રાજકોટમાં પેટ્રોલનો 46 ટકા, ડિઝલનો 33 ટકા સ્ટોક:4 પેટ્રોલ પંપ બંધ, ધોરાજીમાં ખેડૂતોને ડિઝલના પ્રશ્ને કલેકટરે કહ્યું - પૂરતો પુરવઠો પૂરો પડાશે : AAP એ ભાજપ ભગાવો, મોંઘવારી હટાવોના પોસ્ટર બતાવ્યા

Gujarat5/21/2026, 7:18:32 AM
રાજકોટમાં પેટ્રોલનો 46 ટકા, ડિઝલનો 33 ટકા સ્ટોક:4 પેટ્રોલ પંપ બંધ, ધોરાજીમાં ખેડૂતોને ડિઝલના પ્રશ્ને કલેકટરે કહ્યું - પૂરતો પુરવઠો પૂરો પડાશે : AAP એ ભાજપ ભગાવો, મોંઘવારી હટાવોના પોસ્ટર બતાવ્યા
રાજકોટ જિલ્લાના 361 પેટ્રોલ પંપ પર પેટ્રોલનો 46 ટકા અને ડીઝલનો 33 ટકા જથ્થો હોવાનું કલેક્ટરે જાહેર કર્યુ છે. દરમિયાન જિલ્લામાં 4 જેટલા પેટ્રોલ પંપ બંધ હોવા તેમજ ધોરાજીમાં ખેડૂતો માટેનું ડીઝલ ખૂટી પડ્યું હોવા મુદ્દે ઝડપથી પુરવઠો મળે તે માટે ઓઇલ માર્કેટિંગ કંપનીઓને સૂચના આપવામાં આવી છે. આ સાથે જ ઇંધણ બચતના ભાગરૂપે કલેકટર કચેરી ખાતે આજે 21 મે ના મળેલી રિટર્નિંગ ઓફિસરોની બેઠક ઓનલાઇન મળી હતી અને આગામી સમયમાં કલેકટર કચેરીના તમામ વિભાગોની બેઠક ઓનલાઇન મળશે તેવું જાહેર કરાયું છે. આ દરમિયાન આજે પેટ્રોલ અને ડીઝલના વધતા ભાવના વિરોધમાં આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જેમાં ભાજપ ભગાવો; મોંઘવારી હટાવો, ડિઝલ આપો; ખેતી બચાવો જેવા બેનર બતાવી સવાલ કરાયો હતો કે ભારત પાસેથી પેટ્રોલ અને ડીઝલનો જથ્થો લેનારા દેશોમાં ભાવ શા માટે ઓછા છે? મોંઘવારીને કાબુમાં રાખી ગૃહિણીઓનું બજેટ ન વિખેરાય તેવી રજૂઆત કરવામાં આવી હતી. રાજકોટ જિલ્લામાં 361 પેટ્રોલ પંપ છે. જેમાં IOCL ના 108, BPCL ના 82, HPCL ના 86, ન્યારાના 59, સેલના 8 અને રિલાયન્સ JIO ના 18 પંપ આવેલા છે. પેટ્રોલ માર્કેટિંગ કંપની સાથે વહીવટી તંત્ર સતત સંપર્કમાં છે. હાલમાં રાજકોટ જિલ્લામાં પેટ્રોલનો જથ્થો 46 ટકા છે અને ડિઝલનો 33 ટકા સ્ટોક ઉપલબ્ધ છે. કોઈપણ પંપ ડ્રાય ન થાય અને લોકોને ડીઝલનો પુરવઠો મળી રહે માટે સૂચના આપવામાં આવી છે. આ ઉપરાંત ધોરાજીમાં ખેડૂતોને ડીઝલનો જથ્થો ન મળવા ઉપરાંત મોરબી હાઇવે પરના પેટ્રોલ પંપ ઉપર ડીઝલ ખૂટી ગયા મામલે કલેકટર એ જણાવ્યું હતું કે, અમુક પેટ્રોલ પંપ અને વિસ્તારોમાંથી સૂચનાઓ મળતી હોય છે તેથી સંબંધિત કોઈ માર્કેટિંગ કંપનીને સૂચના આપવામાં આવી છે કે પૂરતો પુરવઠો મળી રહે. જેથી ખેડૂતો અને લોકોને તકલીફ ન પડે. રૈયા ચોકડી તેમજ રૈયા ચોકડીથી આગળ ન્યારા, બાપા સીતારામ ચોક પાસે HP પેટ્રોલ પંપ તેમજ સાધુ વાસવાણી રોડ ઉપરનો પંપ બંધ હોવા અંગે કલેકટરે જણાવ્યું કે આ સૂચનાઓ મળી છે મને તે અંગે હોલ માર્કેટિંગ કંપનીઓને જાણ કરવામાં આવી છે. વૈશ્વિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર દ્વારા એનર્જી બચત માટે કરકસરયુક્ત પગલા લેવા માટે આદેશ અપાયો છે. જેના ભાગરૂપે જિલ્લા કલેકટર કચેરી દ્વારા તમામ ફીલ્ડ ઓફિસરને સુચના આપવામાં આવી છે. ઈંધણની બચત થાય તેના માટે પગલા લેવામાં આવ્યા છે. આજે કલેકટર કચેરી ખાતે રીટનિંગ ઓફિસરોની બેઠક છે તેમાં રૂબરૂ બોલાવવાને બદલે ડિજિટલી જોઈન કર્યા છે. આગામી સમયમાં પણ કલેકટર કચેરીના અલગ અલગ વિભાગો દ્વારા જે મિટિંગ યોજવામાં આવશે તે ઓનલાઇન થાય તે માટેની સૂચના આપવામાં આવી છે. આ દરમિયાન પેટ્રોલ અને ડિઝલ તેમજ દૂધમાં થયેલા ભાવ વધારાને કારણે મોંઘવારી વધી છે તેના વિરોધમાં આજે 21 મે ના આમ આદમી પાર્ટી દ્વારા કલેક્ટર કચેરી ખાતે ભાજપ ભગાવો; મોંઘવારી હટાવો, ડિઝલ આપો; ખેતી બચાવો જેવા બેનર બતાવી વિરોધ કરવામાં આવ્યો હતો. જે અંગે રાજકોટ શહેર આમ આદમી પાર્ટીના પ્રમુખ દિનેશ જોષીએ જણાવ્યું હતું કે, આજે મોંઘવારીને લઈને અમે કલેક્ટરને આવેદન આપવા માટે આવ્યા છીએ હાલ મોંઘવારી કૂદકે ને ભૂસકે વધી રહી છે. આ મોંઘવારી ક્યાં જઈને ઉભી રહેશે. પેટ્રોલ અને ડીઝલનો ભાવ દરરોજ વધતો જાય છે અને ખેડૂતોને એમ કહેવામાં આવે છે કે પેટ્રોલ ડીઝલ જોઈતું હોય તો જ ફરજિયાત લેવું પડશે. આજે હાઇવે ઉપર ટ્રકના વ્હીલ થંભી ગયા છે. હાલ ગૃહિણીઓનું બજેટ વિખાઈ ગયું છે અને આ રીતે આ સરકાર પોતાની મનમાની કરે છે જીતી ગયા પછી. અમુક દેશો એવા છે કે જે ભારત પાસેથી પેટ્રોલ લે છે તેમ છતાં પણ ત્યાં આટલા બધા પેટ્રોલ અને ડીઝલના ભાવ વધ્યા નથી. તો એનું કારણ શું? જેથી અમારી વિનંતી છે કે પેટ્રોલ અને ડીઝલના ભાવ નિયંત્રણમાં રાખવામાં આવે.
Read Original Article →