હિટ એન્ડ રનમાં 5 વર્ષના બાળકનું મોત:જેલમાં રહેલા પિતાને કોર્ટમાં તારીખ હોવાથી પુત્ર તેના ફઈ સાથે કોર્ટે ચાલીને જતો'તો, અજાણ્યો કાર ચાલક અકસ્માત સર્જી નાસી છુટયો

Gujarat4/10/2026, 2:16:46 PM
હિટ એન્ડ રનમાં 5 વર્ષના બાળકનું મોત:જેલમાં રહેલા પિતાને કોર્ટમાં તારીખ હોવાથી પુત્ર તેના ફઈ સાથે કોર્ટે ચાલીને જતો'તો, અજાણ્યો કાર ચાલક અકસ્માત સર્જી નાસી છુટયો
રાજકોટ શહેરમાં વધુ એક હિટ એન્ડ રનનો બનાવ સામે આવ્યો છે. જેલમાં રહેલા પિતાને કોર્ટમાં મુદત હોય જેથી માધાપર ચોકડી પાસે રહેતો 5 વર્ષનો બાળક તેના ફઈ સાથે પિતાને કોર્ટે મળવા માટે ચાલીને જતો હતો ત્યારે નવી કોર્ટ પાસે અજાણ્યા કાર ચાલક બાળકને અડફેટે લઇ નાસી છુટયો હતો. આ અકસ્માતમાં બાળકનું ગંભીર ઈજા થતાં મોત નિપજ્યું હતું. હાલ બનાવ અંગે પોલીસે જરૂરી કાર્યવાહી કરી અકસ્માત સર્જી નાસી છુટેલા ચાલકની શોધખોળ હાથ ધરી છે. અકસ્માત સર્જી કાર ચાલક નાસી છુટયો હતો રાજકોટમાં માધાપર ચોકડી પાસે જામનગર રોડ પર નાગેશ્વર બસ સ્ટેશન પાસે આવેલા શેઠનગરમાં રહેતો માસુમ બાળક રાજ નિતેશભાઈ વાજેલીયા આજે સવારે 11 વાગ્યા આસપાસ તેના ફઈ વસંતબેન સાથે ચાલીને જામનગર રોડ પર નવી કોર્ટે જતો હતો. ત્યારે નવી કોર્ટ વાળા રસ્તે પુરપાટ ઝડપે આવતાં અજાણ્યા કાર ચાલકે બાળકને અડફેટે લેતાં અકસ્માત સર્જાયો હતો અને અકસ્માત સર્જી કાર ચાલક નાસી છુટયો હતો. અકસ્માતના પગલે રાજને માથાના ભાગે તથા શરીરે ગંભીર ઈજા થતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો પરંતુ સારવાર મળે તે પહેલા જ તેનું મોત નિપજ્યું હતું. પિતાને મળવા ફઈ સાથે ચાલીને કોર્ટે જતો હતો ને અડફેટે લીધો બનાવ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી યુનિવર્સિટી પોલીસને જાણ કરતાં પોલીસે હોસ્પિટલ આવી જરૂરી કાર્યવાહી કરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક રાજના પિતા નિતેશભાઈ વિરૂધ્ધ ગુનો નોંધાયેલો હોવાથી હાલ તેઓ જેલમાં છે. આજે તેમની કોર્ટમાં તારીખ હોવાથી તેઓ કોર્ટે આવવાના હોવાથી રાજ તેના પિતાને મળવા ફઈ વસંતબેન સાથે ચાલીને કોર્ટે જતો હતો ત્યારે રસ્તામાં જ કાળ ભેટી જતાં પરિવારજનોમાં શોકનો માહોલ છવાઈ જવા પામ્યો છે. હાલ યુનિવર્સિટી પોલીસે અજાણ્યા કાર ચાલક વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
Read Original Article →