રાજકોટ ગ્રામ્યની વધુ બે ગેંગ સામે ગુજસીટોક દાખલ:કાળીયો ગેંગના 9 સભ્યો સામે સૌરાષ્ટ્રમાં 47 અને ઇમલા ગેંગના 8 સભ્યો સામે 55 ગુના છેલ્લા 10 વર્ષમાં નોંધાયા છે

Gujarat4/9/2026, 11:14:56 AM
રાજકોટ ગ્રામ્યની વધુ બે ગેંગ સામે ગુજસીટોક દાખલ:કાળીયો ગેંગના 9 સભ્યો સામે સૌરાષ્ટ્રમાં 47 અને ઇમલા ગેંગના 8 સભ્યો સામે 55 ગુના છેલ્લા 10 વર્ષમાં નોંધાયા છે
રાજકોટ જિલ્લા પોલીસ દ્વારા આજે વધુ બે ગેંગ સામે ગુજસીટોક હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવી છે જેમાં કાળીયો ગેંગના 9 સભ્યો અને ઇમલા ગેંગના 8 સભ્યો સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે જેના વિરુધ્ધ સૌરાષ્ટ્ર ભરમાં છેલ્લા 10 વર્ષમાં કુલ 102 ગુના નોંધાઈ ચુક્યા છે. પોલીસે બે ગેંગના 12 સભ્યોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે જયારે જ્યુડિશિયલ કસ્ટડીમાં રહેલ આરોપીઓનો જેલમાંથી કબ્જો મેળવવા અને ફરાર આરોપી ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે. રાજકોટ જિલ્લા પોલીસ દ્વારા બે ગેંગ સામે ગુજસીટોક હેઠળ ફરિયાદ દાખલ રાજકોટ જિલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જરએ જણાવ્યું હતું કે, રાજકોટ સહીત સમગ્ર સૌરાષ્ટ્રમાં આતંક મચાવનારી 'કાળીયો ગેંગ' પર ગુજસીટોક હેઠળ ગાળિયો કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. છેલ્લા 10 વર્ષથી સમગ્ર સૌરાષ્ટ્રમાં ચોરી, લૂંટ અને શરીર સંબંધી ગંભીર ગુનાઓ આચરતી કુખ્યાત 'કાળીયો ગેંગ'ના 9 સભ્યો વિરુદ્ધ ગુજસીટોક હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ ટોળકીના સભ્યોએ સૌરાષ્ટ્રના અલગ-અલગ જિલ્લાઓમાં 47 ગુના આચર્યા હોવાનું સામે આવ્યું છે. આ ટોળકીનો મુખ્ય સૂત્રધાર રણજીત ઉર્ફે રાહુલ ઉર્ફે કાળીયો ધીરુભાઈ સોલંકી છે. આ ગેંગ સંગઠિત થઈને પૂર્વ આયોજિત કાવતરા કરી ઘરફોડ ચોરી, વાહન ચોરી અને ખૂન જેવા ગંભીર ગુનાઓને અંજામ આપતી હતી. પોલીસ તપાસમાં આ ગેંગે સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લાઓમાં તરખાટ મચાવી રાજકોટ ગ્રામ્યમાં 27 ગુના, જૂનાગઢમાં 6 ગુના, રાજકોટ શહેર અને અમરેલીમાં 4-4 ગુના તેમજ બોટાદ, ગીર સોમનાથ, જામનગર, સુરેન્દ્રનગર અને ભાવનગરમાં પણ ચોરીના ગુના નોંધાઈ ચુક્યા છે. પોલીસે કુલ 9 આરોપીઓ સામે ગુજસીટોક હેઠળ ફરિયાદ દાખલ કરી 6 આરોપીઓ રણજીત ઉર્ફે રાહુલ ઉર્ફે કરો ઉર્ફે કાળીયો ધીરૂભાઇ સોલંકી, દેવચંદ ધીરૂભાઇ સોલંકી, નારણ ઉર્ફે નરેશ ધીરૂભાઇ સોલંકી, જીતેશ ઉર્ફે કટ્ટી ઉર્ફે જીતો નવલભાઇ ઉર્ફે મુનીભાઇ વાઘેલા, પ્રકાશ ઉર્ફે પકો સવજીભાઇ ઉર્ફે સવાભાઇ વાઘેલા, સાગર અશોકભાઇ ઉર્ફે બાવભાઇ ચારોલીયાની ધરપકડ કરી છે જયારે એક આરોપી વિજય ઉર્ફે વિજુ ઉર્ફે વિજલો અમરશીભાઇ ચારોલા હાલ જ્યુડિશિયલ કસ્ટડીમાં છે તેનો જેલમાંથી કબ્જો મેળવવામાં આવશે અને ફરાર અન્ય 2 આરોપીઓ ઇનેશ ઉર્ફે યુનુસ ઉર્ફે ડીડી નવલભાઇ ઉર્ફે મુનીભાઇ વાઘેલા અને વિક્રમ ઉર્ફે વિકુ ઉર્ફે વિજય ધીરૂભાઇ સોલંકીને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. આ ઉપરાંત રાજકોટ સહીત સૌરાષ્ટ્રની કુખ્યાત ઈમલા ગેંગના 8 સભ્યો સામે પણ ગુજસીટોક હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે જેના વિરુધ્ધ છેલ્લા 10 વર્ષમાં કુલ 55 ગુના નોંધાઈ ચુક્યા છે. આ ગેંગનો મુખ્ય સાગરીત આરોપી ઇમરાન ઉર્ફે ઈમલો હસનભાઈ કટારીયાએ પોતાના સાગરીતો સાથે મળીને એક સંગઠિત ગુનાહિત સિન્ડિકેટ બનાવી ખૂનની કોશિશ, ગંભીર ઈજા, આર્મ્સ એક્ટ, પ્રોહિબિશન અને જુગાર જેવા કુલ 23 જેટલા ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. તેમનો મુખ્ય હેતુ આર્થિક લાભ મેળવવા માટે વિસ્તારમાં ભયનું વાતાવરણ ઉભું કરી જાહેર શાંતિનો ભંગ કરવાનો હતો. આ ગેંગના કુલ 8 આરોપીઓ પૈકી 6 આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે. જેમાં ઇરફાન ઉર્ફે ઇકુ હસનભાઇ ઉર્ફે જમાલભાઇ કટારીયા, ઇમરાન ઉર્ફે ઇમલો હસનભાઇ ઉર્ફે જમાલભાઇ કટારીયા, શકીલ હસનભાઇ ઉર્ફે જમાલભાઇ કટારીયા, હસનભાઇ ઇસ્માઇલભાઇ કટારીયા, સરફરજ ઉર્ફે નોડી હુશેનભાઇ શેખ, શાહરૂખ ઇબ્રાહીમભાઇ માંડલીયા ની પકડી પાડવામાં આવ્યા છે. જ્યારે આરોપી નવાજ ઉર્ફે બાંબુટ દિલાવરભાઇ પઠાણ, હાલ જ્યુડિશિયલ કસ્ટડીમાં છે અને 1 આરોપી હુશેન ઉર્ફે ભોલીયો દિલાવરભાઇ મકરાણીને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. આરોપીનો છેલ્લા 10 વર્ષનો ગુનાહિત ઇતિહાસ ઈરફાન ઉર્ફે ઇકુ હસન કટારીયા વિરુદ્ધ કુલ 12 ગુનાઓ નોંધાયા છે. જેમાં ખૂનની કોશિશના 2, ગંભીર ઇજા 1, સામાન્ય ઇજા 1 અને પ્રોહીબિશનના 8 ગુના નોંધાયા છે. આરોપી ઇમરાન ઉર્ફે ઇમલો હસન કટારીયા વિરુદ્ધ 10 ગુનાઓ નોંધાયા છે જેમાં ખૂનની કોશિશના 1, ગંભીર ઇજા 2, સામાન્ય ઇજા 2, આર્મ્સ એકટ 1 અને પ્રોહીબિશનના 4 ગુના નોંધાયા છે. આરોપી હુસેન ઉર્ફે ભોલીયો દિલાવર મકરાણી વિરુદ્ધ કુલ 7 ગુનાઓ નોંધાયા છે જેમાં ગંભીર ઇજા 2, સામાન્ય ઇજા 2, આર્મ્સ એકટ 2 અને પ્રોહીબિશનના 1 ગુના નોંધાયા છે. આરોપી શકીલ હસન મકરાણી વિરુદ્ધ કુલ 2 ગુનાઓ નોંધાયા છે જેમાં ગંભીર ઇજા 1 અને સામાન્ય ઇજા 1 ગુનો નોંધાયો છે. આરોપી હસન ઇસ્માઇલ કટારીયા વિરુદ્ધ કુલ 3 ગુનાઓ નોંધાયા છેમ જેમાં ખૂનની કોશિશ 1, ગંભીર ઇજા 1 અને પ્રોહીબિશન 1 ગુનો નોંધાયો છે. આરોપી સરફરાજ ઉર્ફે નોડી હુસેન શેખ વિરુદ્ધ કુલ 2 ગુનાઓ નોંધાયા છે જેમાં ગંભીર ઇજા 1 અને પ્રોહીબિશન 1 ગુનો નોંધાયો છે. જયારે આરોપી નવાઝ ઉર્ફે બાંબુટ દિલાવર પઠાણ અને શાહરુખ ઇબ્રાહિમ માંડલીયા વિરુદ્ધ ગંભીર ઇજાના એક-એક ગુના નોંધાઈ ચુક્યા છે.
Read Original Article →