રાજકોટ સિવિલમાં ઉંદરોનો આતંક:દર્દીઓને સારવાર સાથે આફત મફત, વિડીયો વાયરલ થતા તંત્રએ ફરી કોન્ટ્રાક્ટ આપવાનો રાગ આલાપ્યો, ઉંદરો પકડવા પાંજરા મુકાયા

Gujarat5/13/2026, 6:43:24 AM
રાજકોટ સિવિલમાં ઉંદરોનો આતંક:દર્દીઓને સારવાર સાથે આફત મફત, વિડીયો વાયરલ થતા તંત્રએ ફરી કોન્ટ્રાક્ટ આપવાનો રાગ આલાપ્યો, ઉંદરો પકડવા પાંજરા મુકાયા
રાજકોટની સિવિલ હોસ્પિટલ, જે સૌરાષ્ટ્રભરના દર્દીઓ માટે આશાનું કિરણ ગણાય છે, તે હાલમાં એક ગંભીર અને અણગમતી સમસ્યાનો સામનો કરી રહી છે. આ હોસ્પિટલમાં ઉંદરોનો ભયંકર ત્રાસ જોવા મળી રહ્યો છે, જેના કારણે સારવાર માટે આવતા દર્દીઓ અને તેમના સગા-સંબંધીઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. સમગ્ર ઘટનાને લઈને દર્દીઓને સારવાર સાથે આફત મફત હોય તેવો માહોલ સર્જાયો છે. જેને લઈને તંત્રએ વધુ એકવાર કોન્ટ્રાકટ આપવાનો રાગ આલાપ્યો છે. અને ઉંદરો પકડી લેવા માટે પાંજરા મુકવામાં આવ્યા છે. તાજેતરમાં સોશિયલ મીડિયા પર સિવિલ હોસ્પિટલના ચોથા માળનાં કેટલાક વિડિયો વાયરલ થયા છે, જેમાં ઉંદરો બિન્ડાસ્તપણે અહીં-તહીં દોડતા નજરે પડે છે. આ વિડિયોમાં જોઈ શકાય છે કે કચરાપેટી અને બેસવાની જગ્યાઓ પાસે ઉંદરોનો જમાવડો છે. આ દ્રશ્યોએ હોસ્પિટલની સ્વચ્છતા અને સુરક્ષા પર અનેક સવાલો ઉભા કર્યા છે. બીમારીની સારવાર કરાવવા આવતા દર્દીઓને અહીં ઉંદરો દ્વારા ફેલાતા રોગોનો ભય સતાવી રહ્યો છે, જે હોસ્પિટલ તંત્રની મોટી બેદરકારી સૂચવે છે. હોસ્પિટલ એ એવી જગ્યા છે જ્યાં સ્વચ્છતા સર્વોપરી હોવી જોઈએ. ઉંદરો પ્લેગ જેવા જીવલેણ રોગો અને અન્ય ચેપ ફેલાવવા માટે જવાબદાર હોય છે. જ્યારે દર્દીઓ પહેલાથી જ કોઈ બીમારીથી પીડાતા હોય, ત્યારે ઉંદરોનો આવો ખુલ્લેઆમ ત્રાસ તેમના સ્વાસ્થ્યને વધુ જોખમમાં મૂકી શકે છે. ખાસ કરીને રાત્રિના સમયે દર્દીઓના બેડ પાસે કે ખાણી-પીણીની વસ્તુઓ પર ઉંદરો ફરતા હોવાની ફરિયાદો ઉઠી છે. રાજકોટની જનતા હવે એ અપેક્ષા રાખી રહી છે કે માત્ર કોન્ટ્રાક્ટ આપીને સંતોષ માનવાને બદલે, હોસ્પિટલ તંત્ર આ વખતે ઉંદરોનો કાયમી નિકાલ કરે અને દર્દીઓને સુરક્ષિત વાતાવરણ પૂરું પાડે. હોસ્પિટલના ખર્ચાઓ પાછળ લાખો રૂપિયા ખર્ચાતા હોવા છતાં આવી પાયાની સુવિધાનો અભાવ ચિંતાનો વિષય છે. હોસ્પિટલ તંત્રનો બચાવ અને ડો કમલ ડોડીયાનું નિવેદન ઉંદરોના વિડિયો વાયરલ થતા અને મામલો ગંભીર બનતા સિવિલ હોસ્પિટલ તંત્ર સફાળું જાગી ઉઠ્યું છે. આ બાબતે હોસ્પિટલના જવાબદાર અધિકારી ડોક્ટર કમલ ડોડીયા દ્વારા સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું હતું. તેમણે સ્વીકાર્યું હતું કે ઉંદરોની સમસ્યા ગંભીર છે અને તંત્ર તેના ઉકેલ માટે પ્રયત્નશીલ છે. તેમણે માહિતી આપતા જણાવ્યું હતું કે, સિવિલ હોસ્પિટલ આશરે 25 એકર જેટલા વિશાળ વિસ્તારમાં ફેલાયેલી છે. બાંધકામ અંદાજે 2,13,000 સ્ક્વેર ફૂટ જેટલું મોટું છે, જેના કારણે તમામ જગ્યાએ દેખરેખ રાખવી પડકારજનક બને છે. જોકે આ ઉંદરોની સમસ્યાને અમે ખૂબ ગંભીરતાપૂર્વક લીધી છે. ઉંદરોને પકડવા માટે આગામી દિવસોમાં નવો કોન્ટ્રાક્ટ આપવામાં આવશે. અને આ માટેની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. સિવિલ હોસ્પિટલનું આ તંત્ર દર્દીઓને સારામાં સારી સારવાર અને સુવિધા મળે તે માટે હંમેશા કટિબદ્ધ છે. ત્યારે ઉંદરોનો નિકાલ કરવા માટે અમે વહેલી તકે નવી વ્યવસ્થા કરીશું. અગાઉ જે કોઈ સમસ્યા સામે આવી તેનો નિકાલ કરવામાં આવ્યો છે. એ રીતે આ સમસ્યા પણ ઝડપથી દૂર કરવામાં આવશે. આ માટે હાલ પાંજરા મૂકી દેવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, આ પહેલીવાર નથી કે જ્યારે સિવિલ હોસ્પિટલમાં ઉંદરોનો ત્રાસ જોવા મળ્યો હોય. ગત વર્ષે પણ ઉંદરોનો સફાયો કરવા માટે હોસ્પિટલના વિવિધ વિભાગોમાં 40થી વધુ પાંજરાઓ મૂકવામાં આવ્યા હતા. એટલું જ નહીં, વર્ષ 2025ના ફેબ્રુઆરી મહિનામાં પણ ઉંદરોને પકડવા માટે ખાસ કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. આમ છતાં, ઉંદરોની સંખ્યામાં કોઈ ઘટાડો થયો હોય તેમ જણાતું નથી. વારંવાર કોન્ટ્રાક્ટ આપવા છતાં પરિસ્થિતિ 'જસે થી' હોવાને કારણે તંત્રની કામગીરી સામે સવાલો ઉઠી રહ્યા છે. હવે જોવાનું એ રહે છે કે નવો કોન્ટ્રાક્ટ આ સમસ્યાનું નિવારણ લાવે છે કે પછી આવતા વર્ષે ફરીથી આ જ પરિસ્થિતિનું પુનરાવર્તન થશે.
Read Original Article →