10 દિવસમાં ચોથીવાર ભાવ વધતાં પેટ્રોલ 100ને પાર:રોષ સાથે લોકોએ કહ્યું- સરકારને રજૂઆત કરીએ છીએ પણ કંઈ સાંભળતી નથી, હજુ ભાવ વધવાની દહેશત
રાજકોટ શહેરમાં પેટ્રોલ, ડીઝલ અને ગેસના ભાવમાં ઝીંકાયેલા સતત ચોથા ભાવવધારાને પગલે સામાન્ય જનતામાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. માત્ર 10 દિવસના ટૂંકા ગાળામાં ચોથી વખત ભાવ વધતાં પેટ્રોલની કિંમત 100 રૂપિયાની સપાટી વટાવી ગઈ છે. મોડીરાત્રે લેવાયેલા નિર્ણય મુજબ, ઇંધણ ઉપરાંત સીએનજી, રાંધણ ગેસના ભાવમાં પણ મોટો વધારો કરવામાં આવ્યો છે, જેની સીધી અસર ટ્રાન્સપોર્ટેશન અને સામાન્ય નાગરિકોના ઘરના બજેટ પર પડી રહી છે. વૈશ્વિક સ્તરે ચાલી રહેલી યુદ્ધની સ્થિતિને કારણે એક્સપોર્ટ-ઈમ્પોર્ટ પ્રક્રિયા પ્રભાવિત થતાં આગામી દિવસોમાં હજુ પણ ઇંધણ મોંઘું થવાની આશંકા સેવાઈ રહી છે. સવારે 6 વાગ્યે તાત્કાલિક મેસેજ કરી નવો ભાવવધારો લાગુ કરાયો
કિંમતોની વિગતવાર વાત કરીએ તો, પેટ્રોલમાં પ્રતિ લીટર ₹2.61નો વધારો ઝીંકાતા તેનો નવો ભાવ ₹98.99થી વધીને ₹101.59 પર પહોંચ્યો છે. જ્યારે ડીઝલમાં પ્રતિ લીટર ₹2.79નો વધારો થતાં ભાવ ₹94.93થી વધીને ₹97.72 થયો છે. આ સાથે ગેસના ભાવમાં પણ પ્રતિ કિલો ₹2.75નો વધારો કરી ₹80.26થી ₹83.01 કરવામાં આવ્યા છે. સામાન્ય રીતે ઇંધણના નવા ભાવો રાત્રે 12:00 વાગ્યાથી અમલી બનતા હોય છે, પરંતુ આ વખતે સરકારે વહેલી સવારે 6:00 વાગ્યે પેટ્રોલ પંપ ડીલરોને મેસેજ મોકલીને તાત્કાલિક અસરથી આ નવો ભાવવધારો લાગુ કરાવ્યો છે. નોંધનીય છે કે, છેલ્લા 10 દિવસમાં જ ઇંધણના ભાવમાં લીટરે અંદાજે ₹7.50નો તોતિંગ વધારો ઝીંકાયો છે. મધ્યમ વર્ગનું બજેટ ખોરવાયું, પ્રજાની રજૂઆતો પ્રત્યે સરકાર ઉદાસીન
ઇંધણ અને ગેસના આ અસહ્ય ભાવવધારાને કારણે મધ્યમ અને સામાન્ય વર્ગના નાગરિકોની મુશ્કેલીઓ બેવડાઈ છે. સ્થાનિક યુવાન કીર્તન પટેલે ચિંતા વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, કિંમતો ₹100ને પાર પહોંચી જતાં મધ્યમ વર્ગ માટે વાહન ચલાવવું મુશ્કેલ બન્યું છે અને ભવિષ્યમાં ડીઝલ ગાડીઓનો વપરાશ બંધ થઈ જવાની સ્થિતિ સર્જાઈ શકે છે. જો વૈશ્વિક તણાવને કારણે ઓઇલની સપ્લાય આ જ રીતે પ્રભાવિત રહેશે, તો આગામી સમયમાં ભાવ ₹120 સુધી પહોંચી શકે છે અને મોંઘવારી વધુ ફાટી નીકળશે. અન્ય એક સ્થાનિક મહિલા જ્યોતિબેને સરકાર સામે ભારે નારાજગી વ્યક્ત કરતાં કહ્યું કે, ટ્રાન્સપોર્ટેશન સહિતની મોટાભાગની વ્યવસ્થાઓ ઇંધણ પર નિર્ભર હોવાથી ઘરનું આખું આર્થિક બજેટ અસ્તવ્યસ્ત થઈ ગયું છે. પ્રજા દ્વારા સતત રજૂઆતો અને મોંઘવારીમાં રાહતની માંગ કરવા છતાં સરકાર પ્રજાનો અવાજ સાંભળવા તૈયાર નથી. વૈશ્વિક પરિસ્થિતિને જોતાં આગામી દિવસોમાં હજુ પણ ભાવ વધવાની આશંકા મુસાફરો અને સ્થાનિકો સેવી રહ્યા છે.
Read Original Article →