ડીઝલની અછતના કારણે ટ્રાન્સપોર્ટ ઉદ્યોગની માઠી બેઠી:રાજકોટ-કચ્છમાં 50 ટકા કોમર્શિયલ વાહનોના પૈડાં થંભી ગયા, ટ્રાન્સપોર્ટરે સામાન્ય ભાષામાં પોતાની સમસ્યા સમજાવી
ઈરાન-અમેરિકા યુદ્ધના કારણે હોર્મુઝ સ્ટ્રેટ બંધ હોવાના કારણે ક્રુડની સપ્લાયને માઠી અસર પડી છે. આ અસર હવે સૌરાષ્ટ્ર-ગુજરાતના પેટ્રોલ પંપ પર દેખાવાની શરૂ થઈ ચૂકી છે. પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધારો કરાયા બાદ પણ પંપ પર પૂરતું ડીઝલ મળતું ન હોવાની ફરિયાદો ઉઠી છે. ડીઝલની અછતના કારણે સૌથી મુશ્કેલ સ્થિતિ ટ્રાન્સપોર્ટ ઉદ્યોગની થઈ છે. ડીઝલ મળશે કે નહીં તેની સ્થિતિ સ્પષ્ટ ન હોવાના કારણે ટ્રાન્સપોર્ટર ભાડા લેતા ડરી રહ્યા છે. ટ્રાન્સપોર્ટરને હાલ કેવી કેવી તકલીફ પડી રહી છે તે જાણવા દિવ્ય ભાસ્કરે રાજકોટ ટ્રાન્સપોર્ટ એસોસિએશનના પ્રમુખ અને સેક્રેટરી સાથે વાત કરી હતી. રાજકોટમાં 50 ટકા કોમર્શિયલ વાહનો ઓફરોડ થઈ ગયા- હસુભાઈ ભગદેવ
રાજકોટ ટ્રાન્સપોર્ટ એસોસિએશનના પ્રમુખ હસુભાઈ ભગદેવએ જણાવ્યું હતું કે, યુદ્ધની અસર ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ પર તો છે તેની સાથે સાથે બીજા ઉદ્યોગો ઉપર પણ અસર જોવા મળી છે. ડીઝલના ભાવમાં વધારો પણ થયો છે એટલે પણ મુશ્કેલી સર્જાય રહી છે સાથે સાથે માત્ર 50 લીટર ડીઝલ આપવામાં આવી રહ્યું છે ટ્રકમાં 50 લીટર ડીઝલ આપે તો એ 150-200 કિલોમીટર સુધી ચાલી શકે પછી આગળ ક્યાં અને ક્યારે ડીઝલ કેટલું મળે તેનું કંઈ નક્કી રહેતું નથી. માટે હાલ ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ પર યુદ્ધની ખુબ મોટી અસર થવાની શરૂઆત થઇ ચુકી છે. ટ્રાન્સપોર્ટમાં માલ લાવવા મોકલવા પર અમે કોઈ ભાવ વધારો હજુ સુધી કર્યો નથી કારણ કે હાલમાં ડીઝલ પૂરતું ન મળવા કારણે અમે વાહન આગળ મોકલી શકતા નથી. આ સ્થિતિ માત્ર રાજકોટ નહિ સૌરાષ્ટ્ર ગુજરાત અને બીજા રાજ્યોમાં પણ સર્જાઈ રહી છે આના માટે સરકારે ચોક્કસ કોઈ વિચારણા જરૂર કરવી પડશે. તેમને વધુમાં જણાવ્યું હતું કે, હાલમાં દરેક લોકો HP, BPCL અને IOC માંથી પેટ્રોલ ડીઝલ પુરાવી રહ્યા છે. નાયરા એ મોટા ભાગની જગ્યાએ વેચાણ બંધ કરી દીધું છે. રાજકોટમાં 1200 ટ્રાન્સપોર્ટની ઓફિસ આવેલી છે અને 5000 કોમર્શિયલ વાહનો એકલા રાજકોટમાં જ છે જેમાંથી 50% વર્કિંગ છે અને 50% ઓફ રોડ થઇ ગયા છે. આવીને આવી પરિસ્થિતિ રહેશે તો લોકડાઉન જેવી સ્થિતિનું નિર્માણ થવાની ભીતિ સતાવી રહી છે. અમે મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને પુરવઠા મંત્રીને લેખિતમાં રજુઆત પણ કરી છે. એક તરફ મંદી છે અને બીજી તરફ સતત ડીઝલના ભાવ વધી રહ્યા છે. પૂરતો જથ્થો હોય તો દરેક પંપ ઉપર જેમને જેટ જોઈએ તેટલું પેટ્રોલ ડીઝલ આપવું જોઈએ શુકામ નથી આપતા એ અમને પણ સમજાતું નથી. પેટ્રોલ પંપ પર ટ્રકદીઠ 50થી 100 લિટર ડીઝલ જ મળે છે- પરમરાજસિંહ રાણા
રાજકોટ ટ્રાન્સપોર્ટ એસોસિએશનના સેક્રેટરી પરમરાજસિંહ રાણાએ જણાવ્યું હતું કે, ઉદ્યોગમાં ઓર્ડર ઉપર સૌથી મોટી અસર જોવા મળી રહી છે કારણ કે રો મટીરીયલની સપ્લાય અટકી ગઈ છે. MSME ઉદ્યોગ જેટલો જ માર ટ્રાન્સપોર્ટ ઉદ્યોગને પણ પડ્યો છે. પાછલા વર્ષોની સરખામણીએ વાત કરીએ તો 40થી 50% જેટલો ધંધો ડાઉન થઇ ચુક્યો છે. પેટ્રોલ પંપ દ્વારા રાશનીંગ સિસ્ટમ થાય છે જેના કારણે ડીઝલ મળશે કે નહિ મળે એની અવઢવમાં ટ્રાન્સપોર્ટરો ટ્રીપ સ્વીકારી શકતા નથી. તેમને વધુમાં જણાવ્યું હતું કે, પેટ્રોલ પંપ ઉપર મોટા ભાગે 5000 અને કોઈ જગ્યાએ સબંધો હોય તો રૂપિયા 10,000નું ડીઝલ પુરી આપવામાં આવે છે. પેટ્રોલપંપ ડ્રાય ન થઇ જાય એટલા માટે બધાને થોડો થોડો જથ્થો આપવામાં આવે છે. બીજી એક માહિતી એ મળી રહી છે કે ભારત દેશ દ્વારા 2026માં પેટ્રોલ ડીઝલનો જથ્થો એક્સપોર્ટ કરવામાં આવ્યો છે જેના ઉપર રોક લગાવવામાં આવે તો સ્થિતિ થોડી સારી બની શકે છે. ટ્રકમાં 50 કે 100 લીટર ડીઝલ આપે તો એ 200-400 કિલોમીટર ચાલી શકે છે. પરંતુ આ પછી આગળ બીજા પંપ ઉપર જથ્થો મળશે કે કેમ એ સૌથી મોટી અવઢવ બની રહે છે. ડીઝલની અછતના કારણે કચ્છ ટ્રાન્સપોર્ટ ઉદ્યોગની મુશ્કેલી વધી
અખિલ ગુજરાત ટ્રક એસોસિએશનના અધ્યક્ષ વાસણભાઈ આહીરે જણાવ્યું હતું કે હાલની સ્થિતિ અંગે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને પુરવઠા મંત્રીનું ધ્યાન દોરવામાં આવ્યું છે. ખાસ કરીને કચ્છ જિલ્લામાં પેટ્રોલ-ડીઝલની અછત વધુ ગંભીર હોવાનું સામે આવ્યું છે. તેમણે જણાવ્યું કે ટૂંક સમયમાં સરકાર સમક્ષ સત્તાવાર રજૂઆત કરીને તાત્કાલિક ઉકેલ લાવવા માંગ કરવામાં આવશે. “2 દિવસમાં ઉકેલ નહીં આવે તો આગળની રણનીતિ અમલમાં”
કચ્છ સહિત રાજ્યના ટ્રાન્સપોર્ટ સંગઠનોની ગાંધીધામ ખાતે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં નિર્ણય લેવાયો કે જો ટૂંક સમયમાં ડીઝલ સપ્લાય સામાન્ય નહીં બને તો 1 જૂન, 2026થી તમામ ટ્રાન્સપોર્ટ વાહનો અને મશીનરી સ્વૈચ્છિક રીતે બંધ રાખવામાં આવશે. સાથે જ IOC, BPCL, HPCL સહિત ઓઈલ કંપનીઓ અને વહીવટી તંત્ર સાથે તાત્કાલિક બેઠક કરવાની માંગ પણ ઉઠી છે. ટ્રાન્સપોર્ટ કમિટીના અધ્યક્ષ હરીશ મહેશ્વરીએ જણાવ્યું હતું કે, “કલેક્ટરને રજૂઆત બાદ અમને 2 દિવસમાં જવાબ આપવાની ખાતરી આપવામાં આવી છે. IOC, BPCL, HPCL, રિલાયન્સ અને નાયરા કંપનીઓના અધિકારીઓ સાથે બેઠક કરીને ઉકેલ લાવવાની વાત થઈ છે. હાલ અમને માત્ર 50 લિટર ડીઝલ આપવામાં આવે છે, જ્યારે ઓછામાં ઓછું 200 લિટર મળવું જોઈએ. અડધો દિવસ તો ડીઝલ માટેની લાઈનમાં જ નીકળી જાય છે અને લાઈનમાં ઊભા રહીએ ત્યારે પણ ડીઝલ બળી જાય છે.” તેમણે વધુમાં જણાવ્યું કે હાલ 50 ટકા ગાડીઓ બંધ જેવી સ્થિતિમાં છે. “પહેલા એક દિવસમાં બે ટ્રિપ થતી હતી, હવે બે દિવસમાં એક ટ્રિપ પણ થઈ શકતી નથી. ડ્રાઈવરો પણ કંટાળી રહ્યા છે. જો સ્થિતિ નહીં સુધરે તો સમગ્ર ટ્રાન્સપોર્ટ વ્યવસ્થા ઠપ થઈ જશે.” કચ્છના પોર્ટ પર લોડિંગ-અનલોડિંગ બંધ કરવાની ચેતવણી
ડીઝલની અછતને કારણે કચ્છના પોર્ટ વિસ્તારમાં પણ ચિંતા વધી રહી છે. ટ્રાન્સપોર્ટ સંગઠનોએ ચેતવણી આપી છે કે જો ટૂંક સમયમાં ડીઝલ પુરવઠો સામાન્ય નહીં બને તો કચ્છ જિલ્લાના તમામ પોર્ટ પર ટ્રક મારફતે થતું લોડિંગ અને અનલોડિંગ કાર્ય બંધ કરી દેવામાં આવશે. ટ્રાન્સપોર્ટરોનું કહેવું છે કે છેલ્લા કેટલાક દિવસોથી ડીઝલ મેળવવામાં ભારે મુશ્કેલી પડી રહી છે, જેના કારણે માલવાહક વાહનોના સંચાલન પર ગંભીર અસર થઈ રહી છે.
Read Original Article →