જિ.પં. સભ્યના પતિએ બંદૂક બતાવી યુવતી પાસે 20 લાખ માંગ્યા:સામખિયાળીથી યુવતીનું અપહરણ, સરધાર ઘરે લઈ જઈ અવારનવાર દુષ્કર્મ આચર્યું; પરિવારજનોની મુક્ત કરાવ્યા બાદ ફરિયાદ
રાજકોટમાં વધુ એક દુષ્કર્મની ઘટના સામે આવી છે જેમાં કચ્છ વિસ્તારની 20 વર્ષીય યુવતીનું સરધાર નજીક રહેતા યુવાને સામખિયાળીથી અપહરણ કરી પોતાના ઘરે લઈ જઈ અવારનવાર દુષ્કર્મ આચર્યું હોવાની આજીડેમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં યુવતીએ રાજકોટ જિલ્લા પંચાયતના બેડી બેઠકના સભ્ય સુમીતાબેન ચાવડાના પતિ રાજેશ ચાવડા વિરૂદ્ધ પણ ફરિયાદ નોંધાવી છે, જેમાં બંદૂક બતાવી 20 લાખની માંગણી કર્યાનો ઉલ્લેખ કર્યો છે. હાલ પોલીસે યુવક તેના પિતા, ભાઈ અને રાજેશ ચાવડા વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, ગત 30 મેના રોજ યુવતીના પરિવારજનો વિરૂદ્ધ યુવકના ભાઈએ ધોકા પાઈઓ વડે માર મારી ભાભીનું અપહરણ કર્યા અંગે ફરિયાદ નોંધાવી હતી અને તેમાં ભાઈ સાથે આજની ફરિયાદી યુવતીએ પ્રેમ લગ્ન કર્યા હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. રામ છૈયા સતત મારો સંપર્ક કરવાનો પ્રયત્ન કરતો
20 વર્ષીય યુવતીએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, મેં ધો.12 પછી બે વર્ષ નર્સિંગ કર્યું છે અને વર્ષ 2025ના નવેમ્બર અને ડિસેમ્બર મહિનામાં પટેલ હોસ્પિટલ ખાતે નોકરી કરી હતી. ત્યારબાદ ત્યાંથી નોકરી છોડી દીધી હતી. આજથી ત્રણ વર્ષ પહેલા હું માતૃશ્રી મૈયાબા દાદુભા પ્રભાતસિંહજી હાઇસ્કૂલ, રાજપરા ખાતે ધોરણ 12માં અભ્યાસ કરતી હતી, ત્યારે મારી સાથે અભ્યાસ કરતા રામ મુકેશભાઇ છૈયાની મારી ઉપર ખરાબ નજર હોય અને તે મારી સાથે વાત કરી મારા સંપર્કમાં રહેવાનો પ્રયત્ન કરતો હતો. ત્યારબાદ મેં ધોરણ 12નો અભ્યાસ પૂરો કરીને ધ્રોલ, જામનગર ખાતે નર્સિંગ કરવા ગઈ હતી. ત્યાં મેં બે વર્ષ નસિંગ કર્યું અને સપ્ટેમ્બર મહિનામાં મારો અભ્યાસ પૂર્ણ થતા હું મારા વતનમાં આવી હતી. મને ગાડીમાં બેસાડી કોરા કાગળ પર મારી સહી લીધી હતી
તા. 6 જાન્યુઆરી 2026ના રોજ હું મહિલા નર્સિંગ કોલેજ ધ્રોલ ખાતે હું મારૂ રીઝલ્ટ લેવા એકલી ગઈ હતી અને આશરે 12 વાગ્યા આસપાસ હું રીઝલ્ટ લઇને નર્સિંગ કોલેજની બહાર નીકળી ત્યારે મારી આગળ એક ગ્રે કલરની મોટર કાર આવીને ઉભી રહી તેમાંથી રામ નીચે ઉતર્યો અને મારો હાથ પકડીને મને ગાડીમાં બેસાડી તે વખતે કોરા કાગળમાં મારી સહી લીધી હતી. ત્યારબાદ મારા ફોટા પાડ્યા હતા પછી મને રાજકોટ મૂકી જતા રહ્યા હતા અને હું એકલી મારા ઘરે પરત આવી હતી. એક રૂમમાં મને પુરી મરજી વિરૂદ્ધ શરીરસંબંધ બાંધ્યો
તા. 23 માર્ચ 2026ના રોજ સામખિયાળી ખાતે રહેતા મારા ફઈ બિમાર હોય તેમને ત્યાં કામ કરવા સારૂ ભીમાસર ખાતેથી સામખિયાળી જવા નીકળી હતી અને 9:30 વાગ્યા આસપાસ હું સામખિયાળી પહોંચી અને બસમાંથી બસ સ્ટેન્ડ ખાતે ઉતરીને હું મારી ફઈના ઘરે જવા નીકળી હતી. બસ સ્ટેન્ડથી થોડે આગળ જતા એક અલ્ટો ગાડી મારી પાસે આવીને ઉભી રહી તેમાં રામ અને બે અજાણ્યા માણસો બેઠા હતા. જેઓએ મારો ફોન લઇ તેઓએ બંધ કરી દીધો હતો. ત્યારબાદ બપોરના 2 વાગ્યા આસપાસ રામ મુકેશ છૈયા મને સરધાર ખાતે તેના ઘરે લઇ ગયો હતો અને ત્યાં મને એક રૂમમાં પુરી દીધી હતી અને મને ત્યાં રામ મુકેશભાઈ છૈયાએ મારી મરજી વિરૂદ્ધ અવાર-નવાર શરીરસંબંધ બાંધ્યો હતો. માથે બંદૂક મૂકી 20 લાખની માંગ કરી હતી
રામ તથા તેના પિતા મુકેશભાઈ તથા તેનો ભાઈ શ્યામ મને જાનથી મારી નાખવાની ધમકી આપી માર મારી શારીરિક અને માનસિક ત્રાસ આપતા હતા. જેથી મેં તેઓને છોડી દેવા કહ્યું પરંતુ તેઓ રૂપિયાની માંગણી કરતા હતા અને તેના સબંધી રાજેશ ઉર્ફે રાજાભાઇ ચાવડાએ મને માથાના ભાગે બંદુક જેવું હથિયાર મૂકીને કહ્યું કે તારા પિતા અમને રૂપિયા 20 લાખ આપશે તો અમે તને છોડીશું નહીંતર તને છોડીશું નહીં તેવી રીતે બધા મને ટોર્ચર કરતા હતા. રામના ફોનમાંથી ભાઈને ફોન કરી લઈ જવા કહ્યું હતું
આશરે 15 દિવસ પહેલા રામનો મોબાઇલ નંબર મારા હાથમાં આવતા સ્નેપચેટમાંથી મારા ભાઈના મોબાઇલ નંબર મેળવ્યો હતો જે મને યાદ નથી. તે નંબર ઉપર ફોન કરી નવાગામ ખાતે બધા મને હેરાન કરે છે અને મારી સાથે મારપીટ કરે છે. જેથી મને અહીંથી લઇ જાઓ તેવું જણાવ્યું હતું. તા. 30 મે 2026ના રોજ બપોરના 12:30 વાગ્યા આસપાસ મારો ભાઇ તથા મારા પિતા તથા મારા મામા બે ગાડી લઇને નવાગામ (સરધાર) ખાતે આવ્યા હતા. મારા ભાઈએ હાથ પકડીને મને ક્રેટા ગાડીમાં બેસાડી હતી
તેઓએ રામના પરિવારજનોને સમજાવ્યું કે, અમારી દીકરી અમને પાછી આપી દો, પરંતુ તેઓ માન્યા નહીં અને રૂપિયાની માંગણી કરી હતી. ત્યારબાદ મારા ભાઇએ હું જે રૂમમાં હતી તે રૂમનો દરવાજો તોડીને મારો હાથ પકડીને મને ક્રેટા ગાડીમાં બેસાડી હતી બાદ અમે બધા બંન્ને ગાડીઓમાં બેસી ત્યાંથી નિકળી ગયા હતા. હાલ આજીડેમ પોલીસે BNS કલમ 64(2)(M), 115(2), 308(3), 127(4), 351(3), 54 મુજબ રામ છૈયા, શ્યામ છૈયા, મુકેશ છૈયા અને રાજેશ ઉર્ફે રાજાભાઈ ચાવડા વિરૂદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, યુવતીએ જેમના પર બંદૂક બતાવી ધમકી આપ્યાનો આરોપ લગાવ્યો છે તે રાજેશ ઉર્ફે રાજાભાઈ ચાવડા રાજકોટ જિલ્લા પંચાયતના બેડી બેઠકના સભ્ય સુમીતાબેન ચાવડાના પતિ અને રાજકોટ જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ નાગદાનભાઇ ચાવડાના ભત્રીજા છે. યુવકની યુવતીના પરિવાર વિરૂદ્ધ ફરિયાદ
ઉલ્લેખનીય છે કે, ગત તા. 30 મે 2026ના રોજ ભોગબનનાર યુવતીના પરિવારજનો વિરૂદ્ધ દુષ્કર્મ આચરનાર યુવકના પરિવારજને ફરિયાદ નોંધાવી હતી, જેમાં તેમને જણાવ્યું હતું કે, મારા ભાઈ સાથે આ યુવતીએ પ્રેમ લગ્ન કર્યા હતા, જે તેના પરિવારજનોને મંજૂર ન હોવાથી તેના પરિવારજનો મંગળી રચી અમારા ઘરે આવી ધોકા પાઇપ વડે અમને માર માર્યો હતો અને મારા ભાભીનું એટલે કે દુષ્કર્મની આજે ફરિયાદ નોંધાવનાર યુવતીનું અપહરણ કર્યા અંગે ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.
Read Original Article →