સાધુ વાસવાણી રોડ પર કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં ભીષણ આગ:ફાયર ફાઈટર્સ દ્વારા 7 કર્મચારીઓનું દિલધડક રેસ્ક્યુ, મોટી જાનહાનિ ટળી
રાજકોટના સાધુ વાસવાણી રોડ પર આવેલા ગાર્ડન સિટી કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં આજે બપોરે ભીષણ આગ ફાટી નીકળતા અફરાતફરી મચી ગઈ હતી. કોમ્પ્લેક્સના ત્રીજા માળે આવેલી એક કન્સ્ટ્રક્શન કંપનીની ઓફિસમાં લાગેલી આગમાં ફસાયેલા 6 થી 7 કર્મચારીઓને ફાયર બ્રિગેડે લેડરની મદદથી સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા. શોર્ટ સર્કિટના કારણે લાગેલી આ આગમાં લાખોની માલમત્તા બળીને ખાખ થઈ ગઈ છે, પરંતુ સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. ફાયર વિભાગનું દિલધડક રેસ્ક્યુ ઓપરેશન
ગાર્ડન સિટી કોમ્પ્લેક્સની ઓફિસમાં આગ લાગતા કાળા ધુમાડાના ગોટેગોટા પ્રસરી ગયા હતા, જેના કારણે અંદર કામ કરતા કર્મચારીઓ ગૂંગળામણ અનુભવવા લાગ્યા હતા. ફસાયેલા કર્મચારીઓ બારી પાસે આવી બચાવ માટે આક્રંદ કરી રહ્યા હતા. ગભરાટમાં કેટલાક લોકોએ નીચે કૂદી પડવાની પણ ચીમકી ઉચ્ચારી હતી. ઘટનાની જાણ થતા જ ફાયર બ્રિગેડની 3 ટીમો અને પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. ફાયર ફાઈટર્સે ભારે જહેમત બાદ લેડર (સીડી) મારફતે તમામ ફસાયેલા લોકોને એકપછી એક સુરક્ષિત રીતે નીચે ઉતાર્યા હતા. પ્રાથમિક તપાસ મુજબ આગનું કારણ શોર્ટ સર્કિટ હોવાનું જણાય છે. આગમાં ઓફિસનું ફર્નિચર અને મહત્વના દસ્તાવેજો બળી ગયા છે. તંત્ર દ્વારા હાલ બિલ્ડિંગના ફાયર NOC અંગે તપાસ હાથ ધરવામાં આવી છે. સિવિલ હોસ્પિટલના એક્સ-રે વિભાગમાં ભારે હોબાળો
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં આજે દર્દીઓ અને અમરનાથ યાત્રીઓનો એકસાથે ધસારો વધતા વ્યવસ્થા ખોરવાઈ હતી. રૂટિન દર્દીઓ, અમરનાથ યાત્રાના હેલ્થ સર્ટિફિકેટ અને પોલીસ ફિટનેસ ટેસ્ટ માટે આવનારા લોકોની લાંબી કતારો લાગી હતી. કલાકો સુધી પ્રતીક્ષા બાદ પણ વારો ન આવતા દર્દીઓએ દેકારો કર્યો હતો, જેને પગલે સ્થિતિ કાબૂમાં લેવા સિક્યોરિટી ગાર્ડ તૈનાત કરવા પડ્યા હતા. રેલવેના 12 જાગૃત કર્મચારીઓનું સન્માન
રાજકોટ રેલવે ડિવિઝનના 12 કર્મચારીઓને તેમની સતર્કતા બદલ ડીઆરએમ ગિરિરાજ કુમાર મીના દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા. આ કર્મચારીઓએ ડિસેમ્બર 2025 થી ફેબ્રુઆરી 2026 દરમિયાન ફરજમાં બેદરકારી દાખવવાને બદલે ગંભીર ટેકનિકલ ખામીઓ ઝડપી પાડી હતી ઓઈલ લીકેજ, તૂટેલી નકલ પિન અને ટ્રેક પરના અવરોધો સમયસર શોધી કાઢી સંભવિત રેલ અકસ્માતો ટાળવામાં આ કર્મચારીઓએ મહત્વની ભૂમિકા ભજવી હતી.
Read Original Article →