મોંઘવારીની જેલમાં જનતા કેદ!:NEET પેપર લીકનાં મુદ્દે કોંગ્રેસનો અનોખો વિરોધ, શહેર પ્રમુખે કહ્યું- સરકાર રાહત ન આપી શકે તો સતા પર રહેવાનો અધિકાર નથી

Gujarat6/5/2026, 10:39:46 AM
મોંઘવારીની જેલમાં જનતા કેદ!:NEET પેપર લીકનાં મુદ્દે કોંગ્રેસનો અનોખો વિરોધ, શહેર પ્રમુખે કહ્યું- સરકાર રાહત ન આપી શકે તો સતા પર રહેવાનો અધિકાર નથી
સમગ્ર દેશ આજે મોંઘવારી અને શિક્ષણ ક્ષેત્રે પેપર લીક જેવી બે ગંભીર સમસ્યાઓનો સામનો કરી રહ્યો છે. એક તરફ બેકાબૂ મોંઘવારીના કારણે સામાન્ય જનતાનું જીવન દુષ્કર બન્યું છે તો બીજી તરફ NEET સહિતની સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સતત સામે આવી રહેલા પેપર લીક કૌભાંડના કારણે લાખો યુવાનોના સપનાઓ અને ભવિષ્ય સાથે ખુલ્લેઆમ ચેડાં થઈ રહ્યા છે. દેશની જનતા અને યુવાનોને આર્થિક તથા માનસિક રીતે બરબાદ કરતી આ બંને સમસ્યાઓ સામે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યક્રમના ભાગરૂપે આજે રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા કલેક્ટર કચેરી ખાતે અનોખું વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. જેમાં મોંઘવારીની જેલ બનાવવામાં આવી હતી. અને તેલના ડબ્બાનો વેશ ધારણ કરી કોંગ્રેસના આગેવાનો દ્વારા ભાજપ વિરોધી સૂત્રોચ્ચાર કરાયા હતા. આજે દેશની પ્રજા મોંઘવારીના બોજ હેઠળ જેલવાસ ભોગવી રહી છે કોંગ્રેસ દ્વારા સરકારની નિષ્ફળ નીતિઓ સામે અનોખી રીતે વિરોધ નોંધાવવા માટે "મોંઘવારીની જેલ"નું નિર્માણ કરવામાં આવ્યું હતું. આ જેલમાં સામાન્ય જનતાને કેદી તરીકે દર્શાવી એ સંદેશ આપવામાં આવ્યો હતો કે, આજે દેશની પ્રજા મોંઘવારીના બોજ હેઠળ જેલવાસ ભોગવી રહી છે. ગેસ સિલિન્ડર, પેટ્રોલ, ડીઝલ, ખાદ્યતેલ, દૂધ, દાળ, ડુંગળી, બટાકા, ટામેટા સહિતની રોજિંદી જીવન જરૂરી વસ્તુઓના ભાવમાં થયેલા અસહ્ય વધારાએ સામાન્ય પરિવારોનું બજેટ ખોરવી નાખ્યું છે. બેફામ વધારાએ ગૃહિણીઓના ઘરના બજેટ ખોરવ્યા ઉપરાંત કોંગ્રેસના હોદ્દેદારો દ્વારા ખાદ્યતેલના ડબ્બાના વિશેષ વેશ ધારણ કરીને વિરોધ કરવામાં આવ્યો હતો. પ્રતિક દ્વારા દર્શાવવામાં આવ્યું હતું કે રસોડાની સૌથી આવશ્યક વસ્તુ ગણાતા ખાદ્યતેલના ભાવોમાં થયેલા બેફામ વધારાએ ગૃહિણીઓ અને સામાન્ય પરિવારોને ભારે આર્થિક સંકટમાં ધકેલી દીધા છે. આજે સામાન્ય માણસ પોતાની આવકનો મોટો હિસ્સો જીવનજરૂરી વસ્તુઓ ખરીદવામાં જ ખર્ચી નાખવા મજબૂર બન્યો છે. NEET મામલે દોષિતો સામે કડક કાર્યવાહીની માગ બીજી તરફ NEET પેપર લીક કૌભાંડના વિરોધમાં "રથ" તૈયાર કરવામાં આવ્યો હતો. આ રથમાં ખાસ પેપર લીક, ભ્રષ્ટાચાર તેમજ વિદ્યાર્થીઓ સાથે થયેલા અન્યાયને દર્શાવતા પ્રતિકો મૂકવામાં આવ્યા હતા. આ રથ દ્વારા કેન્દ્ર સરકારની નિષ્ફળતા અને શિક્ષણ વ્યવસ્થામાં ફેલાયેલા ભ્રષ્ટાચાર સામે ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવ્યો હતો તેમજ દોષિતો સામે કડક કાર્યવાહી અને વિદ્યાર્થીઓને ન્યાય આપવાની માંગ કરવામાં આવી હતી. સામાન્ય જનતા મોંઘવારીની જેલમાં કેદ થઈ ગઈ છે શહેર કોંગ્રેસ પ્રમુખ ડૉ. રાજદીપસિંહ જાડેજાએ સરકાર પર આકરા પ્રહારો કરતાં જણાવ્યું કે, દેશમાં મોંઘવારીનો એવો વિસ્ફોટ થયો છે કે સામાન્ય માણસનું જીવવું મુશ્કેલ બની ગયું છે. પ્રજાની આવક વધી નથી પરંતુ ખર્ચ અનેકગણો વધી ગયો છે. આજે સામાન્ય જનતા મોંઘવારીની જેલમાં કેદ થઈ ગઈ છે અને સરકાર માત્રને માત્ર નિષ્ક્રિય દર્શક બનીને તમાશો જોઈ રહી છે. દેશ ચલાવવો સરકારનું કામ છે, માત્ર પ્રચાર કરવો નહીં. જો સરકાર જનતાને રાહત આપી શકતી નથી તો તેને સત્તા પર રહેવાનો કોઈ નૈતિક અધિકાર નથી. NEET પેપર લીક મુદ્દે તેમણે વધુમાં જણાવ્યું હતું કે, લાખો વિદ્યાર્થીઓ દિવસ-રાત મહેનત કરીને પરીક્ષાની તૈયારી કરે છે, પરંતુ ભ્રષ્ટાચારના કારણે તેમની મહેનત પર પાણી ફરી વળે છે. NEET પેપર લીક માત્ર એક કૌભાંડ નથી, પરંતુ દેશના યુવા ભવિષ્ય સામે થયેલો ગુનો છે. આખી ભ્રષ્ટ ચેનલ આવા કૌભાંડો પાછળ જવાબદાર છે. વિરોધમાં સ્થાનિક કોંગ્રેસના આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા કોંગ્રેસના રાજકોટના પ્રભારી જેનીબેન ઠુમ્મરે જણાવ્યું હતું કે, પેપર લીકના કારણે અનેક વિદ્યાર્થીઓ ભારે માનસિક તણાવમાં આવ્યા છે અને કેટલાક વિદ્યાર્થીએ આત્મહત્યા જેવા પગલાં પણ ભર્યા છે. સરકારે આ બાબતને ગંભીરતાથી લેવી જોઈએ અને જવાબદારો સામે કડકમાં કડક સજા કરવી જોઈએ. મોંઘવારી પર નિયંત્રણ લાવવા માટે તાત્કાલિક પગલાં લેવામાં આવે અને પેટ્રોલ-ડીઝલ અને ગેસના ભાવોમાં ઘટાડો કરવામાં આવે તેમજ જરૂરી હોય ત્યાં સુધી જનતાને રાહત મળે તે માટે વિશેષ સહાય ઉપલબ્ધ કરાવવામાં આવે એવી માંગ પણ તેમણે કરી હતી. ઉલ્લેખનીય છે કે, આજના અનોખા વિરોધમાં સ્થાનિક કોંગ્રેસના આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. અને વિવિધ બેનરો સાથે સૂત્રોચ્ચાર કરી સરકારની ઊંઘ ઉડાડવા પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ દરમિયાન મોંઘવારીની જેલ અને તેલના ડબ્બાનો વેશ જોવા માટે લોકો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. કોંગ્રેસના આગેવાનો દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદન પાઠવીને મોંઘવારી ઘટાડવા તેમજ પેપર લીકનાં જવાબદારોની સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી.
Read Original Article →