ભેળસેળિયાઓએ તો હદ વટાવી!:ક્રિષ્ના ઘી ભંડારના ઘીમાં વનસ્પતિ તેલની ભેળસેળ ખુલી, લાયસન્સ વગર ચાલતી 9 પેઢીઓને નોટિસ
રાજકોટ શહેરમાં પ્રજાના આરોગ્ય સાથે ચેડાં કરતા ભેળસેળિયાઓ બેફામ બન્યા છે. નામાંકિત ડેરીઓ અને ખાદ્યપદાર્થોના વિક્રેતાઓને ત્યાંથી પણ સતત અશુદ્ધ અને અખાદ્ય ખોરાક ઝડપાઈ રહ્યો છે, જે ચિંતાનો વિષય બન્યો છે. તાજેતરમાં જ રાજકોટ મહાનગરપાલિકા (મનપા) ના ફૂડ વિભાગ દ્વારા લેવામાં આવેલા વિવિધ નમૂનાઓના પૃથક્કરણ રિપોર્ટ (લેબ ટેસ્ટિંગ) જાહેર કરવામાં આવ્યા છે. આ રિપોર્ટમાં શહેરના જાણીતા ક્રિષ્ના ઘી ભંડારમાંથી લેવામાં આવેલા નમૂનામાં વનસ્પતિ તેલની ભેળસેળ ખુલી છે. આ વેપારી દ્વારા વધુ નફો કમાવાની લ્હાયમાં લોકોના સ્વાસ્થ્ય સાથે છેડછાડ કરવામાં આવતી હોવાનું આ રિપોર્ટ પરથી સાબિત થયું છે. જેને પગલે ફૂડ વિભાગ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ ઉપરાંત આઈસ્ક્રીમનાં ત્રણ નમૂનાઓ પણ લેવામાં આવ્યા છે. ઘીનો રિપોર્ટ ફેલ જાહેર, વેપારી સામે કાયદેસરની કાર્યવાહી થશે
પ્રાપ્ત વિગત અનુસાર રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા 'ક્રિષ્ના ઘી ભંડાર' કેવડાવાડી ગરબી ચોક, કેવડાવાડી મેઇન રોડ ખાતેથી લેવામાં આવેલા ખાદ્યચીજ 'શુદ્ધ ઘી (લૂઝ)'નો નમૂનો ફેલ જાહેર થયો છે. નમુનાની તપાસ બાદ આવેલા પૃથ્થકરણ રિપોર્ટમાં વનસ્પતિ તેલની હાજરી તથા BR રીડિંગ રિચર્ટ વેલ્યૂ, આયોડિન વેલ્યૂ ધારા ધોરણ મુજબ આવી નથી. જેના કારણે આ નમૂનો 'સબસ્ટાન્ડર્ડ' (ફેઈલ) જાહેર થયો છે. મનપાનાં આરોગ્ય અધિકારી ડો. જયેશ વાંકાણીનાં જણાવ્યા મુજબ આવું ઘી આરોગવાથી વિવિધ રોગો થવાની સંભાવના વધે છે. આ બાબતને ધ્યાનમાં રાખીને વેપારી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ફૂડ લાયસન્સ મેળવી લેવા કડક સૂચના
આ ગંભીર બેદરકારી સામે આવ્યા બાદ મહાપાલિકાના ફૂડ વિભાગની ટીમ એક્શન મોડમાં આવી ગઈ છે. ફૂડ વિભાગની ટીમ દ્વારા FSW (ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સ) વાન સાથે રાખીને શહેરના નંદનવનથી વગડ ચોકડી વિસ્તારમાં સઘન ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. આ કામગીરી દરમિયાન ફૂડ સેફ્ટી ઓફિસર્સની ટીમ દ્વારા ખાણીપીણીની ચીજવસ્તુઓનું વેચાણ કરતા 19 ધંધાર્થીઓની આકસ્મિક ચકાસણી કરવામાં આવી હતી. આ દરોડા દરમિયાન લાયસન્સ વગર ગેરકાયદે રીતે ધંધો ચલાવતી 9 પેઢીઓને નોટિસ ફટકારવામાં આવી છે અને તેમને સત્વરે ફૂડ લાયસન્સ મેળવી લેવા બાબતે કડક સૂચના આપવામાં આવી છે. આ ઉપરાંત શંકાસ્પદ ખાદ્યચીજોના 10 નમૂનાઓની સ્થળ પર જ પ્રાથમિક તપાસ કરવામાં આવી હતી. ગેરકાયદે ધંધો ચલાવતી 9 પેઢીઓને નોટિસ
મનપાના ફૂડ વિભાગ દ્વારા જે 9 ધંધાર્થીઓને લાયસન્સ મેળવવા બાબતે નોટિસ આપી સૂચના આપવામાં આવી છે, તેમાં કુડોઝ આઇસક્રીમ, ઢોસા વાળા, ગુરુકૃપા આઇસક્રીમ એન્ડ સોડા, જલારામ સુરતી લોચો, હરિ પરાઠા, જય મેલડીમાં રસ, ખોડલ રસ, સીતારામ સુરતી ખમણ અને અનુ ભાજી એન્ડ પુલાવનો સમાવેશ થાય છે. ફૂડ લાઇસન્સ કે રજિસ્ટ્રેશન વગર આ પ્રકારે લોકોના આરોગ્ય સાથે સંકળાયેલો વ્યવસાય કરવો કાયદાકીય ગુનો બને છે, જેથી તંત્ર દ્વારા આ તમામ નાના-મોટા ધંધાર્થીઓ સામે લાલ આંખ કરવામાં આવી છે. ખાણીપીણીના જાણીતા આઉટલેટ પર તપાસ
આ વ્યાપક ચેકિંગ ઝુંબેશ અંતર્ગત ફૂડ વિભાગની ટીમ દ્વારા અન્ય અનેક જાણીતી પેઢીઓની પણ તપાસ કરવામાં આવી હતી. જેમાં યશ ફાર્મસી, પુષ્ટિ પ્રોવિઝન સ્ટોર, ધારેશ્વર ડેરી ફાર્મ, મારુતિ ફૂડ્સ, મવડી ઢોસા હાઉસ, પટેલ રેસ્ટોરન્ટ, પટેલ સુરતી ઢોસા, ZAF'S TEA, ગણેશ આલુપુરી અને પાણિપુરી.કોમ જેવી નામાંકિત જગ્યાઓ પર ખાદ્યપદાર્થોની ગુણવત્તાની બારીકાઈથી ચકાસણી કરવામાં આવી હતી. તહેવારો અને સામાન્ય દિવસોમાં પણ લોકો બહારના ખોરાક પર વધુ નિર્ભર રહેતા હોય છે, ત્યારે આ પ્રકારની ચકાસણી દ્વારા અખાદ્ય સામગ્રીના વેચાણ પર મહદઅંશે અંકુશ લાવી શકાય છે. આઈસક્રીમના ત્રણ નમૂના લેવામાં આવ્યા
આ ઉપરાંત મનપાની ટીમ દ્વારા ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ-2006 હેઠળ વિવિધ આઇસક્રીમ ઉત્પાદકો અને વિક્રેતાઓને ત્યાં પણ તપાસ કરવામાં આવી હતી. જેમાં શીતલ બાકલાવા પિસ્તાચો (ચોકો કવરિંગ કોટેડ આઇસક્રીમ) ઇનર લેયર (60 ml pkd) નો નમૂનો પ્રિયા એન્ટરપ્રાઇઝ (ડિસ્ટ્રીબ્યુટર રિટેલર), ઘનશ્યામ ઇન્ડસ્ટ્રીયલ એરિયા શેરી નં. 4, ઢેબર રોડ, વિરાણી અઘાટ ખાતેથી લેવામાં આવ્યો હતો. તેમજ શ્રદ્ધા કોઠી આઇસક્રીમ (મેંગો) (4.6 kg pkd) નો નમૂનો બાલાજી કોઠી આઇસક્રીમ, વ્રજ અક્ષર શોપ નં. 3, વસંત વાટિકા સામે, અંબિકા ટાઉનશિપ, મવડી, રાજકોટથી લેવામાં આવ્યો છે. આ તમામ મેળવેલા નમૂનાઓને પૃથક્કરણ અર્થે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે અને રિપોર્ટ આવ્યા બાદ ભેળસેળ સાબિત થયે કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવશે.
Read Original Article →