કોંગ્રેસમાં વોર્ડ નંબર 13 બાદ 17માં નારાજગી સામે આવી:પૂર્વ કોર્પોરેટરે પ્રભારી જેનીબેન ઠુંમર સામે જ્ઞાતિવાદ કરતા હોવાના કર્યા આક્ષેપ, રૂપાપરાને ટિકિટ અપાવવા ફાર્મહાઉસમાં જયેશ રાદડિયા પણ બેઠકમાં હતા હાજર

Gujarat4/8/2026, 7:25:55 AM
કોંગ્રેસમાં વોર્ડ નંબર 13 બાદ 17માં નારાજગી સામે આવી:પૂર્વ કોર્પોરેટરે પ્રભારી જેનીબેન ઠુંમર સામે જ્ઞાતિવાદ કરતા હોવાના કર્યા આક્ષેપ, રૂપાપરાને ટિકિટ અપાવવા ફાર્મહાઉસમાં જયેશ રાદડિયા પણ બેઠકમાં હતા હાજર
રાજકોટ શહેર કોંગ્રેસમાં એક સાંધે ત્યાં તેર તૂટે જેવો ઘાટ ઘડાયો છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે રાજકોટ મહાનગરપાલિકાના 40 ઉમેદવાર કોંગ્રેસે પોતાની પ્રથમ યાદીમાં જાહેર કર્યા હતા જેમાં પ્રથમ વોર્ડ નંબર 13ના પૂર્વ કોર્પોરેટરે નારાજગી વ્યક્ત કરી હતી અને હવે આજે બીજી યાદી જાહેર થાય એ પહેલા વોર્ડ નંબર 17ના પૂર્વ કોર્પોરેટરે નારાજગી વ્યક્ત કરી પ્રભારી સામે જ્ઞાતિવાદ કરતા હોવાના આરોપ લગાવ્યા છે. ઘનશ્યામસિંહ જાડેજાએ દિવ્યભાસ્કર સાથે વાત કરતા જણાવ્યું હતું કે, શૈલેષ રૂપાપરાને ટિકિટ અપાવવા કુવાડવા રોડ પર એક ફાર્મહાઉસમાં બેઠક મળી હતી જેમાં જયેશ રાદડિયા પણ હાજર હતા. સ્થાનિક આગેવાનને ટિકિટ આપવી જોઈએ જેમાં પક્ષે ભૂલ કરી છે પ્રદેશ પ્રમુખનું પણ મેં ધ્યાન ડોઇયું છે. રાજકોટ વોર્ડ નંબર 17ના પૂર્વ કોર્પોરેટર ઘનશ્યામસિંહ જાડેજાએ દિવ્યભાસ્કર સાથે વાત કરતા જણાવ્યું હતું કે, અમારા રાજકોટના પ્રભારી જેનીબેન ઠુંમર જ્ઞાતિવાદ કરી રહ્યા છે. પ્રભારી માટે દરેક જ્ઞાતિના લોકો એક સમાન હોવા જોઈએ પરંતુ રાજકોટના પ્રભારી જેનીબેન ઠુમરે જ્ઞાતિવાદ કરી ટિકિટ ફાળવણી કરી છે. રાજકોટના વોર્ડ નંબર 17માં પાટીદાર સમાજના શૈલેષ રૂપાપરાને ટિકિટ અપાવવા કુવાડવા રોડ પર એક ફાર્મ હાઉસમાં બેઠક મળી હતી અને ટિકિટ ફાળવણી અંગે નિર્ણય કર્યો હતો જેમાં ભાજપના ધારાસભ્ય જયેશ રાદડિયા પણ હાજર રહ્યા હતા. તેમને વધુમાં જણાવ્યું હતું કે, સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં સ્થાનિક નેતાને ટિકિટ ફાળવવી જોઈએ. વર્ષ 2015માં હું આ વિસ્તારમાં ચૂંટણી લડી વિજેતા બન્યા હતો અને ત્યારથી સતત લોકોની વચ્ચે રહીને કામ કર્યા છે કોર્પોરેટર હતા ત્યારે અને નો હતા ત્યારે પણ પાછલા 5 વર્ષ લોકોની વચ્ચે રહીને કામ કર્યા છે. લોકો પણ એવું ઈચ્છે છે કે પક્ષ દ્વારા મને ટિકિટ આપવામાં આવે પરંતુ હવે પક્ષનો જે નિર્ણય છે તેને માન્ય રાખી અમે કોંગ્રેસના ઉમેદવારને જીતાડવા મહેનત કરીશું. હું કોંગ્રેસ પક્ષમાં જ છું અને કોંગ્રેસમાં જ રહેવાનો છું મારી નારાજગી માત્ર જેનીબેન ઠુંમર સામે છે કારણ કે તેમને ગ્રાઉન્ડ રિયાલિટી જાણ્યા વગર ઉમેદવાર પસંદગીમાં જ્ઞાતિવાદ કર્યો છે. ઉલ્લેખનીય છે કે રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા આજે ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવનાર છે એ પહેલા રાજકોટ શહેરના વોર્ડ નંબર 17માં હસનવાડી વિસ્તારમાં 25થી 30 લોકો એકઠા થઇ ઘનશ્યામસિંહને ટિકિટ આપોના નારા લગાવ્યા હતા. કોંગ્રેસે પ્રથમ યાદીમાં વોર્ડ નંબર 17ના 3 ઉમેદવાર જાહેર કર્યા છે જેમાં ગાયત્રીબેન ભટ્ટ, યોગીતાબા જાડેજા અને શૈલેષ રૂપાપરાને ઉમેદવાર જાહેર કર્યા છે હવે માત્ર એક OBC બેઠક પર ઉમેદવાર જાહેરાત બાકી છે.
Read Original Article →