વસ્તી ગણતરી માટે જાતે જ રજિસ્ટ્રેશન કરી શકાશે:યાત્રી કૃપયા ધ્યાન દે: રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી 6 ટ્રેનો રદ, બિલાસપુર ડિવિઝને નોન-ઇન્ટરલોકિંગ કામગીરીના કારણે નિર્ણય

Gujarat5/16/2026, 2:50:42 PM
વસ્તી ગણતરી માટે જાતે જ રજિસ્ટ્રેશન કરી શકાશે:યાત્રી કૃપયા ધ્યાન દે: રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી 6 ટ્રેનો રદ, બિલાસપુર ડિવિઝને નોન-ઇન્ટરલોકિંગ કામગીરીના કારણે નિર્ણય
દક્ષિણ પૂર્વ મધ્ય રેલવેના બિલાસપુર ડિવિઝનમાં ઓટોમેટિક સિગ્નલિંગ સિસ્ટમ કાર્યરત કરવા માટે ચાલી રહેલી નોન-ઇન્ટરલોકિંગ કામગીરીને કારણે રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી કેટલીક ટ્રેનો રદ કરવામાં આવી છે. રાજકોટ ડિવિઝનના સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર (Sr. DCM) સુનીલ કુમાર મીનાએ જણાવ્યું હતું કે, આ બ્લોકનાં કારણે 6 ટ્રેનો રદ કરવામાં આવી છે. જેની વિગતો આ પ્રમાણે છે. રદ કરાયેલી ટ્રેનો: 1. 10.06.2026 અને 11.06.2026 ના રોજ પોરબંદરથી ઊપડનારી ટ્રેન સંખ્યા 12905 પોરબંદર-શાલીમાર એક્સપ્રેસ રદ રહેશે. 2. 12.06.2026 અને 13.06.2026 ના રોજ શાલીમારથી ઊપડનારી ટ્રેન સંખ્યા 12906 શાલીમાર-પોરબંદર એક્સપ્રેસ રદ રહેશે. 3. 14.06.2026 ના રોજ ઓખાથી ઊપડનારી ટ્રેન સંખ્યા 22905 ઓખા-શાલીમાર એક્સપ્રેસ રદ રહેશે. 4. 16.06.2026 ના રોજ શાલીમારથી ઊપડનારી ટ્રેન સંખ્યા 22906 શાલીમાર-ઓખા એક્સપ્રેસ રદ રહેશે. 5. 14.06.2026 ના રોજ સંતરાગાછીથી ઊપડનારી ટ્રેન સંખ્યા 12950 સંતરાગાછી-પોરબંદર એક્સપ્રેસ રદ રહેશે. 6. 12.06.2026 ના રોજ પોરબંદરથી ઊપડનારી ટ્રેન સંખ્યા 12949 પોરબંદર-સંતરાગાછી એક્સપ્રેસ રદ રહેશે. 17મેથી વસ્તી ગણતરી માટે જાતે જ રજિસ્ટ્રેશન કરી શકાશે, જાણો વિગત ભારત સરકાર દ્વારા 1 ‘વસ્તીગણતરી-2027’ હાથ ધરાનાર છે, જેના પ્રથમ તબક્કામાં ગુજરાતમાં તા. 1 જૂનથી 30 જૂન, 2026 દરમિયાન હાઉસ લિસ્ટિંગ અને હાઉસિંગ સેન્સસની કામગીરી કરવામાં આવશે. આ પ્રક્રિયાને વધુ સરળ બનાવવા માટે સરકાર દ્વારા તા. 17 મેથી 31 મે સુધી સેલ્ફ-એન્યુમેરેશનની વિશેષ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આ માટે સત્તાવાર પોર્ટલ se.census.gov.in કાર્યરત કરવામાં આવ્યું છે, જેના પર નાગરિકો વસ્તીગણતરીના અધિકારી ઘરે આવે તે પહેલાં જાતે ઓનલાઈન નોંધણી કરાવી શકશે. વહીવટી તંત્ર દ્વારા જાહેર કરાયેલા ફ્લો ચાર્ટ મુજબ આ સમગ્ર પ્રક્રિયા 4 મુખ્ય તબક્કા અને 9 પગલાંમાં વહેંચાયેલી છે. જેમાં પ્રથમ તબક્કામાં પોર્ટલ પર રાજ્ય, કેપ્ચા કોડ, પરિવારના વડાનું નામ અને 10 આંકડાનો મોબાઈલ નંબર આપી રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. બીજા તબક્કામાં ભાષા પસંદગી, ઓટીપી વેરિફિકેશન અને લોકેશનની વિગતો આપી મેપ પર ઘરનું ચોક્કસ લોકેશન સેટ કરવાનું રહેશે. ત્રીજા તબક્કામાં પ્રશ્નોના જવાબ આપી ડેટા એન્ટ્રી કરવાની રહેશે, જે ફાઈનલ સબમિટ કરવાથી 11 આંકડાનો યુનિક ‘SE ID’ જનરેટ થશે. તેમજ અંતિમ તબક્કામાં જ્યારે ફિલ્ડ કર્મચારી ઘરની મુલાકાતે આવે ત્યારે આ આઈડી બતાવવાનો રહેશે, જે ડેટા સાથે મેચ થતાં જ વિગતો કન્ફર્મ ગણાશે. કપાસ, મગફળી, સોયાબીન,અડદ અને મગનાં ટેકાના ભાવમાં વધારો કરાયો રાજકોટ માર્કેટિંગ યાર્ડના ચેરમેન જયેશ બોઘરાએ જણાવ્યું હતું કે, તાજેતરમાં જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના અધ્યક્ષસ્થાને યોજાયેલી કેન્દ્રીય કેબીનેટ મંડળની બેઠકમાં વર્ષ 2026-27ના ખરીફ પાક માટે ટેકાના ભાવમાં વધારાને મંજુરી આપવામાં આવી હતી. ખેડૂતોને તેમની ખેતી ખર્ચમાં થતા વધારા સામે આકર્ષક વળતર મળી રહે અને પાકોના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે ભારત સરકાર દ્વારા વાવેતર અગાઉ જ ટેકાના ભાવમાં વધારો કર્યો છે જેના કારણે ખેડૂતો વાવેતર માટે આગોતરું આયોજન કરી શકે. ભારત સરકાર દ્વારા ચાલુ વર્ષ 2026-27 માટે ખરીફ પાકોનું વાવેતર થાય તે માટે અગાઉથી જ ટેકાના ભાવ જાહેર કરવામાં આવ્યા હતા જેમાં મગફળીનો ટેકાનો ભાવ રૂ.7517 પ્રતિ ક્વિન્ટલ, જે ગત વર્ષ કરતાં 254 રૂપિયા વધારે છે. કપાસનો ટેકાનો ભાવ રૂ.8267 (મધ્યમ તાર) અને રૂ.8667 (લંબ તાર) પ્રતિ ક્વિન્ટલ, જે ગત વર્ષ કરતાં 557 રૂપિયા વધુ છે. મગનો ટેકાનો ભાવ રૂ.8780 પ્રતિ ક્વિન્ટલ, અડદનો રૂ.8200 પ્રતિ કવિન્ટલ અને સોયાબીનનો રૂ.5708 પ્રતિ ક્વિન્ટલ, સુરજમુખીનો રૂ.8343 પ્રતિ ક્વિન્ટલ જાહેર કરવામાં આવ્યા છે. મગ, અડદ અને સોયાબીનમાં પણ સરકારે આકર્ષક ભાવ નક્કી કર્યા છે જેથી રાજ્યમાં કઠોળના વાવેતરને વધુ વેગ મળશે. જયુબીલી શાક માર્કેટના રૂ. 29 કરોડના નવીનીકરણ પ્રોજેક્ટ સામે વેપારીઓનો વિરોધ રાજકોટની ઐતિહાસિક જયુબીલી શાક માર્કેટ ભાગ-1 તોડીને રૂ. 29 કરોડના ખર્ચે સંપૂર્ણ નવું બાંધકામ કરવાના મનપાના નિર્ણય સામે સ્થાનિક ધંધાર્થીઓએ વિરોધ નોંધાવ્યો છે. આજે મોટી સંખ્યામાં વેપારીઓ મનપા કચેરીએ રજૂઆત કરવા પહોંચ્યા હતા. વેપારીઓનો આરોપ છે કે આ નિર્ણય લેતા પહેલા એસ્ટેટ વિભાગ કે માર્કેટના ધંધાર્થીઓ સાથે કોઈ જ ચર્ચા કરવામાં આવી નથી. હાલમાં પણ આ શાક માર્કેટમાં મોટા પ્રમાણમાં થડા ખાલી પડ્યા છે, તેથી આટલો મોટો ખર્ચ કરવો એ સરકારી નાણાનો વ્યય છે. ધંધાર્થીઓના જણાવ્યા મુજબ, કરોડોના ખર્ચે બિનજરૂરી નવું બાંધકામ કરવાના બદલે માત્ર સામાન્ય રિનોવેશન કરીને જરૂરી સુવિધાઓ ઊભી કરી શકાય તેમ છે. નવું બાંધકામ કરવાથી વેપારીઓના રોજગાર પર માઠી અસર થવાની ભીતિ છે. વેપારીઓએ માગ કરી છે કે તંત્ર દ્વારા અહીં માત્ર સફાઈ, લાઈટ અને સુરક્ષા જેવી મૂળભૂત સુવિધા પૂરી પાડવામાં આવે. વેપારીઓને સ્થળાંતર માટે મજબૂર ન કરવા અને કોઈપણ નિર્ણય લેતા પહેલા તેમની સાથે બેઠક યોજવા માગ કરી છે. સાથે ચેતવણી આપવામાં આવી છે કે જો યોગ્ય નિર્ણય નહીં લેવાય તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે. રાજકોટનાં શાસ્ત્રી મેદાનમાં દબાણ, એઇમ્સ ખાતે બસ સ્ટેશન અને વન કવચ સહિતના પ્રશ્નો ઉછળ્યા રાજકોટ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ઇન્ચાર્જ કલેક્ટર અનંદુ સુરેશ ગોવિંદના અધ્યક્ષ સ્થાને મે-2026ની જિલ્લા ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠક યોજાઈ હતી. જેમાં ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા અને દર્શિતા શાહ દ્વારા સ્થાનિક સ્તરના વિવિધ પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા. બેઠકમાં શાસ્ત્રીમેદાનની અંદર બિલ્ડીંગ વેસ્ટ મટીરીયલ અને બહાર ફૂટપાથ પર થતા દબાણો, નવી રજિસ્ટ્રાર કચેરી બનાવવાની કામગીરી તેમજ ગરીબો માટે અનાજના એટીએમ શરૂ કરવા અંગે સઘન ચર્ચા થઈ હતી. ઉપરાંત લોકઉપયોગી સુવિધા અંતર્ગત પરશુરામ મંદિર પાસે વન કવચ યોજનાની અમલવારી કરવા અને એઇમ્સ (AIIMS) ખાતે નવા બસ સ્ટેશનની કામગીરી ઝડપથી પૂર્ણ કરવા અંગે રજૂઆત કરાઈ હતી. ધારાસભ્યોએ શાપર-વેરાવળ ચોકડી પર બ્રિજ નીચે ફેલાતી ગંદકી અને શહેરમાં વધતા ડોગ બાઈટના કેસો અંગે પણ તંત્રનું ધ્યાન દોર્યું હતું. ઇન્ચાર્જ કલેક્ટરે જન પ્રતિનિધિઓના આ તમામ પ્રશ્નોનો તાકિદે નિકાલ લાવી નક્કર આયોજન હાથ ધરવા તમામ અધિકારીઓને કડક આદેશ આપ્યા હતા. આ બેઠકમાં આસિસ્ટન્ટ કલેક્ટર મહેક જૈન, નાયબ પોલીસ કમિશનર હેતલ પટેલ અને નિવાસી અધિક કલેક્ટર એન.કે. મૂછાર સહિતના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. રાજકોટ જિલ્લામાં બે માસમાં NDPSના 11 કેસ, લાખો રૂપિયાનું ડ્રગ્સ જસદણ અને ગોંડલમાંથી ઝડપાયું રાજકોટ જિલ્લામાં ડ્રગ્સની નાબૂદી માટે કડક પગલાં લેવાઈ રહ્યા છે, જેના ભાગરૂપે માર્ચ અને એપ્રિલ માસમાં NDPS કાયદા હેઠળ કુલ 11 કેસો કરવામાં આવ્યા છે. આ અંતર્ગત જસદણના ભડલી ગામે એક ખેતરમાંથી રૂ. 31.10 લાખની કિંમતનો 74.200 કિલો લીલા ગાંજાનો જથ્થો જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી કરાઈ છે. જ્યારે ગોંડલ તાલુકામાંથી 4 આરોપીઓને રૂ. 9,03,000ની કિંમતના 301 ગ્રામ મેફેડ્રોન (MD) ડ્રગ્સના જથ્થા સાથે ઝડપી લેવાયા છે. જિલ્લા નાર્કો કોઓર્ડિનેશન સેન્ટર કમિટીની બેઠક ઈન્ચાર્જ જિલ્લા કલેક્ટર તથા જિલ્લા વિકાસ અધિકારી અનંદુ સુરેશ ગોવિંદની અધ્યક્ષતામાં યોજાઈ હતી. જેમાં આગામી દિવસોમાં શાળા-કોલેજો પાસે નશાકારક વસ્તુઓનું વેચાણ અટકાવવા વધુ કડક પગલાં લેવા સૂચના અપાઈ હતી. આ અભિયાન હેઠળ ગ્રામ્ય પોલીસ અને સમાજ સુરક્ષા કચેરી દ્વારા વિવિધ શાળાઓમાં જાગૃતિ કાર્યક્રમો યોજીને વિદ્યાર્થીઓને શપથ લેવડાવાયા હતા. આ ઉપરાંત ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા 56 મેડિકલ સ્ટોરની ચકાસણી કરાઈ હતી, તેમજ SOG દ્વારા શાળાની 100 મીટરની અંદર આવેલી પાનની 3 દુકાનો પર દંડનીય કાર્યવાહી કરવામાં આવી હતી.
Read Original Article →