ટેન્કરનો પાઇપ તૂટતા 100 લીટર ડીઝલ રસ્તા પર ઢોળાયું:માલવિયા પોલીસ સ્ટેશનથી મવડી ચોકડી સુધી રેલમછેલ, ફાયરનાં જવાનોએ ત્વરિત કામગીરી કરતા મોટી દુર્ઘટના ટળી
દેશભરમાં એકતરફ ડીઝલની અછત છે, તો બીજીતરફ રાજકોટમાં 100 લીટર ડીઝલ રસ્તા પર ઢોળાયું હોવાનું સામે આવ્યું છે. રાજકોટનાં માલવિયા પોલીસ મથક નજીકથી પસાર થઈને મવડી ચોકડી તરફ જઈ રહેલા ટેન્કરમાં અચાનક મોટી ટેકનિકલ ખામી સર્જાઈ હતી. જેમાં આ માર્ગ પરથી પસાર થઈ રહેલા એક ટેન્કરની ડીઝલ પાઇપ લાઈન અચાનક વચ્ચેથી તૂટી ગઈ હતી. જેને લઈને ટાંકીમાં રહેલું અંદાજીત 100 લીટર જેટલો ડીઝલનો મોટો જથ્થો માર્ગ પર ઢોળાઈ ગયો હતો. જેને પગલે ત્યાંથી પસાર થતા વાહનોનાં અકસ્માતનો ભય ઉભો થયો હતો. જોકે આ અંગેની જાણ થતાં ફાયરની ટીમ દોડી ગઈ હતી. અને પ્રથમ પાણીનો મારો ચલાવ્યા બાદ રસ્તા પર રેતી વેરી રસ્તાને સુરક્ષિત બનાવી દેવામાં આવતા મોટી દુર્ઘટના ટળી હતી. ડિઝલ ઢોળાયાનો રાતે ફાયરને કોલ આવ્યો હતો
પ્રાપ્ત વિગત મુજબ, આ બનાવ ગત મોડીરાત્રે બન્યો હતો. ફાયર કંટ્રોલ રૂમમાં રાત્રે 12:30 આસપાસ આ અંગેની જાણ થઈ હતી. ડિઝલ ઢોળાયા અંગેની ચોક્કસ માહિતી આપનાર જાગૃત વ્યક્તિનું નામ હરેન્દ્ર લાલજી નરેન્દ્ર લાલજી સ્ટાફમેન હોવાનું સામે આવ્યું છે. તેઓ મવડી ફાયર સ્ટેશન ખાતે ફરજ બજાવે છે. કંટ્રોલ રૂમ પરથી સંદેશો મળતાની સાથે જ ફાયર સ્ટેશનના વાહન નંબર 2624 મીની કો.કો. (મીની ફોમ ટેન્ડર)ને તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયું હતું. રોડ પર ડીઝલની રેલમછેલ ને આખો રસ્તો ચીકણો થયો
બનાવ સ્થળે પહોંચીને સ્ટાફે જોયું તો માલવિયા પોલીસ મથકથી લઈને વિશ્વેશ્વર મહાદેવ મંદિર અને મવડી ચોકડી સુધીના સમગ્ર રોડ પર ઓઇલ અને ડીઝલની મોટી લકીરો દેખાતી હતી અને આખો રસ્તો ચીકણો થઈ ગયો હતો. ફાયર સ્ટાફે કોઈ મોટો અકસ્માત ન સર્જાય તે માટે ત્વરિત નિર્ણય લીધો હતો. ફાયરનાં જવાનોએ ત્વરિત કામગીરી કરતા મોટી દુર્ઘટના ટળી
સ્ટાફ દ્વારા તાત્કાલિક આ આખા પ્રવાહી વાળા રોડને સાફ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. રસ્તા પરની ચીકાશ દૂર કરવા માટે ફાયર ફાઇટરો દ્વારા ભારે જહેમત ઉઠાવીને સમગ્ર રોડ પર પ્રથમ પાણીનો છટકાવ કર્યા બાદ મોટા પ્રમાણમાં રેતી વેરવામાં આવી હતી, જેથી વાહનો સ્લિપ થાય નહીં આ સમગ્ર ફાયર ઓપરેશન દરમિયાન સદનસીબે કોઈ પણ પ્રકારની જાનહાનિ કે નુકસાની થઈ નથી. રૂ. 10,000નું 100 લીટર ડીઝલ ડીઝલ રસ્તા પર વહી ગયું
ઉલ્લેખનીય છે કે, દેશભરમાં ડીઝલની અછત વચ્ચે આ ઘટના બનતા અંદાજે 100 લીટર ડીઝલ એટલે કે કુલ રૂ. 10,000નું ડીઝલ રસ્તા પર વહી ગયું હતું. જોકે ફાયરના સ્ટાફ દ્વારા મધ્યરાત્રિના સમયે ભારે જહેમત ઉઠાવીને રસ્તા પર રેતી પાથરીને તેને વાહન વ્યવહાર માટે એકદમ યોગ્ય અને સુરક્ષિત બનાવ્યો હતો. ફાયર બ્રિગેડની આ ત્વરિત અને સમયસરની કામગીરીના કારણે એક બહુ મોટો સંભવિત અકસ્માત ટળી ગયો હતો, જેના લીધે સ્થાનિક વાહનચાલકો અને તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો.
Read Original Article →