રાજકોટમાં 'ગાર્ડન ઝાઝા અને ગ્રીનરી ઓછી!':રેસકોર્સ સહિતના બગીચાઓ તૂટેલા બાંકડા અને ગંદકીના લીધે ખંડેર બન્યા, 184 ગાર્ડનમાં શૌચાલય અને પીવાના પાણીનો ભારે અભાવ

Gujarat5/26/2026, 4:30:00 AM
રાજકોટમાં 'ગાર્ડન ઝાઝા અને ગ્રીનરી ઓછી!':રેસકોર્સ સહિતના બગીચાઓ તૂટેલા બાંકડા અને ગંદકીના લીધે ખંડેર બન્યા, 184 ગાર્ડનમાં શૌચાલય અને પીવાના પાણીનો ભારે અભાવ
રાજકોટ શહેરમાં રેસકોર્સ સહિત અલગ-અલગ 184 જેટલા ગાર્ડન આવેલા છે. દિવ્યભાસ્કર દ્વારા આ પૈકી કેટલાક ગાર્ડનમાં જઈને ખાસ સર્વે કરવામાં આવ્યો છે. જેમાં રાજકોટમાં ગાર્ડન ઝાઝા ગ્રીનરી ઓછી હોવાની ચોંકાવનારી હકીકત સામે આવી છે. રેસકોર્સ સહિતનાં મોટાભાગના બગીચામાં તૂટેલા બાંકડા અને સ્વચ્છતાનો અભાવ જોવા મળ્યો હતો. તો શૌચાલય તેમજ પીવાના પાણીની સુવિધા અમુક જ ગાર્ડનમાં જોવા મળી હતી. તેમાં પણ સ્વચ્છતાનો અભાવ સ્પષ્ટ નજરે પડ્યો હતો. મોટાભાગનાં ગાર્ડનની અંદર અને આસપાસ કચરાનાં ઢગલાઓ જોવા મળ્યા હતા. સ્માર્ટ ટોયલેટ શોભાના ગાંઠિયા સમાન દિવ્યભાસ્કરની ટીમ સૌપ્રથમ રાજકોટની મધ્યમાં આવેલ રેસકોર્સ ગાર્ડનમાં પહોંચી હતી. જ્યાં ચારેતરફ ગ્રીનરી જોવા મળી હતી. તો મહિલાઓ માટે બનાવેલા કલ્પના ચાવલા ગાર્ડનમાં સ્માર્ટ ટોયલેટ સહિતની ખૂબ જ સુંદર વ્યવસ્થા નજરે પડી હતી. જોકે, બાળ ક્રિડાંગણમાં જતા ત્યાં તૂટેલા બાંકડા નજરે પડ્યા હતા. તેમજ સ્વચ્છતાનો અભાવ સ્પષ્ટ જોવા મળ્યો હતો. રેસકોર્સ ખાતે ફનવર્લ્ડ પાસે આવેલા ગાર્ડનમાં સ્માર્ટ ટોયલેટ શોભાના ગાંઠિયા સમાન જોવા મળ્યું હતું. અને પુરુષો માટેના શૌચાલયમાં સ્વચ્છતાનો સદંતર અભાવ જોવા મળ્યો હતો. રેસકોર્સ ગાર્ડનની અંદર પણ ક્યાંક પાંદડાનાં તો ક્યાંક કચરાનાં ઢગલા જોવા મળ્યા હતા. શિવાનંદ ઉદ્યાનમાં પીવાના પાણીની જ સુવિધા નહીં ત્યારબાદ અમે એરપોર્ટ રોડ પર ગયા હતા. જ્યાં જુદા-જુદા બે ગાર્ડન આવેલા છે. આ પૈકી શિવાનંદ ઉદ્યાનમાં ગ્રીનરીનો સદંતર અભાવ જોવા મળ્યો હતો. આ નાનો ગાર્ડન હોવાથી બાળકો માટેના ખાસ સાધનો, પીવાના પાણી કે શૌચાલય સહિતની કોઈપણ સુવિધા અહીં ન હતી. સૌથી મહત્વની બાબત એ હતી કે ગાર્ડનની અંદર તેમજ આસપાસમાં ઠેર-ઠેર કચરાનાં ઢગલા જોવા મળ્યા હતા. ક્યાંક એંઠવાડ અને ક્યાંક બીજો કચરો નજરે પડ્યો હતો. રમત-ગમતનાં સાધનો અને એક બાંકડો તૂટેલા જોવા મળ્યા આ જ રોડ પર આવેલા લક્ષ્મણરાવ ઈમાનદાર ઉદ્યાનમાં પણ ગ્રીનરીનો અભાવ જોવા મળ્યો હતો. રમત-ગમતનાં અમુક સાધનો અને એક બાંકડો તૂટેલા જોવા મળ્યા હતા. અહીં પીવાના પાણી માટે વ્યવસ્થા રાખવામાં આવી હતી પરંતુ, તેમાં સ્વચ્છતાનો સંપૂર્ણપણે અભાવ જોવા મળ્યો હતો. અને આ પાણી પીવાનું નહીં પણ વાપરવાનું હોય તેવું લાગતું હતું. જોકે, સિક્યુરિટી સ્ટાફ સતત ખડેપગે રહી ધ્યાન રાખતો હોવાનું જોવા મળ્યું હતું. વિશાળ જગ્યામાં આવેલા ગાર્ડનમાં તંત્ર ધારે તો ઘણી સુવિધા વધારી શકાય તેમ છે. આ પછી દિવ્યભાસ્કરની ટીમ સોરઠીયાવાડી સર્કલની નજીક આવેલ સ્ટેપ ગાર્ડનમાં પહોંચી હતી. આ બગીચો રાજકોટનું સંભવત: પ્રથમ સ્ટેપ ગાર્ડન છે જેનું લોકાર્પણ અમદાવાદના મેયરે હતુ. જોકે, રાજકોટની શાન કહેવાય એવા આ ગાર્ડનમાં પણ તૂટેલા બાંકડાઓ અને ન્યુસન્સ તેમજ કચરાના ઢગલાઓ જોવા મળ્યા હતા. અહીં પણ પીવાના પાણી કે શૌચાલય જેવી કોઈ સુવિધાઓ નહીં હોવાનું સામે આવ્યું હતું. રવિશંકર ઉદ્યાન બન્યું અસામાજિક તત્વોનો અડ્ડો રાજકોટનાં ભક્તિનગર નજીક શેઠ હાઇસ્કુલ પાસેના રવિશંકર ઉદ્યાનમાં પણ દિવ્યભાસ્કરની ટીમ પહોંચી હતી. જ્યાં પણ અન્ય તમામ બગીચાઓની જેમ કચરાના ઢગલા જોવા મળ્યા હતા અને અહીં આવેલો ફાઉન્ટેન પણ બંધ હાલતમાં હતો. અહીં પણ પીવાના પાણી કે શૌચાલય જેવી કોઈ સુવિધાઓ નહીં હોવાનું સામે આવ્યું હતું. બપોરના અને રાત્રીના સમયે ગાર્ડન અસામાજિક તત્વોનો અડ્ડો બની જતો હોવાનું સ્થાનિક લોકોએ જણાવ્યુ હતું. રાજકોટનાં ગૌરવપથ ગણાતા કાલાવડ રોડ પર પ્રેમમંદિર સામે આવેલા ગાર્ડનમાં પણ દિવ્યભાસ્કરની ટીમ પહોંચી હતી. જ્યાં પ્રમાણમાં સારી ગ્રીનરી જોવા મળી હતી. આ સાથે જ રમત-ગમત અને એક્સરસાઇઝનાં સાધનો પણ અહીં ઉપલબ્ધ હતા. તેમજ શૌચાલય સહિતની સુવિધા ગાર્ડનમાં ઉપલબ્ધ છે. જોકે શૌચાલયમાં સ્વચ્છતાનો તો સંપૂર્ણપણે અભાવ જોવા મળ્યો હતો. અતિ રમણીય એવા આ ગાર્ડનમાં પણ બે-ત્રણ બાંકડાઓ તૂટેલા જોવા મળ્યા હતા. જયુબેલી ગાર્ડન તો ખંઢેર જ હાલતમાં દેખાયું રાજકોટનાં ઐતિહાસિક ગણાતા જ્યુબિલિ ગાર્ડનમાં પણ દિવ્યભાસ્કરની ટીમે મુલાકાત લીધી હતી. જેમાં જ્યુબિલિ ગાર્ડનમાં ચિલ્ડ્રન વિભાગના બ્રિજ, સરોવર, ફુવારાની હાલત મનપાનાં સતાધીશોની બેદરકારીથી ખંઢેર બની હોવાનું જોવા મળ્યું હતું. જયુબેલી ગાર્ડન શહેરની મધ્યમાં છે. ગાર્ડનમાં બાળકોના વિભાગના બ્રિજ નીચે સરોવર ફુવારો સહિત મનોરંજન માટેની સુવિધા છે. પરંતુ આ ઐતિહાસિક બગીચો પણ યોગ્ય જાણવણીના અભાવે કચરાનું ઘર બન્યો છે. વર્ષો જુના ઐતિહાસિક ગાર્ડનની જાળવણી, સુંદરતા, અને સુવિધા બાબતે સતાધીશો રાખતા હોય તેવું સ્પષ્ટ જણાયું હતું. ત્યારે કોર્પોરેશન તંત્રના નવા સુકાનીઓ નિમણુંક બાદ આ ગાર્ડનનો ર્જીણોધ્ધાર કરાવે તેવી માંગ લોકોમાં ઉઠી રહી છે. સાધનોનું નિયમિત મેઈન્ટેનન્સ કરવામાં આવે છે રાજકોટ મનપાની ગાર્ડન શાખાનાં અધિકારી ડો. ભાવેશ જાકાસણીયાએ દિવ્યભાસ્કર સાથે કરેલી વાતચીતમાં જણાવ્યું હતું કે, રાજકોટ મહાનગરપાલિકામાં હાલમાં નાના-મોટા 184 ગાર્ડન આવેલા છે, જેમાં બાલક્રિડાંગણ અને સિટી લેવલના પાર્કનો સમાવેશ થાય છે. બગીચામાં બાળકો માટે રમત-ગમતના સાધનો અને લોકોની સુવિધા માટે ફિટનેસના સાધનો મૂકવામાં આવ્યા છે. જ્યારે પણ સાધનોમાં કોઈ તોડફોડ થાય કે રિપેરિંગની જરૂરિયાત જણાય ત્યારે તંત્ર દ્વારા સત્વરે તેની મરામત કરવામાં આવે છે અને સાધનોનું નિયમિત મેઈન્ટેનન્સ પણ કરવામાં આવે છે. વધુમાં તેમણે જણાવ્યું કે, આ વર્ષે મનપા દ્વારા અન્ય 3 નવા ગાર્ડન બનાવવાનું આયોજન છે, મુંજકા વિસ્તાર, રેલનગર વિસ્તાર તેમજ મવડી વિસ્તારમાં નવા ગાર્ડન બનાવવામાં આવશે. આ સાથે શહેરમાં પ્રથમ વખત એક 'ગ્લો ગાર્ડન' બનાવવાનું પણ આયોજન છે. જોકે આ ગ્લો ગાર્ડન માટે હજુ કોઈ ચોક્કસ લોકેશન ફાઈનલ થયું નથી, પરંતુ હાલ પ્રાથમિક દ્રષ્ટિએ રેસકોર્સ વિસ્તારમાં તે બનાવવાનું વિચારાયું છે. આ ગ્લો ગાર્ડનની વિશેષતા એ હશે કે તેમાં લાઈટિંગ અને રોશની દ્વારા અલગ-અલગ પ્રકારના વૃક્ષો તૈયાર કરવામાં આવશે. રેસકોર્સના નવીનીકરણ માટેની કામગીરી ચાલુ છે ગ્લો ગાર્ડન બનાવવા અંગે વધુ માહિતી આપતા ગાર્ડન શાખાના અધિકારીએ જણાવ્યું કે, ગ્લો ગાર્ડન રેસકોર્સ ખાતે બનાવવા વિચારણા ચાલી રહી છે. આ ગાર્ડનમાં વિવિધ આકૃતિઓ બનાવી તેને લાઈટિંગ ઇફેક્ટ દ્વારા ચમકદાર બનાવવામાં આવશે. ગ્લો ગાર્ડનની વિશેષતા હશે કે તેમાં લાઈટિંગ અને રોશની દ્વારા અલગ-અલગ પ્રકારના વૃક્ષો તૈયાર કરવામાં આવશે. જે શહેરીજનો માટે ખાસ આકર્ષણનું કેન્દ્ર બની રહેશે. રાજકોટનું સૌથી જાણીતું સ્થળ રેસકોર્સના નવીનીકરણ માટેની કામગીરી પણ હાલ પ્રગતિમાં છે. બાંધકામ શાખા દ્વારા આ પ્રોજેક્ટનું પ્લાનિંગ અને ડિઝાઇનિંગ કરવામાં આવી રહ્યું છે. આ કામગીરી માટે ચાલુ વર્ષના બજેટમાં રૂ. 10 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. જોકે આ પ્રોજેક્ટ હાલ સાવ પ્રારંભિક તબક્કામાં છે. જે પૂર્ણ થતા અંદાજે 1.5 વર્ષ જેટલો સમય લાગી શકે છે. પરંતુ આ નવીનીકરણ બાદ રેસકોર્સ ગાર્ડન સાવ નવા જ રંગરૂપમાં જોવા મળશે. સર્વેમાં મોટાભાગના ગાર્ડનમાં ગ્રીનરી ઓછી જોવા મળી બગીચાઓની જાળવણી અને ગ્રીનરી અંગે તેઓએ જણાવ્યું કે, બગીચાઓમાં ગ્રીનરી વધારવા માટે આગામી ચોમાસામાં વ્યાપક પ્લાન્ટેશન કરવામાં આવશે. જે બગીચાઓમાં ગ્રીનરી ઓછી છે ત્યાં વધુ વૃક્ષારોપણ કરી તેને હરિયાળા બનાવવામાં આવશે તેવી ખાતરી પણ તેમણે આપી છે. ઉલ્લેખનીય છે કે, રાજકોટ મહાનગરપાલિકા દ્વારા હાલ લોકોના મનોરંજન માટે શહેરના જુદા-જુદા વિસ્તારોમાં 184 જેટલા નાના-મોટા ગાર્ડન બનાવવામાં આવ્યા છે. જેનું મેઈન્ટેનન્સ કરવા માટે એજન્સીઓને કોન્ટ્રાકટ પણ આપવામાં આવ્યા છે પરંતુ, દિવ્યભાસ્કર દ્વારા કરાયેલા સર્વેમાં રાજકોટનાં મોટાભાગના ગાર્ડનમાં ગ્રીનરી ઓછી જોવા મળી હતી. તેમજ સ્વચ્છતાનો અભાવ અને અમુક બાંકડા પણ તૂટેલી હાલતમાં જોવા મળ્યા હતા. જોકે ગ્રીનરી વધારવા ચોમાસામાં વૃક્ષારોપણ કરવાની ખાતરી અધિકારી દ્વારા આપવામાં આવી છે. અને કોઈ સાધનો કે બાંકડા તૂટેલા હોય તેનું સત્વરે સમારકામ થતું હોવાનો દાવો પણ અધિકારીએ કર્યો છે.
Read Original Article →