‘હું પીપળીયાનો મુન્નો છું, પટ્ટા-ટોપી ઉતરાવી નાખીશ’ કહી પીઆઈને ધમકી:રાજકોટમાં ટ્રાફિક પોલીસે નંબર પ્લેટ વગરનું ડમ્પર ડિટેઇન કરતા બે શખ્સોએ વાહન રોકી પોલીસની ફરજમાં રુકાવટ કરી
રાજકોટ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલો ઉઠાવતી વધુ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં ફરજ પરના પોલીસ અધિકારી સાથે ખુલ્લેઆમ દાદાગીરી કરવામાં આવી છે. નંબર પ્લેટ વગરનું ડમ્પર ડિટેઇન કરવા બદલ ટ્રાફિક પોલીસ ઇન્સ્પેક્ટર (PI)ને "તમારા પટ્ટા-ટોપી ઉતરાવી નાખીશ" કહી ધમકી આપનાર શખ્સ અને તેના સાગરીત વિરૂદ્ધ ગાંધીગ્રામ પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે. પોલીસે સરકારી ફરજમાં રૂકાવટનો ગુનો નોંધી આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. નંબર પ્લેટ વગરનું ડમ્પર આંતરતા વિવાદ શરૂ થયો
ઘટનાની વિગતો અનુસાર, રાજકોટ શહેર ટ્રાફિક શાખા સેક્ટર-૪ના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એસ.ડી. ગીલવા અને તેમની ટીમ રાત્રિના સમયે સરકારી ગાડીમાં પેટ્રોલિંગમાં હતા. આ દરમિયાન પરશુરામ ચોકડી પાસેથી નંબર પ્લેટ વગરનું એક ડમ્પર પસાર થતાં પોલીસે તેને અટકાવ્યું હતું. ડમ્પર ચાલક મહેશભાઈ શીરોયા પાસે વાહનના પૂરતા દસ્તાવેજો ન હોવાથી, પીઆઈ ગીલવાએ ડમ્પરને શીતલ પાર્ક ટોઈંગ સ્ટેશન ખાતે ડિટેઈન કરવાનો આદેશ કર્યો હતો. આ કાર્યવાહી માટે પોલીસ કોન્સ્ટેબલ સંજયસિંહને ડમ્પરમાં સાથે બેસાડીને ટોઈંગ સ્ટેશન તરફ રવાના કરાયા હતા. ફિલ્મી ઢબે થાર કાર આડી નાખી પોલીસને આંતરી
ડમ્પર જ્યારે શીતલ પાર્ક ચોક અને અયોધ્યા ચોક વચ્ચે નવી બનતી ‘ધ કેપિટલ’ બિલ્ડિંગ નજીક પહોંચ્યું, ત્યારે એક કાળા રંગની નંબર પ્લેટ વગરની મહિન્દ્રા થાર કારના ચાલકે પોતાનું વાહન ડમ્પરની આગળ આડું નાખી તેને રોકી લીધું હતું. આ થાર કારની સાથે એક સ્પ્લેન્ડર પ્લસ મોટરસાયકલ (જીજે.૦૩.એમએફ.૪૪૩૮) લઈને અન્ય એક અજાણ્યો શખ્સ પણ ત્યાં ધસી આવ્યો હતો. પરિસ્થિતિ વણસતા પાછળ આવી રહેલા પીઆઈ ગીલવા અને તેમનો સ્ટાફ તાત્કાલિક સરકારી ગાડીમાંથી નીચે ઉતર્યા હતા. આરોપીએ જાહેરમાં આપી ધમકી
થાર કારમાંથી ઉતરેલા શખ્સે અત્યંત ઉગ્રતાથી પીઆઈ ગીલવા અને કોન્સ્ટેબલ સંજયસિંહ સાથે માથાકૂટ શરૂ કરી હતી અને રોફ જમાવતા કહ્યું હતું કે, "તમે આ અમારું વાહન કેમ ડિટેઈન કરો છો? તમે મને ઓળખતા નથી? મારું નામ મુન્નો કોઠીવાર છે અને હું પરા-પીપળીયા ગામમાં રહું છું. જો તમે મારી ગાડી ડિટેઈન કરશો તો હું તમને રાજકોટમાં નોકરી કરવા નહીં દઉં અને તમારા પટ્ટા-ટોપી ઉતરાવી નાખીશ." આ પ્રકારની ગુનાહિત ધમકી આપીને મુન્નો કોઠીવાર પોતાની થાર કાર લઈને અને તેનો સાગરીત બાઇક પર ત્યાંથી નાસી છૂટ્યા હતા. ટ્રાફિક પોલીસે મચક ન આપી, ગાંધીગ્રામ પોલીસમાં ગુનો દાખલ
આ ગંભીર આડોડાઈ અને ધમકી બાદ પણ ટ્રાફિક પોલીસે મચક આપ્યા વગર કાયદેસરની કાર્યવાહી ચાલુ રાખી હતી અને ડમ્પરને એમ.વી. એક્ટ (Motor Vehicles Act)ની વિવિધ કલમો હેઠળ ડિટેઈન કરીને જંપ્યા હતા. ત્યારબાદ પીઆઈ ગીલવા દ્વારા સમગ્ર ઘટના અંગે ઉચ્ચ પોલીસ અધિકારીઓને વાકેફ કરવામાં આવ્યા હતા. ઉચ્ચ અધિકારીઓની કડક સૂચના અને માર્ગદર્શન હેઠળ પીઆઈ એસ.ડી. ગીલવાએ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં મુન્ના કોઠીવાર અને તેના સાગરીત વિરૂદ્ધ ફરજમાં રૂકાવટ અને ધમકી આપવા અંગેનો ગુનો દાખલ કરાવ્યો છે. ગાંધીગ્રામ પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરવા માટે અલગ-અલગ દિશામાં તપાસ શરૂ કરી છે.
Read Original Article →