રાજકોટમાં આગની વધુ એક ઘટના:સંતકબીર રોડ ઉપરનાં જય મહાવીર સેલ્સના 4 માળે ધુમાડાનાં ગોટેગોટા જોવા મળ્યા, ફાયર બ્રિગેડની ટીમે પાણીનો મારો ચલાવી મેળવ્યો કાબુ

Gujarat5/26/2026, 12:38:46 PM
રાજકોટમાં આગની વધુ એક ઘટના:સંતકબીર રોડ ઉપરનાં જય મહાવીર સેલ્સના 4 માળે ધુમાડાનાં ગોટેગોટા જોવા મળ્યા, ફાયર બ્રિગેડની ટીમે પાણીનો મારો ચલાવી મેળવ્યો કાબુ
રાજકોટમાં ફરી એકવાર આગની ચિંતાજનક ઘટના સામે આવી છે. શહેરના વ્યસ્ત ગણાતા સંત કબીર રોડ પર આવેલ જય મહાવીર સેલ્સ નામની બિલ્ડિંગમાં અચાનક આગ લાગી નીકળી હતી. આગની આ ઘટના જય મહાવીર સેલ્સના 4 માળે બની હોવાનું સામે આવ્યું છે. બિલ્ડિંગના ચોથા માળે અચાનક ધુમાડાના ગોટેગોટા દેખાતા અંદર કામ કરી રહેલા વર્કરો અને કર્મચારીઓમાં ભારે અફરાતફરી મચી હતી. જોકે આ ઘટનાને પગલે આસપાસના લોકો પણ મોટી સંખ્યામાં એકઠા થઈ ગયા હતા. અને ઘટના અંગે તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા ફાયર ફાઈટરોનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. ફાયર બ્રિગેડના જવાનોએ યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરીને સતત પાણીનો મારો ચલાવ્યો હતો અને ગણતરીની મિનિટોમાં આગ પર સંપૂર્ણ કાબુ મેળવ્યો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી અને સમયસર તમામ વર્કરો સુરક્ષિત બહાર નીકળી ગયા હતા, જેથી મોટો અનર્થ ટળ્યો છે. જો કે, આગને કારણે દુકાનમાં રહેલો ઘણો માલસામાન બળીને ખાખ થઈ ગયો છે. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખખડધજ લિફ્ટ બંધ પડતાં દર્દી ફસાયા રાજકોટની સિવિલ હોસ્પિટલના 6 માળના ઓપીડી બિલ્ડીંગમાં આવેલી જૂની પુરાણી અને ખખડધજ લિફ્ટ અવારનવાર બંધ પડી જવાની ગંભીર સમસ્યા સામે આવી છે. આ બિલ્ડીંગમાં મહત્વના ઓપરેશન થિયેટર પણ આવેલા હોવા છતાં, હોસ્પિટલ તંત્ર આ સંવેદનશીલ પ્રશ્ન અંગે સતત આંખ આડા કાન કરી રહ્યું છે. હોસ્પિટલ જેવા દર્દીઓથી ઉભરાતા સ્થળે લિફ્ટ કેટલી અનિવાર્ય છે તે સામાન્ય બાબત હોવા છતાં તંત્ર દ્વારા આ બાબતે કોઈ કાયમી ઉકેલ લાવવામાં આવતો નથી, જેને કારણે દર્દીઓની સુવિધા અને સલામતી જોખમાઈ રહી છે. આજે સવારે આ જ જર્જરિત લિફ્ટ અચાનક બંધ પડી ગઈ હતી, જેના લીધે સારવાર માટે આવેલા અસહાય દર્દી લિફ્ટની અંદર જ અટવાઈ પડ્યા હતા. લિફ્ટ બંધ થતાં જ ફસાયેલા લોકોમાં ભારે ગભરાટ અને દોડધામ મચી ગઈ હતી. જોકે કપરી પરિસ્થિતિમાં ફરજ પરના સિક્યુરિટી ગાર્ડ, નિવૃત્ત આર્મીમેન અને અન્ય સ્ટાફના કર્મચારીઓએ તાત્કાલિક ભારે જહેમત ઉઠાવી હતી અને લિફ્ટમાં ફસાયેલા દર્દી સહિતના લોકોને બહાર કાઢ્યા હતા. ઘટના બાદ દર્દીઓના પરિવારોમાં તંત્રની ઘોર બેદરકારી સામે ભારે રોષ જોવા મળ્યો હતો. યુદ્ધની અસર, રાજકોટથી હૈદરાબાદ અને નવી મુંબઇની ફ્લાઇટ એકાંતરા થવાની શક્યતા ઇરાક-અમેરિકા મિડલ ઇસ્ટના યુદ્ધની અસરોના પગલે એર ફ્યુઅલ મોંઘું થતાં એરલાઇન્સ કંપનીની મુશ્કેલીમાં વધારો થયો છે. અને આગામી જૂનના બીજા સપ્તાહથી ઉનાળુ વેકેશન પૂર્ણ થતાં જ હવાઇ મુસાફરોનો ટ્રાફિક ઘટવાની દહેશત છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને એરલાઇન્સ કંપનીઓએ પાણી પહેલાં પાળ બાંધવાનું શરૂ કર્યું છે. અગાઉ એર ઇન્ડિયાએ 1 જૂનથી રાજકોટ ખાતેથી ઉપડતી સવારની દિલ્હી અને સાંજની મુંબઇ ફ્લાઇટ બંધ કરવાનો નિર્ણય લીધો હતો, ત્યારે હવે ઇન્ડિગો એરલાઇન્સ પણ આગામી 16 જૂનથી પોતાની સેવામાં કાપ મુકવા વિચારણા હાથ ધરી રહી છે. ઇન્ડિગો તેની ડેઇલી 9 ફ્લાઇટમાંથી 2 રાજકોટ-હૈદરાબાદ અને રાજકોટ-નવી મુંબઇની ફ્લાઇટને એકાંતરા (ઓલ્ટરનેટ) ઉડાડે તેવી સંભાવના છે, જેનું સત્તાવાર શિડ્યુલ ટૂંક જ સમયમાં જાહેર કરવામાં આવનાર છે. હાલમાં રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી દરરોજ 13 ફ્લાઇટ અને પુના માટે સપ્તાહમાં મંગળ, બુધ, ગુરુ અને રવિવારે ઉડ્ડયન સેવાઓ ચાલુ છે. જોકે, આગામી 16 જૂન પછી એરપોર્ટ પરથી ફ્લાઇટ્સની સંખ્યા ઘટીને 9 થી 12 જેટલી થઈ જશે. જેમાં એર ઇન્ડિયા અને ઇન્ડિગોની મુંબઇ, દિલ્હી, પુના, બેંગ્લોર તથા હૈદ્રાબાદની ફ્લાઇટ્સ સામેલ રહેશે. સોલાર પ્રોજેક્ટ માટે સમયમર્યાદા વધારો, રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સની PMને રજૂઆત રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા PM મોદી સમક્ષ સોલાર પાવર પ્લાન્ટ પ્રોજેક્ટના સંદર્ભમાં મહત્વપૂર્ણ રજૂઆત કરવામાં આવી છે. કેન્દ્ર સરકાર દ્વારા 1 જૂનથી તમામ કોમર્શિયલ તેમજ ઇન્ડસ્ટ્રીયલ સોલાર પ્રોજેક્ટ માટે ડોમેસ્ટિક ક્ધટેન્ટ રિકવાયરમેન્ટ (DCR) સોલાર પેનલનો ઉપયોગ ફરજીયાત બનાવવામાં આવ્યો છે, તેમજ ALMM યાદીમાં સમાવિષ્ટ ભારતીય ઉત્પાદિત પેનલ્સનો જ ઉપયોગ કરવાનો નિર્ણય લેવાયો છે. ચેમ્બરે સરકારના આ નિર્ણયને 'વોકલ ફોર લોકલ' અભિયાન અને દેશની ઉર્જા સુરક્ષા માટે આવકાર્યો છે. જો કે, હાલમાં અનેક પ્રોજેક્ટ્સ અધૂરી પ્રક્રિયામાં હોય 31 મે સુધી નવા સોલાર પાવર પ્લાન્ટ માટે રજીસ્ટ્રેશન કરાવનાર અરજદારોને Non-DCR સોલાર પેનલનાં ઇન્સ્ટોલેશનનો લાભ આપવામાં આવે. આ સાથે જ પ્રોજેક્ટ કમિશનિંગ પૂર્ણ કરવા માટે 1 જૂનથી વધુ 3 મહિનાની સમયમર્યાદા લંબાવી આપવામાં આવે, જેથી ઉદ્યોગકારોને આર્થિક નુકસાન ન થાય અને અધૂરા પ્રોજેક્ટ્સ સમયસર પૂર્ણ થઈ શકે તેવી માંગ ચેમ્બરે કરી છે. રાજકોટ ગ્રામ્યની DEO કચેરી વઢવાણના ઉતારામાં ધમધમશે, કલેક્ટરે લીલીઝંડી આપી રાજકોટમાં ધોરણ 10-12ના ઉજ્જવળ પરિણામોની પરંપરા જળવાઈ રહી છે, પરંતુ છેલ્લા દોઢ-બે વર્ષથી જિલ્લા માધ્યમિક શિક્ષણાધિકારીની કાયમી જગ્યા ખાલી હોવાથી ઇન્ચાર્જથી વહીવટ ચલાવવામાં આવી રહ્યો છે. દરમિયાન રાજ્ય સરકાર દ્વારા અમદાવાદની જેમ રાજકોટ શહેર અને જિલ્લાના ગ્રામ્ય વિસ્તાર માટે બે અલગ-અલગ શિક્ષણાધિકારીની જગ્યાઓ મંજૂર કરવામાં આવી છે, જોકે હાલ આ બંને જગ્યાઓ ખાલી છે. રાજકોટ ગ્રામ્ય શિક્ષણાધિકારીની કચેરી માટે ચૌધરી હાઇસ્કૂલ સામે આવેલ ઐતિહાસિક અને સરકારી માલિકીની 'વઢવાણના ઉતારા' તરીકે ઓળખાતી જગ્યા જિલ્લા કલેક્ટર ડો. ઓમપ્રકાશ દ્વારા મંજૂર કરવામાં આવી છે. ઇન્ચાર્જ જિલ્લા માધ્યમિક શિક્ષણાધિકારી દિક્ષિત પટેલે જણાવ્યું કે, આ જગ્યાનું પજેશન લેવાની કાર્યવાહી શરૂ કરી દેવાઈ છે, જ્યાં અગાઉ આ કચેરી કાર્યરત હતી. જ્યારે રાજકોટ શહેરની શિક્ષણાધિકારી કચેરી કરણસિંહજી હાઇસ્કૂલમાં જ રહેશે. ગ્રામ્ય કચેરી માટે અલગથી મહેકમ પણ મંજૂર થઈ ગયું છે. વેકેશન દરમિયાન જ આ બંને ખાલી જગ્યાઓ તાકીદે ભરીને નવી કચેરી ધમધમતી કરવામાં આવે તેવી માંગ શિક્ષણ જગતમાં ઉઠી રહી છે.
Read Original Article →