આર્થિક ભીંસથી કંટાળી આધેડે આપઘાતનો પ્રયાસ કર્યો:રાજકોટમાં પુત્રનું લિવિંગ સર્ટિફિકેટ લેવા ગયેલા પિતાનું હિરાસર એરપોર્ટ પાસે આઈસરની ઠોકરે આવતા મોત નીપજ્યું
મૂળ આસામનો વતની અને હાલ હીરાસર એરપોર્ટ પાસે આવેલી કંપનીમાં કામ કરતો અને ત્યાં ઓરડીમાં પરિવાર સાથે રહેતો દિપક ભાબીન સોનોવાલ (ઉ.વ.45) અને મિત્ર રવિ ગિરધરભાઈ રંગતા (ઉ.વ.26) ગત તા.7ના રોજ બાઈક લઈને કુવાડવા ગામે જતા હતા ત્યારે હિરાસર એરપોર્ટ પાસે પુરપાટ ઝડપે આવતા આઈસરે બાઇકને હડફેટે લેતા બંનેને ઈજા પહોંચતા 108 મારફત રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. સારવાર બાદ રવિને હોસ્પિટલમાંથી રજા આપી દેવાઈ હતી જ્યારે દીપકને ગંભીર ઇજા થવાથી સારવાર ચાલુ હતી દરમિયાન ગઇકાલે રાત્રીના સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. મૃતકને સંતાનમાં એક દીકરો અને દીકરી છે. દીકરો કુવાડવાની સ્કૂલમાં ભણતો હતો પણ આવતા વર્ષથી વતન આસામ ખાતે એડમીશન લેવાનું હતું એટલે તેનું લિવિંગ સર્ટી કઢાવવા માટે ગયા હતા ત્યાંથી પરત ફરતી વખતે અકસ્માત નડ્યો હતો. હાલ સમગ્ર મામલે એરપોર્ટ પોલીસે અકસ્માત સર્જી નાસી છૂટેલા ટ્રક ચાલકની શોધખોળ હાથ ધરી છે. બીમારીના કારણે કામ ન થતા આર્થિક ભીંસમાં આવી કર્યો આપઘાતનો પ્રયાસ બુરહાનુદ્દીન તૈયબઅલી સમીવાલા (ઉં.વ.58) આજરોજ સવારે 5 વાગ્યાં આસપાસ પોતાના ઘરે હતા ત્યારે ઝેરી દવા પી જતા રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પોલીસ તપાસમાં તેમને સંતાનમાં 1 દીકરી હોવાનું સામે આવ્યું છે. અને પોતે અગાઉ છુટક કામ ધંધો કરતા પણ હવે બીમારી, અને બ્લડ પ્રેશરની તકલીફના કારણે કામ કરી શકતા ન હતા જેથી ઘરમાં પૈસાની તંગી પણ આવી ગઈ હતી. આ બધી સ્થિતિ ભેગી થતા તેઓએ આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનું જણાવતા પોલીસે નિવેદન નોંધી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે. ખંઢેરી પાસે ટ્રેન હડફેટે યુવકનું મોત ગઈકાલે મોડી રાત્રે 1.15 વાગ્યા આસપાસ ખંઢેરી સ્ટેડિયમ નજીક ખંઢેરી ગામના રેલ્વે સ્ટેશન પાસે ટ્રેન અડફેટે અજાણ્યો યુવાન આવી જતા ગંભીર ઈજા થયાની રેલવે પોલીસને જાણ કરવામાં આવી હતી જે બાદ 108ની ટીમ સ્થળ ઉપર પહોંચી યુવાને તપાસી મૃત જાહેર કર્યો હતો. પોલીસે સ્થળ ઉપર જરૂરી કાગળ કાર્યવાહી કરી મૃતદેહ પોસમોર્ટમ અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો. ટ્રેન હડફેટે આવી જવાથી યુવકના શરીરના ટુકડા થઈ ગયા હતા અને ચહેરો પણ ઓળખી શકાય તેવી સ્થિતિમાં ન હોવાથી પોલીસે મૃતકના વાલીવારસ અંગે તપાસ હાથ ધરી છે. પતિએ છરી વડે પત્ની પર કર્યો હુમલો રાજકોટ શહેરના કુબલીયાપરા વિસ્તારમાં રહેતી દિવાળીબેન સોલંકી (ઉં.વ.22) આજે બપોરે 12.30 વાગ્યા આસપાસ પોતાના ઘરે હતી ત્યારે તેના પતિ આકાશે છરીના ઘા ઝીંકી દીધા હતા. જેમાં હાથ, પેટ, અને સાથળમાં ઈજા થતા તેને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. પરિણીતા બે દિવસ પહેલા ઘરેથી નીકળી ગઈ હતી અને ગઈકાલે સાંજે પરત ઘરે આવી હતી જેથી ગુસ્સે ભરાયેલા પતિ આવેશમાં હુમલો કરી દીધો હતો. ઉલ્લેખનીય છે કે દિવાળીબેનને સંતાનમાં એક દીકરી હોવાનું સામે આવ્યું છે અને હુમલો કરી પતિ ફરાર થઇ જતા પોલીસે પતિની શોધખોળ હાથ ધરી છે.
Read Original Article →