રાજકોટના TRP ગેમઝોન અગ્નિકાંડના બે વર્ષ પૂર્ણ:જીવ ગુમાવનારા 27 લોકોના પરિવારજનો ન્યાયની રાહમાં, તમામ આરોપી જામીન મુક્ત; બે વર્ષમાં ક્યારે શું થયું?
રાજકોટ સહિત દેશભરના લોકોને હચમચાવી મૂકનારી TRP ગેમઝોન અગ્નિકાંડને આજે બે વર્ષ પૂર્ણ થયા છે. 25 મે, 2024ની એ સાંજ જીવ ગુમાવનારા 27 લોકોના પરિવારજનો અને રાજકોટવાસીઓ ક્યારેય નહીં ભૂલી શકે. રાજકોટના નાના મવા રોડ પર આવેલા TRP ગેમઝોનમાં અચાનક લાગેલી આગ ગણતરીની મિનિટોમાં વિકરાળ બની હતી અને જોતજોતામાં 27 લોકો ભડથું ગયા હતા. ગેમઝોનમાં આનંદ માણવા આવેલા લોકો અને પરિવારજનોમાં માતમ છવાયો હતો. ઘટનાસ્થળે અને હોસ્પિટલે દૃશ્યો એવા સર્જાયા કે મૃતદેહોના પોટલા વાળીને લઈ જવા પડ્યા. હચમચાવી નાખતા આ બનાવની આજે બીજી વરસી છે. ઘટના સમયે આરોપીઓને કડકમાં કડક સજા અને પરિવારજનોને ઝડપી ન્યાયના દાવાઓ થયા. પરંતુ, આજે સ્થિતિ એ છે કે, 27 હતભાગીઓના પરિવારજનો ન્યાયની રાહમાં છે અને તમામ આરોપીઓ જામીન પર મુક્ત છે. છેલ્લા બે વર્ષ દરમિયાન આ કેસમાં શું થયું તે જાણવા અમે ભોગ બનનાર પરિવાર તરફથી કેસ લડી રહેલા વકીલ સુરેશ ફળદુ સાથે વાતચીત કરી. વેલ્ડિંગના તણખાના કારણે ગેમઝોન આગનો ગોળો બની ગયો
25 મે 2024ને શનિવારનો દિવસ. સાંજના 5.30 વાગ્યે રાજકોટ શહેરના નાના મવા રોડ પર TRP ગેમ ઝોનમાં અનેક યુવક યુવતીઓ વિવિધ ગેમ્સનો આનંદ માણી રહ્યા હતા. આ દરમિયાન પતરાંના શેડમાં ગ્રાઉન્ડ ફ્લોર પર 3 લોકો વેલ્ડિંગ કામ કરી રહ્યા હતા અને એક વ્યક્તિ તેની પાસે ખુરશી પર આરામથી બેઠી હતી. જ્યાં આ વેલ્ડિંગનું કામ ચાલતું હતું ત્યાં નજીક ટાયર પડ્યા હતા અને તેનાથી થોડે દૂર જ ફોમ શીટ પડેલી હતી. સ્નો પાર્ક બનાવવા ગ્રાઉન્ડ ફ્લોર પર વેલ્ડિંગ કામ ચાલી રહ્યું હતું. આ વેલ્ડિંગના તણખાંના ઝરે છે ને 27 જિંદગી કોલસો બની જાય છે. TRP ગેમઝોન અગ્નિકાંડને આજે બે વર્ષ પૂર્ણ થયા છે. કૂલ 27 હતભાગીના આ એવા ચહેરા છે જે આજે પણ રડાવી રહ્યા છે. તો બીજી બાજુ અગ્નિકાંડના તમામ 14 પાપીઓ જામીન પર મુક્ત થઈ ચૂક્યા છે. આ અગ્નિકાંડની જ્વાળાઓ આજે પણ મૃતકોના પરિવારોના હૃદયમાં સળગી રહી છે અને આજે પણ અનેક પરિવારોનાં આંસુ સુકાતાં નથી. આ અગ્નિકાંડમાં કોઈએ ભાઈ તો કોઈએ બહેન, કોઈએ દીકરો તો કોઈએ દીકરી, કોઈએ પતિ તો કોઈએ પિતા ગુમાવ્યા છે. તેમજ એક તો દંપતી જ અનંત યાત્રાએ ઊપડી ગયું હતું. આરોપીઓ સામે ચાર્જફ્રેમ કરાયા બાદ સાક્ષીઓને તપાસવાનું ચાલુ
આ અંગે રાજકોટ બાર એસોસિએશનના પૂર્વ ઉપ પ્રમુખ અને ભોગબનનાર વતી લડત ચલાવતા એડવોકેટ સુરેશ ફળદુએ જણાવ્યું હતું કે, રાજકોટના નાના મવા રોડ પર TRP ગેમઝોન ખાતે માનવ સર્જિત અગ્નિકાંડ 25 મે,2024ના રોજ સર્જાયો હતો. માનવ સર્જિત એટલા માટે કે અહીં ઇલલિગલ બાંધકામ છે, કોઈ ફાયર સેફટીના સાધનો નથી, ઘટના બન્યાના એક વર્ષ પહેલા પણ વેલ્ડીંગનાં કારણે આગ લાગી હતી આમ છતાં પણ તંત્રએ કોઈ કાર્યવાહી કરી નથી. ટીપી શાખાએ બાંધકામ ડિમોલિશન માટે 260(1), 260(2) નોટિસ પણ પાઠવી હોવા છતાં કોઈ કાર્યવાહી ન થતા 25 મે,2024ના રોજ દુર્ઘટના થઇ અને 27 નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા. આ કેસમાં તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થતા પોલીસે કુલ 16 આરોપી સામે ફરિયાદ દાખલ કરી હતી. જેમાં એક આરોપીનું ઘટનામાં જ મોત નિપજ્યું હતું. બાકીના 15 આરોપીની ધરપકડ કરવામાં આવી હતી જેમાં એક આરોપીનું ટ્રાયલ દરમિયાન મોત નિપજ્યું હતું. આ અગ્નિકાંડમાં 365 સાક્ષીના નિવેદન સાથેની ચાર્જશીટ 23 જુલાઈ,2024ના રોજ રાજકોટ સેશન્સ કોર્ટમાં કમિટ કરવામાં આવ્યો હતો. સ્પેશિયલ પી.પી. તુષાર ગોકાણી દ્વારા 7 નવેમ્બર,2024ના રોજ ડ્રાફ્ટ ચાર્જ પણ રજૂ કરી દેવામાં આવ્યો છે, દસ્તાવેજી પુરાવા લિસ્ટ પણ રજૂ કરેલ છે અને કેસ ઓપન કર્યો છે. આ ઉપરાંત ગુજરાતની ચાર મોટી દુર્ઘટનામાં સૌથી ઝડપી કેસ ચાર્જફ્રેમ TRP ગેમઝોન અગ્નિકાંડમાં થયો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. જેમાં 418 દિવસે એટલે કે 17 જુલાઈ,2025ના રોજ કેસ ચાર્જફ્રેમ કરવામાં આવ્યો હતો અને તમામ આરોપીઓ વિરુધ્ધ તહોમત ફરમાવી 31 જુલાઈ, 2025થી સાક્ષીઓને તપાસવાનું શરૂ કરવામાં આવ્યું હતું. ટ્રાયલ શરૂ થતા એક બાદ એક સાક્ષીને તપાસવાની કામગીરી કોર્ટમાં ચાલી રહી છે, જેમાં મહત્વપૂર્ણ કહી શકાય તેવા સરકારી હોસ્પિટલના PM કરનાર 6 પૈકી 5 તબીબોને તપાસી લેવામાં આવ્યા છે અને આગળ 12 જૂનના રોજ બાકી રહેલ તબીબનું પણ કોર્ટ સમક્ષ નિવેદન તપાસવામાં આવનાર છે. 16 આરોપીઓ સામે ફરિયાદ, એકનુ ઘટના સમયે અને બીજાનું ટ્રાયલ દરમિયાન મોત
તા.25 મે 2024ની સાંજે રાજકોટના નાના મવા રોડ પર આવેલા TRP ગેમઝોનમાં આગ લાગતાં 27 લોકોનાં મોત થયાં હતાં અને 3 જેટલા લોકોને ઇજા પહોંચી હતી, જે અંગે પોલીસે ફરિયાદી બની તાલુકા પોલીસ સ્ટેશનમાં IPC કલમ 304, 308, 337, 338, 36, 465, 466, 471, 201, 120(બી) તથા 114 મુજબ ફરિયાદ નોંધાવી હતી. આ બનાવમાં કુલ 16 આરોપી સામે ગુનો દાખલ થયો છે, જેમાં ટીઆરપી ગેમઝોનના સંચાલકો ધવલ ભરત ઠકકર (ધવલ કોર્પોરેશનના પ્રોપરાઇટર), રેસવે એન્ટરપ્રાઇઝના ભાગીદારો અશોકસિંહ જગદીશસિંહ જાડેજા, કિરીટસિંહ જગદીશસિંહ જાડેજા, પ્રકાશચંદ ક્ધહેયાલાલ હીરન, યુવરાજસિંહ હરીસિંહ સોલંકી, રાહુલ લલીતભાઇ રાઠોડ, ગેમઝોન મેનેજર નીતિન મહાવીરપ્રસાદ લોઢાજૈન, રાજકોટ મહાનગરપાલિકાના તત્કાલીન TPO મનસુખ ધનજીભાઇ સાગઠિયા, આસિસ્ટન્ટ ટીપીઓ ગૌતમ જોષી, મુકેશ મકવાણા, કાલાવડ રોડ ફાયર સ્ટેશનના ફાયર સ્ટેશન ઓફિસર રોહિત વિગોરા, ટીપી શાખાના એન્જિનિયર અને એટીપીઓ જયદીપ બાલુભાઈ ચૌધરી, રાજેશભાઇ નરશીભાઇ મકવાણા, ચીફ ફાયર ઓફિસર ઇલેશ વાલાભાઈ ખેર, ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર ભીખા જીવાભાઈ ઠેબા અને ગેમઝોન ખાતે ફેબ્રિકેશનનો કોન્ટ્રેકટ રાખનાર મહેશ અમૃત રાઠોડ સામે ગુનો નોંધાયો છે. ઉલ્લેખનીય છે કે, TRP ગેમઝોનના ભાગીદારો, સંચાલકો અને મહાનગરપાલિકા જવાબદાર અધિકારીઓ સહિતના કુલ 16 આરોપીઓ સામે ગુનો નોંધી 15 આરોપીની ધરપકડ કરી જેલ હવાલે કરવામાં આવ્યા હતા. ચાર્જશીટ થયા બાદ અદાલતમાં ટી.પી.ઓ. મનસુખ સાગઠીયા, એટીપીઓ મુકેશ રામજી મકવાણા, જયદીપ ચૌધરી, ગૌતમ દેવશંકર જોષી, ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર ઠેબા, ધવલ ઠક્કર અને નીતિન જૈન દ્વારા કેસ ચાર્જફ્રેમ થાય તે પહેલાં તહોમતમાંથી બિનતહોમત (ડિસ્ચાર્જ) કરી છોડી મુકવા અરજીઓ દાખલ કરી હતી. જેમાં સ્પેશિયલ પી.પી. તુષાર ગોકાણી દ્વારા કોર્ટ સમક્ષ તમામ સાત આરોપીઓની ડિસ્ચાર્જ અરજી શા માટે રદ કરવી જોઈએ તે અંગે દલીલો કરવામાં આવી હતી અને કેસમાં ચાર્જફ્રેમ થઈ શકે તેટલો મજબૂત પુરાવો તપાસનીશ અમલદાર દ્વારા એકઠો કરી અદાલત સમક્ષ મૂકવામાં આવ્યો છે. દલીલોના અંતે કોર્ટે સરકાર પક્ષે સ્પેશિયલ પી.પી.એ કરેલ દલીલો માન્ય ગણી 07.07.2025ના રોજ તમામ સાત આરોપીઓની ડિસ્ચાર્જ અરજી ફગાવી તમામ સામે કેસ ચલાવવા મંજૂરી આપી હતી. મેનેજર નીતિન લોઢાનું હાર્ટ એટેકથી રાજસ્થાનમાં મોત
TRP ગેમઝોનના મેનેજર નિતીન મહાવીરપ્રસાદ લોઢા (ઉ.વ.43)ને તા.21 નવેમ્બર,2025ના રોજ રાજકોટ સેશન્સ કોર્ટે જામીન મુક્ત કર્યો હતો. જામીન મુકત થતાં જ નીતિન લોઢા પોતાના વતન રાજસ્થાનના ભીમ ગામે જતો રહ્યો હતો જ્યાં 16 ડીસેમ્બર,2025ના રોજ તેને હૃદયરોગનો હુમલો આવતાં તેનું મોત નિપજ્યું હતું. TRP ગેમ ઝોનમાં તે ગ્રેવેટી નામે કાફે ચલાવતો હતો પરંતુ તપાસમાં મેનેજર તરીકે ફરજ બજાવતો હોવાનું પણ સામે આવતા પોલીસે તેની ધરપકડ કરી જેલ હવાલે કર્યો હતો.
Read Original Article →