કાળઝાળ ગરમીમાં દર્દીઓને રાહત મળશે:રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓ માટે 30થી વધુ એરકુલર મુકાયા, રોગી કલ્યાણ સમિતિનાં સભ્ય દ્વારા રજૂઆત બાદ દર્દીઓને 'ટાઢક'
રાજકોટમાં તાપમાનનો પારો સતત વધીને 45 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ચુક્યો છે. ત્યારે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં દાખલ થયેલા ગંભીર દર્દીઓની હાલત અત્યંત દયનીય અને ચિંતાજનક બની ગઈ હતી. જેને લઈને રોગી કલ્યાણ સમિતિનાં સભ્ય રાજાભાઈએ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી હતી. જેના પડઘા પડ્યા છે અને સિવિલ હોસ્પિટલનાં જુદા-જુદા વોર્ડમાં દર્દીઓની સુવિધા માટે 30થી વધુ કુલર મુકવામાં આવતા દર્દીઓને અને તેના સંબંધીઓને 'ટાઢક' થઈ છે. જોકે દરવર્ષની સરખામણીએ આ વર્ષે વિવિધ મહત્વના વોર્ડમાં કૂલર મૂકવાની પ્રક્રિયામાં વિલંબ થયો છે. પ્રાપ્ત વિગત મુજબ ભારે ગરમીને કારણે સિવિલ ખાતે પરિસ્થિતિ એટલી હદે વણસી ગઈ હતી કે છતની ઉપર લાગેલા પંખાઓ પણ ગરમ હવા જ ફેંકી રહ્યા હતા, જે પૂરતી ઠંડક આપવામાં નિષ્ફળ સાબિત થયા હતા. આ કારણે કેટલાક દર્દીઓને મજબૂરીવશ પોતાના ઘરેથી ખાનગી ટેબલ પંખા લાવવાની ફરજ પડી હતી. જ્યારે બીજી તરફ કેટલાક વોર્ડમાં દર્દીઓના સગા વ્હાલાઓ લાચાર બનીને કાગળના ટુકડા કે પ્લાસ્ટિકના પૂંઠાથી પોતાના દર્દીઓને હવા નાખતા હોવાના દ્રશ્યો પણ સામે આવ્યા હતા. જેના કારણે હોસ્પિટલ તંત્ર સામે લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. આ વિકટ પરિસ્થિતિની ગંભીરતાને હોસ્પિટલના ઉચ્ચ અધિકારીઓ સુધી પહોંચાડવા માટે રોગી કલ્યાણ સમિતિના સક્રિય સભ્ય રાજાભાઈ ચાવડાએ મહત્વની ભૂમિકા ભજવી હતી. તેમણે સિવિલ હોસ્પિટલના દર્દીઓની રૂબરૂ મુલાકાત લઈને તેમની તકલીફો જાણી હતી. ત્યારબાદ હોસ્પિટલ પ્રશાસનના મુખ્ય વહીવટી વડા અને તબીબી અધિક્ષક સમક્ષ આ અમાનવીય પરિસ્થિતિ બાબતે તાકીદે રૂબરૂ મળીને ઉગ્ર અને લેખિત રજૂઆત કરી હતી. તેમજ ઉચ્ચ કક્ષાએ પણ રજૂઆતો કરવામાં આવી હતી. રાજાભાઈ ચાવડાની આ ધારદાર અને જનહિતની રજૂઆત બાદ હોસ્પિટલના ઉચ્ચ અધિકારીઓ અને વહીવટી તંત્ર તાત્કાલિક અસરથી હરકતમાં આવ્યું હતું. તંત્ર દ્વારા 'દેર આયે દુરસ્ત આયે' ની સકારાત્મક નીતિ અપનાવીને યુદ્ધના ધોરણે અને ઈમરજન્સીના ધોરણે નવીન એર કૂલરો મુકવાની મંજૂરી આપવામાં આવી છે, એટલું જ નહીં 24 કલાકમાં જુદા-જુદા વોર્ડમાં મળીને 30 કરતા વધુ એરકુલરો ગોઠવી શરૂ કરી દેવામાં આવ્યા છે. જેમાં હોસ્પિટલમાં દર્દીઓની સૌથી વધુ ભીડ અને ગીચતા ધરાવતા તમામ મુખ્ય અને સંવેદનશીલ એવા 14 વોર્ડને પ્રાથમિકતાના ધોરણે આવરી લેવામાં આવ્યા છે. રોગી કલ્યાણ સમિતિનાં સભ્ય રાજાભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે, આ હોસ્પિટલના ઓપરેશન વિભાગ સહિતના અન્ય વોર્ડમાં ઉનાળાની ગરમીના કારણે દર્દીઓ પરેશાન થતા હતા. આ બાબતે આરોગ્ય મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયા અને સાંસદ પુરુષોત્તમ રૂપાલાને પત્ર લખીને સરકારમાં રજૂઆત કરવામાં આવી હતી. આ રજૂઆતના પગલે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં 33 જેટલા કુલર મુકવામાં આવ્યા છે. 40 થી 42 ડિગ્રી જેટલા ઊંચા તાપમાનમાં દર્દીઓને પોતાના ઘરેથી પંખા લાવવા પડતા હતા, પરંતુ હવે કુલર મુકાતા હોસ્પિટલમાં ઠંડકભર્યું વાતાવરણ ઊભું થયું છે અને દર્દીઓને મોટી રાહત મળી છે. આ ઉપરાંત હોસ્પિટલના એક્સ-રે વિભાગમાં પણ પંખાની ઘટ હોવાનું સામે આવ્યું છે. રાજાભાઈ ચાવડાએ આ અંગે જણાવ્યું હતું કે, તેઓએ પોતે એક્સ-રે વિભાગની પણ મુલાકાત લીધી હતી અને મીડિયાના માધ્યમથી પણ ત્યાં પંખા ન હોવાની વિગતો મળી હતી. આ સમસ્યાના નિવારણ માટે પણ તેઓ દ્વારા વહીવટી તંત્ર સમક્ષ રજૂઆત કરવામાં આવશે જેથી ત્યાં આવતા દર્દીઓને હાલાકી ભોગવવી ન પડે. ત્યારે ટૂંક સમયમાં એક્સરે વિભાગમાં આવતા દર્દીઓને પણ રાહત મળે તેવી શક્યતા છે. સિવિલ હોસ્પિટલમાં તમામ કૂલરોને અલગ-અલગ મહત્વના એવા સર્જરી વોર્ડ, મેડિસિન વોર્ડ, ઓર્થોપેડિક વોર્ડ તેમજ ગાયનેકોલોજી વોર્ડના ગંભીર વિભાગોમાં મિકેનિક્સની ટીમ દ્વારા તાબડતોબ ફિટ કરી દેવામાં આવ્યા છે. આ વ્યવસ્થા પાછળ સરકારના રોગી કલ્યાણ ફંડમાંથી યોગ્ય માત્રામાં રૂ. ખર્ચ કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે, જેનાથી ઓપરેશન કરાવેલા કે ગંભીર બીમારીથી પીડાતા દાખલ થયેલા દર્દીઓને હવે ઉનાળાના આકરા બફારા અને હીટવેવના જોખમ સામે પૂરતું રક્ષણ અને સાનુકૂળ વાતાવરણ મળી શકશે. આ તમામ વોર્ડમાં દાખલ દર્દીઓને કાળઝાળ ગરમીમાં મોટી રાહત મળશે.
Read Original Article →