ઈનામી ડ્રોના નામે ખેડૂતો પાસેથી પૈસા પડાવતી ગેંગ ઝડપાઈ:કુપન સ્કેચ કર્યું છે પૈસા તો આપવા પડશે કહી ખેડૂત પાસેથી 22,500 પડાવ્યા, અન્ય પાસે 22,000ની માંગણી કરીને ભાંડો ફૂટ્યો
ગ્રામ્ય વિસ્તારોમાં વાડીઓની અંદર એકલા કામ કરતા વૃધ્ધોને ટાર્ગેટ બનાવી પૈસા પડાવતી ગેંગ સક્રિય થઇ છે. જેમાં રાજકોટ નજીક મહીકા ગામના ખેડૂતો પાસે ઈનામી ડ્રોના કુપન સ્ક્રેચ કરાવી પૈસા પડાવી લેતી ગેંગ સામે અલગ અલગ બે ફરિયાદ આજીડેમ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. જે પૈકી એક ખેડૂત પાસેથી ટોળકીએ રૂપિયા 22,500 પડાવી લીધા હતા. જ્યારે અન્ય ખેડૂત પાસે રૂ.22,000ની માંગણી કરવામાં આવતા ખેડૂતે પોલીસનો સંપર્ક કરતા તાત્કાલિક અસરથી રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પાંચ શખસોની ટોળકીને સકંજામાં લઈ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. પૈસા પડાવતા 5 શખસને પોલીસે દબોચી લીધા
શહેર ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવાએ જણાવ્યું હતું કે, રાજકોટના ગ્રામ્ય વિસ્તારમાં ખેતરોમાં વાડીની અંદર એકલા કામ કરતા મોટી ઉંમરના લોકોને ટાર્ગેટ બનાવી ઇકો ગાડીમાં એક ટોળકી ફરી રહી હતી. પોતાની સાથે નીતિ સેલ્સ ઓફર નામનું પેમ્પલેટ રાખી તેમાં સ્ક્રેચ ખેડૂત પાસે કરાવી તેમની પાસેથી બળજબરી પૂર્વક ડરાવી ધમકાવી રૂપિયા પડાવી લેતા હતા. આ ટોળકી કોઈ વસ્તુ આપતી ન હતી. જે અંગે બે અલગ અલગ ફરિયાદ નોંધાતા રાજકોટ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ચોક્કસ બાતમીના આધારે આ ટોળકીના 5 શખસને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઝડપાયેલા 5 શખ્સોમાં રમેશ ચાવડીયા, રૂપા ચાવડીયા, હિતેશ ઉર્ફે રિતેશ ચાવડીયા, હિન્દુ વરુ અને ગોવિંદ ચાવડીયાનો સમાવેશ થાય છે. ₹ 30 ભરી સ્ક્રેચ કરવાનું કહી વસ્તુની લાલચ આપતા
પોલીસના જણાવ્યા મુજબ આ ટોળકીની મોડેસ ઓપરેન્ડી એવી હતી કે જેમાં તે પોતાની સાથે નીતિ સેલ્સ ઓફર નામનું પેમ્પલેટ રાખતા હતા. સવારના સમયે તેઓ ઇકો ગાડીમાં ગ્રામ્ય વિસ્તારમાં વાડી વિસ્તારમાં જઇ વાડીમાં અંદર જો કોઈ એકલા મોટી ઉંમરના માણસ દેખાઈ તો તેમની પાસે જઈ પેમ્પલેટ આપી આ ઈનામી ડ્રો ઓફર છે. માત્ર 30 રૂપિયા ભરી સ્ક્રેચ કરવાનું કહી જેમાં સ્ક્રેચ કર્યા બાદ જે વસ્તુ લખેલી હશે તે આપશું તેવી લાલચ આપતા હતા. જો કે સ્ક્રેચ કર્યા પછી વસ્તુ આપવા બદલે ધાક ધમકી આપી બળજબરી પૂર્વક પૈસા પડાવી વસ્તુ આપતા ન હતા. ઈકો કાર સહિત 5.33 લાખનો મુદ્દામાલ જપ્ત
હાલ પોલીસે આજીડેમ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ બે ગુનાનો ભેદ ઉકેલી આરોપીઓ પાસેથી એક ઇકો કાર, એક એક્સેસ, ચાર મોબાઈલ તેમજ ઇલેક્ટ્રોનિક્સ વસ્તુઓ મળી કુલ 5.33 લાખનો મુદામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને આવા જો કોઈ વધુ લોકો ભોગ બન્યા હોય તો પોલીસનો સંપર્ક કરવા અપીલ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં રાજકોટ નજીક મહીકા ગામે રહેતા ધીરૂભાઈ ગોબરભાઈ મોલીયા નામના ખેડૂત પાસેથી તા.06.06.2026ના સવારના સમયે પહોંચી ટોળકીએ રૂ.22,500 પડાવ્યા હતાં. જયારે 08.06.2026ના રોજ મહીકા ગામના જ ખેડૂત રમેશભાઈ શામજીભાઈ મોલીયાની વાડીએ સવારના 8 વાગ્યે પહોંચી બે શખ્સો ઉતરી કુપન સ્ક્રેચ કર્યું એટલે તમારે રૂ.22,000 ભરવા જ પડશે કહી ધમકી આપી હતી જો કે ખેડૂતે રૂપિયા ન હોવાનું કહી તેના પુત્રને ફોન કરતા ટોળકી નાસી છૂટી હતી.
Read Original Article →