રાજકોટ કોંગ્રેસના મહિલા કોર્પોરેટરનો પુત્ર દારૂ સાથે ઝડપાયો:હિસ્ટ્રીશીટર શિવરાજ પાસેથી 1.85 લાખનો જથ્થો લાવ્યો, મનપામાં વિરોધ પક્ષના નેતા તરીકે દિપ્તી સોલંકીનું નામ ચર્ચામાં

Gujarat5/23/2026, 4:06:30 PM
રાજકોટ કોંગ્રેસના મહિલા કોર્પોરેટરનો પુત્ર દારૂ સાથે ઝડપાયો:હિસ્ટ્રીશીટર શિવરાજ પાસેથી 1.85 લાખનો જથ્થો લાવ્યો, મનપામાં વિરોધ પક્ષના નેતા તરીકે દિપ્તી સોલંકીનું નામ ચર્ચામાં
રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડ નંબર 16ના કોંગ્રેસના મહિલા કોર્પોરેટર દિપ્તીબેન સોલંકીનો પુત્ર વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપાઇ જતા ચકચાર મચી જવા પામી છે. શહેર PCB ટીમે ચોક્કસ બાતમીના આધારે ઓમ સોલંકીને વિદેશી દારૂના જથ્થા સસાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે પોલીસ તપાસમાં આરોપી આ દારૂનો જથ્થો રાજકોટના નામચીન શિવરાજ વાળા પાસેથી લાવ્યો હોવાનું ખુલતા પોલીસ તેની શોધખોળ હાથ ધરી છે. ઢેબર રોડ પર દારૂના જથ્થા સાથે ઓમ સોલંકી ઝડપાયો શહેર પોલીસ દ્વારા ગુનાખોરી પર અંકુશ લાવવા અને દારૂ જુગારની બદીઓ નાબૂદ કરવા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે રાજકોટ શહેર PCB ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે, ઢેબર રોડ પર ગોપાલ નગર શેરી નંબર 2માં એક શખસ સ્વિફ્ટ ગાડીમાં વિદેશી દારૂના જથ્થા સાથે ઉભો છે. જેથી ચોક્કસ બાતમી આધારે સ્થળ પર પહોંચી તો શહેર કોંગ્રેસના વોર્ડ નંબર 16ના મહિલા કોર્પોરેટર દિપ્તીબેન સોલંકીના પુત્ર ઓમ સોલંકી વિદેશી દારૂના જથ્થા સાથે મળી આવ્યો હતો. દારૂનો જથ્થો શિવરાજ વાળા પાસેથી લીધો હતો જે આરોપી ઓમ સોલંકી પાસેથી પોલીસે 1.85 લાખના દારૂ સહિત 5.85 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જ્યારે પોલીસ તપાસમાં આરોપી આ દારૂનો જથ્થો રાજકોટના નામચીન હિસ્ટ્રીશીટર શિવરાજ વાળા પાસેથી લાવ્યો હોવાનું સામે આવતા પોલીસે દારૂના સપ્લાયર શિવરાજ વાળને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. આરોપી શિવરાજ વાળા વિરુધ્ધ અગાઉ રાજકોટ શહેર જિલ્લામાં કુલ 9 ગુના નોંધાઈ ચુક્યા હોવાનું સામે આવ્યું છે જેમાં આર્મ્સ એક્ટ, મારામારી, જાનથી મારી નાખવા ધમકી આપવા, તેમજ દારૂ જુગાર સહીતના ગુનાનો સમાવેશ થાય છે. દિપ્તી સોલંકીનું નામ મનપાના વિરોધ પક્ષના નેતા તરીકે ચર્ચામાં ઉલ્લેખનીય છે કે દારૂ સાથે પકડાયેલા આરોપી ઓમ સોલંકી (ઉ.વ.22) મહાનગર પાલિકાના વોર્ડ નંબર 16ના કોંગ્રેસના મહિલા કોર્પોરેટર દિપ્તીબેન સોલંકીનો પુત્ર છે. દિપ્તીબેન સોલંકીને એક મહિના પૂર્વે મહાનગર પાલિકાની ચૂંટણીમાં કુલ 9294 મત મળ્યા હતા અને તેઓ વિજેતા બન્યા હતા. આ ઉપરાંત મનપામાં વિરોધ પક્ષના નેતા તરીકે પણ તેમનું નામ ચર્ચામાં ચાલી રહ્યું છે. ત્યારે આ માહોલ વચ્ચે તેમનો પુત્ર દારૂ સાથે ઝડપાતા હવે તેમના બદલે અન્યને સ્થાન મળે તેવી પુરી શક્યતા સેવાઈ રહી છે.
Read Original Article →