આગની વધુ એક ઘટના:મવડી ચોકડી પાસે ફર્નિચરની દુકાનમાં શોર્ટ સર્કિટના કારણે આગ, ફાયર વિભાગે પાણીનો મારો ચલાવીને કાબૂ મેળવ્યો

Gujarat6/5/2026, 11:03:07 AM
આગની વધુ એક ઘટના:મવડી ચોકડી પાસે ફર્નિચરની દુકાનમાં શોર્ટ સર્કિટના કારણે આગ, ફાયર વિભાગે પાણીનો મારો ચલાવીને કાબૂ મેળવ્યો
રાજકોટ શહેરના વ્યસ્ત અને ધમધમતા મવડી ચોકડી વિસ્તાર નજીક આજે બપોરના સમયે એક ફર્નિચરની દુકાનમાં અચાનક શોર્ટ સર્કિટના કારણે આગ ભભૂકી ઉઠી હતી. આગની આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે અફરાતફરી અને દોડધામનો માહોલ સર્જાયો હતો. લાકડાનો સામાન હોવાના કારણે આગે જોતજોતામાં રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને ધુમાડાના ગોટેગોટા આકાશમાં ઉડતા જોવા મળ્યા હતા. જોકે આ ઘટનાની જાણ થતા ફાયર વિભાગનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. અને જવાનોએ ભારે જહેમત બાદ પાણીનો મારો ચલાવીને આગ પર સંપૂર્ણ કાબૂ મેળવ્યો હતો. આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. મૂર્તિઓ બનાવવા માટે દુકાનમાં જ્વલનશીલ સામાન રાખવામાં આવ્યો પ્રાપ્ત વિગત મુજબ રાજકોટ શહેરના મવડી ચોકડી પાસે શિવમ વુડ આર્ટ નામની ફર્નિચર અને વુડન આર્ટની એક દુકાન આવેલી છે. દુકાન દીપકભાઈ નામના વેપારીની માલિકીની છે. રોજિંદી પ્રક્રિયા મુજબ આજે દુકાનમાં કામકાજ ચાલી રહ્યું હતું. દુકાનમાં મુખ્યત્વે લાકડામાંથી ભગવાન ગણેશની એટલે કે વુડન ગણપતિની સુંદર મૂર્તિઓ બનાવવાનું વ્યાપારી ધોરણે કામ કરવામાં આવે છે. મૂર્તિઓ બનાવવા માટે દુકાનમાં મોટા પ્રમાણમાં સૂકું લાકડું, પ્લાયવુડ, કલર, કેમિકલ અને વાર્નિશ જેવો અત્યંત જ્વલનશીલ સામાન રાખવામાં આવ્યો હતો. શોર્ટ સર્કિટના કારણે તણખા ઝર્યા અને સૂકા લાકડાએ આગ પકડી લીધી આજરોજ બપોરના સુમારે દુકાનના માલિક દીપકભાઈ દરરોજના સમય પ્રમાણે દુકાન ખુલ્લી રાખીને નજીકમાં જમવા માટે ગયા હતા. દુકાનમાં તે સમયે કોઈ હાજર ન હતું. આ દરમિયાન દુકાનની અંદર અચાનક વાયરિંગમાં શોર્ટ સર્કિટ થયું હતું. શોર્ટ સર્કિટના કારણે તણખા ઝર્યા હતા અને નીચે પડેલા સૂકા લાકડાએ તુરંત આગ પકડી લીધી હતી. લાકડું અને કેમિકલ જેવો સામાન હોવાના કારણે આગ ખૂબ જ ઝડપથી ફેલાઈ ગઈ હતી અને આખી દુકાનને પોતાની ઝપેટમાં લઈ લીધી હતી. જોકે, આસપાસના વેપારીઓએ દુકાનમાંથી અચાનક તીવ્ર ધુમાડો નીકળતો જોયો હતો. જ્યાં સુધી લોકો કંઈ સમજે તે પહેલાં જ આગની જ્વાળાઓ બહાર દેખાવા લાગી હતી. લોકોએ પોતાના સ્તરે પાણી છાંટીને આગ ઓલવવાનો પ્રયાસ કર્યો આગ લાગી હોવાની ખબર પડતાં જ આજુબાજુના દુકાનદારો અને રાહદારીઓ ઘટનાસ્થળે એકઠા થઈ ગયા હતા. લોકોએ પોતાના સ્તરે પાણી છાંટીને આગ ઓલવવાનો પ્રાથમિક પ્રયાસ કર્યો હતો, પરંતુ આગ એટલી વિકરાળ હતી કે તેના પર કાબૂ મેળવવો અશક્ય બન્યો હતો. આ દ્રશ્ય જોઈને તાત્કાલિક રાજકોટ મહાનગરપાલિકાના ફાયરબ્રિગેડ વિભાગને ફોન દ્વારા ઘટનાની જાણ કરવામાં આવી હતી. આગની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ફાયર કંટ્રોલ રૂમ દ્વારા તાકીદે પગલાં લેવામાં આવ્યા હતા. 15 મિનિટમાં આગ પર કાબૂ મેળવી લીધો હતો ઘટનાની માહિતી મળતાની સાથે જ ફાયરબ્રિગેડના સ્ટાફના જવાનો સજ્જ થઈને ઘટનાસ્થળ તરફ રવાના થઈ ગયા હતા. આગ પર વહેલી તકે કાબૂ મેળવી શકાય તે માટે એક પછી એક એમ કુલ 3 ફાયર ફાઈટર વાહનોને ઘટનાસ્થળે મોકલવામાં આવ્યા હતા. ફાયર ફાઇટરના વાહનોએ ઘટનાસ્થળે પહોંચીને જોયું તો આખી દુકાન આગની જ્વાળાઓમાં ઘેરાયેલી હતી. જેને લઈ જરાય સમય ગુમાવ્યા વિના પાણીનો ભારે મારો ચલાવવાનું શરૂ કરી દીધું હતું. દુકાનની અંદર સળગી રહેલા લાકડાના જથ્થા પર સતત પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો. અને અંદાજિત 15 મિનિટના ટૂંકા ગાળામાં આગ પર સંપૂર્ણપણે કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો. જમવા માટે બહાર ગયા હતા અને પાછળથી આ દુર્ઘટના ઘટી બીજી તરફ, દુકાનમાં આગ લાગી હોવાના સમાચાર મળતાં જ દુકાન માલિક દીપકભાઈ પણ તુરંત પોતાની દુકાને દોડી આવ્યા હતા. પોતાની આંખો સામે પોતાની જ દુકાનને સળગતી જોઈને જ તેઓ સ્તબ્ધ થઈ ગયા હતા. દીપકભાઈના જણાવ્યા અનુસાર, તેઓ બપોરે નિયમિત સમયે જમવા માટે બહાર ગયા હતા અને પાછળથી આ દુર્ઘટના ઘટી હતી. પ્રાથમિક તપાસ અને નજરે જોનારા અહેવાલોના આધારે તારણ કાઢવામાં આવ્યું છે કે આ આગ વીજ વાયરિંગમાં અચાનક થયેલા શોર્ટ સર્કિટના કારણે જ લાગી હતી. સદભાગ્યે, જે સમયે આ આગ ફાટી નીકળી તે સમયે દુકાનની અંદર કોઈ કારીગર કે ગ્રાહક હાજર ન હતા અને માલિક પણ બહાર હતા. ઉપરાંત ફાયરબ્રિગેડની ટીમે પણ ખૂબ જ ત્વરિત કામગીરી દાખવી હોવાથી આ ભીષણ આગની દુર્ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ નથી કે કોઈ વ્યક્તિ દાઝ્યું નથી. જો કે, આગ એટલી ઝડપી અને તીવ્ર હતી કે દુકાનમાં રાખેલો મૂર્તિઓ બનાવવાનો કિંમતી લાકડાનો જથ્થો, તૈયાર થયેલી વુડન ગણપતિની મૂર્તિઓ, ઓજારો, ફર્નિચર અને અન્ય કિંમતી સામાન બળીને ખાખ થઈ ગયો છે. આ આગના કારણે દુકાન માલિકને મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.
Read Original Article →