ચૂંટણીનો માહોલ જામ્યો:4 દિવસમાં કુલ 90 ઉમેદવારી ફોર્મ ભરાયા, અમરનાથ યાત્રિકો મેડિકલ સર્ટી માટે સિવિલમાં રઝળ્યા
રાજકોટ મહાનગરપાલિકા તેમજ તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણી પ્રક્રિયા વેગ પકડી રહી છે. જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ઉમેદવારી ફોર્મ વિતરણની પ્રક્રિયા શરૂ કરવામાં આવ્યા બાદ છેલ્લા 4 દિવસમાં વિવિધ બેઠકો માટે કુલ 90 ફોર્મ ભરાઈને પરત આવ્યા હતા. જેમાં 8 એપ્રિલના રોજ 13 ફોર્મ અને 9 એપ્રિલના રોજ 77 ફોર્મ ભરાયા હતા. 6 એપ્રિલથી ઉમેદવારી ફોર્મ ભરવાની શરૂઆત થયા બાદ પ્રથમ બે દિવસમાં કોઈ ફોર્મ જમા થયા નહોતા. પરંતુ છેલ્લા બે દિવસમાં ઉમેદવારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે. જિલ્લાની 11 તાલુકા પંચાયતની 202 બેઠક માટે સૌથી વધુ ફોર્મ ભરાયા હતા. જેમાં 8 એપ્રિલે 11 અને 9 એપ્રિલે 59 મળીને કુલ 70 ઉમેદવારી પત્ર રજૂ કરવામાં આવ્યા હતા. જિલ્લા પંચાયતની 36 બેઠક માટે અત્યાર સુધીમાં કુલ 9 ફોર્મ ભરાયા હતા. જેમાં 8 એપ્રિલે 2 અને 9 એપ્રિલે 7 ફોર્મનો સમાવેશ થાય છે. મહાનગરપાલિકાના 18 વોર્ડની ચૂંટણી માટે છેલ્લા બે દિવસમાં 11 ફોર્મ ભરાયા હતા. જેમાં તમામ ફોર્મ 9 એપ્રિલના રોજ જ પ્રાપ્ત થયા હતા. જોકે, ગોંડલ નગરપાલિકાની ચૂંટણી માટે હજુ સુધી એક પણ ઉમેદવારી ફોર્મ ભરાઈને પરત આવ્યું નથી. આમ, જિલ્લામાં ચૂંટણીનો માહોલ જામી રહ્યો છે. આદર્શ આચારસંહિતાનો કડક અમલ
રાજકોટ જિલ્લામાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર દ્વારા આદર્શ આચારસંહિતાનો અત્યંત કડકાઈથી અમલ કરવામાં આવી રહ્યો છે. ચૂંટણી પ્રક્રિયા મુક્ત અને ન્યાયી વાતાવરણમાં સંપન્ન થાય તે હેતુથી જિલ્લાના વિવિધ વિસ્તારોમાં લગાવવામાં આવેલી રાજકીય પ્રચારાત્મક સામગ્રીને હટાવવાની કામગીરી વેગવંતી બની છે. અત્યાર સુધીમાં સમગ્ર જિલ્લામાં કુલ 3,211 જેટલી પ્રચારાત્મક સામગ્રી દૂર કરવામાં આવી છે. જેમાં જાહેર અને ખાનગી મિલકતોનો સમાવેશ થાય છે. આચારસંહિતાના નોડલ અધિકારી અને અધિક કલેક્ટર કચેરી દ્વારા પ્રાપ્ત થયેલી વિગતો અનુસાર, જાહેર મિલકતો પરથી કુલ 3,191 પ્રચાર સામગ્રી હટાવવામાં આવી છે. કાર્યવાહીમાં દીવાલ પર લખાયેલા 537 લખાણો હટાવી નાખવામાં આવ્યા હતા. જ્યારે 2,307 પોસ્ટર્સ, 253 બેનર્સ અને 94 અન્ય પ્રકારની સામગ્રી જપ્ત કરી દૂર કરવામાં આવી છે. આ ઉપરાંત, ખાનગી મિલકતો પર પરવાનગી વગર લગાવાયેલી 20 પ્રચાર સામગ્રી પણ વહીવટી તંત્ર દ્વારા હટાવી દેવામાં આવી છે. આગામી દિવસોમાં પણ આ ઝુંબેશ ચાલુ રહેશે. AAPના વોર્ડ 14ના ઉમેદવારો આવતીકાલે ફોર્મ ભરશે
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું 26મીએ મતદાન છે. એ માટે ઉમેદવારી ફોર્મ ભરવાને હવે માત્ર 2 દિવસ બાકી છે. કોંગ્રેસે પ્રથમ યાદીમાં 40 નામો જાહેર કર્યા હતા અને હજુ 32 નામો બાકી છે. જોકે, વોર્ડ નંબર 15માં પ્રવિણ સોરાણી અને સાગઠીયા વચ્ચેની મડાગાંઠ હજુ યથાવત છે, જેના કારણે આ વોર્ડના નામો જાહેર થશે કે કેમ તે અંગે સસ્પેન્સ યથાવત છે. જો કે કોંગ્રેસના અન્ય મોટાભાગના ઉમેદવારો આવતીકાલે ફોર્મ ભરે તેવી સંભાવના છે. બીજી તરફ, આમ આદમી પાર્ટીએ પણ પોતાની તૈયારીઓ તેજ કરી છે. રાજકોટ મહાપાલિકાના વોર્ડ નંબર 14ના 'આપ' ના ઉમેદવારો નૈમિષ પાટડીયા, જયદીપ નકુમ, સોનલબેન વિરાણી અને શીતલબેન ગોહેલ આવતીકાલે ફોર્મ ભરશે. ઉમેદવારો સવારે 11:30 કલાકે ગીતા મંદિર સામે આવેલા મનસા તીર્થ કાર્યાલયથી નીકળી બપોરે 12:40ના વિજય મુહૂર્તમાં કલેક્ટર કચેરી ખાતે ઉમેદવારી પત્ર રજૂ કરશે. આ પ્રસંગે કાર્યકર્તાઓ અને શુભેચ્છકોને મોટી સંખ્યામાં હાજર રહેવા અપીલ કરવામાં આવી છે. સિવિલમાં અનેક અમરનાથ યાત્રિકો મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ માટે રઝળ્યા
અમરનાથ યાત્રા માટે શ્રાઈન બોર્ડ દ્વારા નક્કી કરવામાં આવેલી ગાઈડલાઈન મુજબ મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ મેળવવું અનિવાર્ય છે. જોકે, રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે આ પ્રક્રિયા હજુ સુધી વિધિવત રીતે શરૂ ન થતા યાત્રિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આશ્ચર્યજનક બાબત એ છે કે, ઓનલાઇન વેબસાઇટ ઉપર રાજકોટ મેડિકલ કોલેજનું નામ સર્ટિફિકેટ માટે અપલોડ કરી દેવામાં આવ્યું છે, પરંતુ સરકાર સ્થાનિક તંત્રને તેની જાણ કરવાનું જ ભૂલી ગઈ હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. વહેલી સવારથી જ મોટી સંખ્યામાં યાત્રિકો હોસ્પિટલ પહોંચી ગયા હતા, પરંતુ તંત્ર દ્વારા કોઈ સ્પષ્ટ માહિતી કે કામગીરી શરૂ ન કરાતા ભાવિકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. અનેક યાત્રિકો કેસ કઢાવીને સવારના 6 વાગ્યાથી કલાકો સુધી લાઈનમાં ઊભા રહ્યા હતા. જ્યારે હોસ્પિટલના ઉચ્ચ અધિકારીઓ સાથે ચર્ચા કરવામાં આવી, ત્યારે તેઓએ જણાવ્યું કે રાજ્ય સરકાર અથવા સંબંધિત વિભાગ તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર સૂચના મળી નથી. બીજી તરફ ધોરાજી, ગોંડલ, અમદાવાદ અને સુરત જેવા શહેરોમાં આ કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે, ત્યારે રાજકોટમાં સંકલનના અભાવે યાત્રિકોને ઘરધક્કા થઈ રહ્યા છે. છેલ્લા 15-20 વર્ષથી યાત્રા કરતા અનુભવી યાત્રિકોએ જણાવ્યું કે દર વર્ષે અહીં જ મેડિકલ થાય છે, પરંતુ આ વર્ષે તંત્રની ઉદાસીનતાને કારણે યાત્રિકો અટવાયા છે. દૂર-દૂરથી આવતા યાત્રિકો માટે આ વિલંબ આર્થિક અને શારીરિક રીતે મુશ્કેલ સાબિત થઈ રહ્યો છે, જેથી તંત્ર વહેલી તકે આ પ્રક્રિયા શરૂ કરે તેવી માંગ ઉઠી છે.
Read Original Article →