વેરા વસુલાત શાખાનો વર્ષો જુનો સોફ્ટવેર બદલાશે:રાજકોટનાં નાગરિકો નામ ટ્રાન્સફર, ટેક્સ આકારણી, નળ કનેક્શન અને વ્યવસાય વેરાની કામગીરી ઘેરબેઠા કરી શકશે
રાજકોટ મહાનગરપાલિકાની વેરા વસુલાત શાખાનો અંદાજે 11 વર્ષ જૂનો સોફ્ટવેર બદલવા તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. આ નવો સોફ્ટવેર કાર્યરત થતા બાદ રાજકોટનાં નાગરિકો નામ ટ્રાન્સફર, ટેક્સ આકારણી, નળ કનેક્શન અને વ્યવસાય વેરાની કામગીરી ઘેરબેઠા આંગળીનાં ટેરવે કરી શકશે. જેને લઈને મનપાનાં કુલ 6 લાખ કરતા વધુ કરદાતાઓને નાના-નાના કામો કરાવવા માટે વોર્ડ ઓફીસ કે મનપા કચેરીઓના ધક્કા ખવામાંથી મુક્તિ મળશે. પ્રાપ્ત વિગત મુજબ ટેક્સ બ્રાન્ચ દ્વારા જે સોફ્ટવેરનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે તે અંદાજિત 11 વર્ષ જૂનો છે. તત્કાલીન સમયની પ્રવર્તમાન ટેકનોલોજીને ધ્યાનમાં રાખીને આ સોફ્ટવેર તૈયાર કરવામાં આવ્યો હતો, પરંતુ બદલાતા સમય અને ટેકનોલોજીના વિકાસ સાથે તેમાં જડમૂળથી ફેરફાર કરવાની આવશ્યકતા ઉભી થઈ છે. આ બાબતને લક્ષમાં રાખીને મહાનગરપાલિકા દ્વારા ટેકનોલોજીના તમામ સુધારા-વધારા સાથેનું એક નવું આયોજન હાથ ધરીને નવા સોફ્ટવેર બનાવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. ઇન્ચાર્જ આઇટી ડાયરેક્ટર સમીર ધડુકના જણાવ્યા મુજબ, અગાઉ મહાનગરપાલિકાના આઇ.ટી. વિભાગ દ્વારા વેરા વસુલાત શાખાની કામગીરીની સરળતા માટે વર્ષ 2016માં ઇન હાઉસ સોફ્ટવેર બનાવવામાં આવ્યો હતો. ત્યારબાદ વર્ષ 2018માં કાર્પેટ એરિયા આધારિત મિલકતવેરાની પદ્ધતિ અમલમાં આવતા, તેની સાથોસાથ ડિજીટલ પેમેન્ટ પર વિશેષ ભાર આપવા ઓનલાઇન વેરો ભરપાઇ કરવાની સગવડ ઉભી કરવામાં આવી હતી. જે અંતર્ગત હાલ જે સોફ્ટવેર કાર્યરત છે તે રિમોટ ડેસ્કટોપ આધારિત છે, જે માત્ર ઇન્ટરનલ નેટવર્ક (આંતરિક નેટવર્ક) માંથી જ વાપરી શકાય છે. વધુમાં તેમણે જણાવ્યું કે, સ્માર્ટ સિટી મિશનના ભાગરૂપે આ જૂની પ્રણાલીને બદલીને સોફ્ટવેરને વેબ ડેસ્કટોપ બનાવવામાં આવી રહ્યો છે. આ વેબ ડેકસ્ટોપ સિસ્ટમ કાર્યરત થયા બાદ તે બહારના નેટવર્કથી પણ સરળતાથી ઓપરેટ થઈ શકશે, જેના કારણે સિસ્ટમની કાર્યક્ષમતા અને ઝડપમાં અનેકગણો વધારો જોવા મળશે. એટલું જ નહીં જૂના સોફ્ટવેરની મર્યાદાઓના કારણે જે પ્રક્રિયા ઓનલાઇન કરવી શક્ય નહોતી, તે તમામ પ્રક્રિયાઓ હવે આ નવા આધુનિક સોફ્ટવેરમાં શક્ય બનશે. આ નવો વેબ બેઝ્ડ સોફ્ટવેર અમલી બન્યા બાદ સૌથી મોટો ફાયદો મિલકતધારકો અને અરજદારોને થશે. હાલ સેલ્ફ એસેસમેન્ટ (ટેક્સ આકારણી), મિલકતમાં નામ ટ્રાન્સફર કરાવવું અથવા તો નવું નળ કનેક્શન મેળવવું જેવી વિવિધ મહત્વની અરજીઓ કરવા નાગરિકોએ ફરજિયાતપણે મહાપાલિકાના સિવિક સેન્ટર અથવા તો જે તે વોર્ડ ઓફિસની રૂબરૂ મુલાકાત લેવી પડે છે. આ ધક્કામાંથી મુક્તિ અપાવવા નવો સોફ્ટવેર આશીર્વાદરૂપ સાબિત થશે. તમામ અરજદારો કોઈપણ સરકારી કચેરીએ ગયા વગર પોતાના ઘરે બેઠા જ આ તમામ પ્રકારની પ્રક્રિયાઓ ઓનલાઇન પદ્ધતિથી આંગળીના ટેરવે કરી શકશે. આ આધુનિક વ્યવસ્થા અંતર્ગત પ્રોફેશનલ ટેક્સ (વ્યવસાયવેરા) નું લાઇસન્સ મેળવવું, વ્યવસાયવેરાની આકારણી કરવી અને વાહન વેરા સંબંધિત જરૂરી તમામ કામગીરીઓ માટે પણ વિશેષ સગવડ ઉભી કરવામાં આવી છે. મિલકતધારકો કે ધંધાદારીઓએ પોતાના ડોક્યુમેન્ટ્સ સબમિટ કરવા માટે પણ ક્યાંય જવું નહીં પડે. તેઓ ઘરે બેઠા જ પોતાના જરૂરી તમામ દસ્તાવેજો ઓનલાઇન અપલોડ કરી શકશે. એટલું જ નહીં, આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તેમના ટેક્સના બિલ અને ખાસ નોટિસ પણ તેઓને ઘરે બેઠા જ ઓનલાઇન માધ્યમથી પ્રાપ્ત થઈ જાય તે પ્રકારની મજબૂત કમ્પ્યુટરાઈઝ્ડ વ્યવસ્થા આ સોફ્ટવેરમાં ગોઠવવામાં આવી રહી છે. હાલની વ્યવસ્થા મુજબ, મિલકત ધારકો મિલકતોની આકારણી માટે અરજી કરે ત્યારબાદ મહાપાલિકાની ટીમ દ્વારા સ્થળ તપાસ કરવામાં આવે છે અને ત્યારપછી આકારણી અધિકારી દ્વારા તે અરજીને ઓનલાઇન ઓથોરાઇઝ્ડ કરવામાં આવે છે. આ પ્રક્રિયામાં ફાઇલ વર્ક અને પેપરવર્કના કારણે લાંબો સમયગાળો પસાર થાય છે. નવા સોફ્ટવેરના આગમનથી મિલકતધારકો આકારણીની અરજી ઓનલાઇન સબમિટ કરશે અને તે અરજીના આધારે જ ઓનલાઇન ઝડપી આકારણી કરીને તેને ઓનલાઇન જ મંજૂર કરી દેવામાં આવશે, જેથી પેપરવર્કની પળોજણ જડમૂળથી નાબૂદ થશે. આવી જ રીતે, મિલકતમાં નામ ટ્રાન્સફર કરાવવા માટે અત્યારે નાગરિકોને ઝોન ઓફિસ કે સિવિક સેન્ટરના બદલે જે તે વિસ્તારની વોર્ડ ઓફિસમાં લાંબા પેપરવર્ક સાથે ધક્કા ખાવા પડે છે. પરંતુ નવા સોફ્ટવેરમાં નામ ટ્રાન્સફરની આખી પ્રક્રિયા તેમજ તેની મંજૂરી સંપૂર્ણપણે ઓનલાઇન કરી દેવામાં આવી હોવાથી પ્રજાને મોટી રાહત મળશે. નળ કનેક્શન માટેની અરજી કરવાથી માંડીને તેની આખરી મંજૂરી સુધીની તમામ વહીવટી કામગીરીઓ પણ ફેસલેસ અને પેપરલેસ ઓનલાઇન પદ્ધતિથી શરૂ થશે. આગામી અંદાજિત 3થી 6 માસમાં નવો સોફ્ટવેર સંપૂર્ણપણે અમલમાં મૂકી દેવામાં આવતા નાગરિકોની સુવિધામાં વ્યાપક વધારો થશે.
Read Original Article →