ચાર વર્ષથી ચોરી કરવાનું છોડી માદક પદાર્થનું વેચાણ શરૂ કર્યું:રાજકોટમાં બિમારીથી કંટાળી મહિલાનો આપઘાત, લિફ્ટ રીપેરીંગ કરતી વખતે વીજ કરંટ લાગતા પ્રૌઢનું મોત
રાજકોટ શહેર SOG પોલીસ દ્વારા રાજકોટના બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ NDPSના કેસમાં નાસ્તા ફરતા આરોપી આકાશ ઉર્ફે મરચો બાબરીયા (ઉ.વ.29)ની ધરપકડ કરવામાં આવી છે. આરોપી આજ રોજ રાજકોટ અમદાવાદ હાઇવે પર બેટી ગામના પાટિયા પાસે ઉભો હોવાની ચોક્કસ બાતમી મળતા શહેર SOG ટીમે તેને ઝડપી પાડી આગળની કાર્યવાહી માટે બી ડિવિઝન પોલીસને સોંપવા તજવીજ હાથ ધરવામાં આવી છે. પોલીસ તપાસ દરમિયાન આરોપી આકાશ ઉર્ફે મરચા વિરુધ્ધ અગાઉ વર્ષ 2015થી 2018 સુધી સમય દરમિયાન રાજકોટ શહેરમાં 17 જેટલા ચોરીના ગુના નોંધાયેલ હોવાનું સામે આવ્યું છે અને ચોરીના ગુનાને અંજામ આપવાનું છોડી કોરોના પછી ફરી વર્ષ 2022થી 2025 સુધી સમય દરમિયાન NDPS એટલે કે માદક પદાર્થ વહેંચવાનું શરૂ કરી દેતા બે વખત થોરાળા પોલીસના હાથે અને એક વખત પ્રદ્યુમનનગર પોલીસના હાથે ઝડપાઇ ચુક્યો હતો જયારે ફરી એક વખત ચાલુ વર્ષે બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં સપ્લાયર તરીકે નામ ખુલતા આજ રોજ શહેર SOGએ તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બિમારીથી કંટાળી મહિલાનો આપઘાત રાજકોટના નાના મવા રોડ પર આંબેડકરનગરમાં રહેતાં સોમીબેન ગોવિંદભાઇ પરમાર (ઉ.વ.56) નામના મહિલાએ રાતે 9 વાગ્યે ઘરમાં પંખામાં ચુંદડી બાંધી ગળાફાંસો ખાઇ લેતાં બેભાન હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં પરંતુ ટુંકી સારવાર બાદ મોત નિપજતા હોસ્પિટલ ચોકીના સ્ટાફે તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે મૃતદેહ પોસમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં સોમીબેનને સંતાનમાં બે દિકરા છે જે અલગ રહે છે અને પોતે પતિ સાથે રહેતાં હતાં. પતિ છુટક મજૂરી કરે છે ગઈકાલે પતિ રાતે ઘરેથી આવ્યા ત્યારે દરવાજો ખુલ્લો હતો અને પત્નિ લટકતા જોવા મળતાં તુરંત હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતાં. સોમીબેનને બ્લડપ્રેશર સહિતની બિમારી હતી અને મગજ પણ સતત ભમતો હતો જેથી બિમારીથી કંટાળી આ પગલુ ભરી લીધું હોવાનું સામે આવ્યું છે. રેલનગરમાં લિફ્ટ રીપેરીંગ કરતી વખતે વીજ કરંટ લાગતા થોમસ મેથ્યુનું મોત રાજકોટના રૂખડીયાપરા નકલંકપરા વિસ્તારમાં રહેતા થોમસ કુરા મેથ્યુ (ઉ.વ.53) ગઈકાલે સાંજે રેલનગર વિસ્તારમાં આવેલા ઓસ્કાર એપાર્ટમેન્ટમાં લિફ્ટ રીપેરીંગનું કામ કરી રહ્યા હતા ત્યારે અચાનક વીજ કરંટ લાગવાના કારણે તેમનું મોત નીપજ્યું છે. બનાવની જાણ થતા જ પ્રદ્યુમનનગર પોલીસે મૃતદેહને પોસમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે. એક વર્ષમાં અડધો ડઝન ચોરી સહિત કુલ 32 ગુનાને અંજામ આપનાર પાસા હેઠળ ધકેલાયો રાજકોટ શહેરમાં ગુનેગારો પણ અંકુશ લાવવા માટે કડક કાર્યવાહીના ભાગરૂપે પોલીસ દ્વારા આરોપીઓ સામે પાસા હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે આ દરમિયાન ભક્તિનગર પોલીસ ટિમ દ્વારા છેલ્લા એક વર્ષમાં અડધો ડઝન ચોરી સહિત કુલ 32 ગુનાને અંજામ આપનાર શખ્સ મેહુલ ઉર્ફે ભૂરી ઉર્ફે મામો જેઠવા (ઉ.વ.28)ને પાસા હેઠળ ધકેલવા માટે દરખાસ્ત તૈયાર કરી મંજૂરી અર્થે મોકલવામાં આવતા પોલીસ કમિશ્નર બ્રજેશ કુમાર ઝા દ્વારા પાસા દરખાસ્ત મંજુર કરતા પોલીસે આરોપી મેહુલ ઉર્ફે ભૂરી ઉર્ફે મામો જેઠવા (ઉ.વ.28)ની ધરપકડ કરી તેને પાસા હેઠળ પાલનપુર જેલ ખાતે મોકલી આપવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે આરોપી વિરુધ્ધ અત્યાર સુધી રાજકોટ શહેરમાં ચોરી, પોક્સો, જાનથી મારી નાખવા ધમકી સહીત કુલ 32 જેટલા ગુના નોંધાઈ ચુક્યા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. બુટલેગર કેતન રાઠોડ પાસા હેઠળ પાલનપુર જેલમાં ધકેલાયો રાજકોટ શહેરમાં દારૂનું દુષણ સતત વધતું જોવા મળી રહ્યું છે ત્યારે તેના પર અંકુશ લાવવા આપવામાં આવેલ સૂચના આધારે શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અગાઉ 6 વખત દારૂના ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂકેલ આરોપી કેતન રાઠોડ (ઉ.વ.40) વિરુધ્ધ પાસા દરખાસ્ત તૈયાર કરવામાં આવી હતી જેને પાસા હેઠળ ધકેલવા માટે દરખાસ્ત તૈયાર કરી મંજૂરી અર્થે મોકલવામાં આવતા પોલીસ કમિશ્નર બ્રજેશ કુમાર ઝા દ્વારા પાસા દરખાસ્ત મંજુર કરતા રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ આરોપી કેતન રાઠોડ (ઉ.વ.40)ની ધરપકડ કરી તેને પાસા હેઠળ પાલનપુર જેલ ખાતે મોકલી આપવામાં આવ્યો છે. આરોપી વિરુધ્ધ રાજકોટ શહેર ઉપરાંત, સુરેન્દ્રનગર, વલસાડ અને નવસારી ખાતે મળી કુલ 6 ગુના પ્રોહીબીશનના નોંધાઈ ચુક્યા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. તારું મોત મારા હાથે લખ્યું છે કહીં કારખાનેદાર પર હુમલો રાજકોટમાં કારખાનેદાર મનીષભાઈ છગનભાઈ પરવાડીયાએ પડોશમાં પાનની દુકાન ધરાવતા સંજયભાઈ મુંધવા વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. જેમાં તેમને જણાવ્યું હતું કે, 15 મે 2026ના રોજ સાંજે 7.30 વાગ્યે કારખાને કામ પતાવીને બેઠા હતા, ત્યારે આરોપી સંજય ત્યાં ધસી આવ્યો હતો. આરોપીએ "તારે જીવવું છે કે મરવું છે? તારું મોત મારા હાથે લખ્યું છે" તેમ કહી ગાળો આપવાનું શરૂ કર્યું હતું. ત્યારબાદ કારખાનામાં ઘૂસીને કોલર પકડી ગાલ પર જોરથી થપ્પડ મારી નીચે પાડી દીધા હતા અને ઢીકાપાટુનો માર માર્યો હતો, જેમાં ફરિયાદીને જમણા હાથની આંગળીમાં ઈજા થઈ હતી. આ પછી જતી વખતે આરોપીએ મનીષભાઈને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ મામલે માલવીયાનગર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. 'આજે તો તને મારી જ નાખવો છે' કહીં કેટરર્સ સંચાલકને છરીના ઘા ઝીંકી મારી નાખવાની ધમકી આપી પીન્ટુ ઉર્ફે સચીન ઇન્દ્રસિંહ રાવ (ઉં.વ.28)એ ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગત 13મેંના રોજ રાત્રે 1 વાગ્યે જ્યારે પાનની કેબીને ફાકી ખાવા ગયો ત્યારે આરોપી આસીફે તેને બૂમ પાડીને પાસે બોલાવ્યો હતો અને બાદમાં આસીફે તેને ગાળો આપીને ધંધો બંધ કરી દેવા બાબતે ઝઘડો શરૂ કર્યો હતો. દરમિયાન અન્ય આરોપીઓ બાઇક પર ત્યાં ધસી આવ્યા હતા જેમાં પ્રતીક સોંદરવા નામના શખ્સે પીન્ટુને રીક્ષા તરફ ધક્કો માર્યો હતો. ત્યારબાદ આરોપી આસીફ અને ક્રિષ્નાએ પીન્ટુના બંને હાથ પકડી રાખ્યા હતા અને પ્રતીક સોંદરવાએ પીન્ટુના બેઠકના ભાગે છરીના ઉપરાછાપરી ત્રણ ઘા ઝીંકી દીધા હતા અને 'આજે તો તને મારી જ નાખવો છે' તેમ કહીને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. પિન્ટુ અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે પીન્ટુએ હિંમત દાખવીને આરોપીઓના ચુંગાલમાંથી હાથ છોડાવ્યા હતા અને પ્રતીકના હાથમાંથી છરી ઝૂંટવીને વળતા પ્રહારમાં પ્રતીકને પણ બેઠકના ભાગે પાંચેક ઘા મારી દીધા હતા. આ ઝપાઝપીમાં પીન્ટુને ડાબા હાથની આંગળીમાં પણ ઈજા થઈ હતી. ઘટનાની જાણ થતાં પીન્ટુનો પિતરાઈ ભાઈ સોહન ઉર્ફે સંજય રાણા ત્યાં આવી પહોંચતા તમામ આરોપીઓ નાસી છૂટ્યા હતા. સંજય તાત્કાલિક પીન્ટુને રાજકોટ સરકારી હોસ્પિટલ લઈ ગયો હતો પરંતુ ત્યાં ઓપરેશન ન કરાવીને ખાનગી હોસ્પિટલમાં સારવાર કરાવવાની ઈચ્છા હોવાથી પ્રાથમિક સારવાર બાદ પરિવારજનો તેને અમદાવાદની સત્યમેવ હોસ્પિટલ (ચાંદખેડા) ખાતે લઈ આવ્યા હતા જ્યાં હાલ તેની સારવાર ચાલી રહી છે. હાલ રાજકોટ તાલુકા પોલીસે આરોપીઓ પ્રતીક સોંદરવા, આસીફ, ક્રિષ્ના અને અન્ય બે અજાણ્યા ઇસમો વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Read Original Article →