ ઠપકો આપ્યો હતો, જેથી ભાઈના ઠપકાથી માઠું લાગી આવતા શ્રદ્ધાબેન પંડયાએ ફિનાઈલ પી લીધું હતું. યુવતીની તબિયત લથડતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. હાલ પોલીસે યુવતીનું નિવેદન નોંધી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.
Read Original Article →