ફૂડમાં પ્રતિબંધિત કલર વાપરવો બે વેપારીને ભારે પડ્યો:GJ-3 ઢોસા કોર્નરના માલિકને 6 માસની સખત કેદની સજા, જય દ્વારકાધીશ હોટલની ચટણીમાં કલરની ભેળસેળથી 2 લાખનો દંડ
રાજકોટ મહાપાલિકાના ફૂડ વિભાગ દ્વારા ગ્રાહકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતા તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં લાંબા સમયથી ચાલી રહેલા કાયદાકીય કેસમાં નામદાર મ્યુનિસિપલ કોર્ટે ઐતિહાસિક ચુકાદો આપતા બે જાણીતી ખાણીપીણીની પેઢીઓના સંચાલકોને જેલની સજા અને લાખો રૂપિયાનો દંડ ફટકાર્યો છે. આ કાર્યવાહીથી ભેળસેળિયા વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. વર્ષ 2019 અને 2021માં લેવામાં આવેલા નમૂનાઓમાં જોખમી અને પ્રતિબંધિત કલરની હાજરી મળી આવતા કોર્ટે આ કડક વલણ અપનાવ્યું છે. જીજે-3 ઢોસા કોર્નરના સંચાલકને જેલ અને દંડ
પ્રાપ્ત વિગતો અનુસાર, મહાનગરપાલિકાના ફૂડ સેફ્ટી ઓફિસર કે.જે.સરવૈયાએ તા. 12 ડિસેમ્બર,2019ના રોજ નાના મવા રોડ પર અંબિકા ટાઉનશીપમાં કાર્યરત "G.J-3 ઢોસા કોર્નર" પર તપાસ હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન સાક્ષીઓની હાજરીમાં ત્યાંથી 'સાંભાર'નો નમૂનો લેવામાં આવ્યો હતો. આ નમૂનાને પૃથ્થકરણ માટે વડોદરા ખાતેની ફૂડ એન્ડ ડ્રગ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યો હતો. સાંભારને અનસેફ ફૂડ જાહેર કરવામાં આવ્યું
લેબોરેટરીના રિપોર્ટમાં ચોંકાવનારી વિગતો સામે આવી હતી. જેમાં સાંભારના નમૂનામાં કાયદાકીય રીતે સદંતર પ્રતિબંધિત એવા 'પિંક કલર નોન-પરમિટેડ - ઓઈલ સોલ્યુબલ'કલરની હાજરી મળી આવી હતી. આ કલર માનવ શરીર માટે અત્યંત જોખમી હોવાથી ફૂડ એનાલિસ્ટ દ્વારા આ નમૂનાને "અનસેફ ફૂડ" જાહેર કરવામાં આવ્યો હતો. આ રિપોર્ટના આધારે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ-2006 હેઠળ કાર્યવાહી કરીને મ્યુનિસિપલ કોર્ટમાં ફોજદારી કેસ દાખલ કરવામાં આવ્યો હતો. કોર્ટે 6 માસની સખત કેદની સજા ફટકારી
નામદાર જ્યુડિશિયલ મેજીસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ કમલેશકુમાર આર.ગાગનાણીએ તમામ દસ્તાવેજી પુરાવાઓ અને સાક્ષીઓને ધ્યાને રાખી ચુકાદો આપ્યો હતો. કોર્ટે પેઢીના માલિક રવિ મેઘાણીને કલમ-59 હેઠળ તકસીરવાન ઠરાવી 6 માસની સખત કેદની સજા અને રૂપિયા 50,000નો દંડ ફટકાર્યો છે. જો દંડની રકમ ન ભરવામાં આવે તો વધુ 2 માસની સજા ભોગવવાનો હુકમ કરવામાં આવ્યો છે. ચટણીમાં કલરની ભેળસેળ બદલ 2.50 લાખનો દંડ
બીજા એક કિસ્સામાં, યુનિવર્સિટી રોડ પર આવેલી જય દ્વારકાધીશ હોટલ સામે પણ કોર્ટે કડક પગલાં લીધા છે. ફૂડ સેફ્ટી ઓફિસર સી.ડી. વાઘેલા દ્વારા તારીખ 23 નવેમ્બર,2021ના રોજ આ હોટલમાંથી લસણ મરચાંની ચટણીનો નમૂનો લેવામાં આવ્યો હતો. લેબોરેટરી રિપોર્ટમાં આ ચટણીમાં એક નહીં પણ બે પ્રતિબંધિત કલર - પિંક અને ઓરેન્જ નોન-પરમિટેડ ઓઈલ સોલ્યુબલ ડાઈની હાજરી જોવા મળી હતી. આ કેસની સુનાવણી દરમિયાન પણ જ્યુડિશિયલ મેજીસ્ટ્રેટ કમલેશકુમાર આર.ગાગનાણીએ કડક વલણ દાખવ્યું હતું. પેઢીના માલિક કનુ બાંભવાને 6 માસની સખત કેદ અને રુપિયા 2,00,000નો માતબર દંડ ભરવા આદેશ કર્યો છે. દંડ ન ભરે તો વધુ 6 માસની જેલની સજાનો હુકમ કર્યો છે. આમ, બંને કેસ મળીને 2,50,000નો દંડ અને જેલની સજાના આદેશ કરવામાં આવ્યા છે. 31 ધંધાર્થીઓની તપાસ અને 4ને નોટિસ
કોર્ટના ચુકાદાની સાથે સાથે મહાપાલિકાનો ફૂડ વિભાગ મેદાનમાં ઉતર્યો છે. ફૂડ વિભાગની ટીમ અને FSW વાન દ્વારા શહેરના અમીન માર્ગ અને રેસકોર્સ રિંગ રોડ વિસ્તારમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ ઝુંબેશ દરમિયાન 31 ધંધાર્થીઓને ત્યાં તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન લાયસન્સ બાબતે ગેરરીતિ જણાતા 4 પેઢીઓને નોટિસ ફટકારવામાં આવી છે. જેમાં શિવ એન્ટરપ્રાઇઝ, ફૂડ અડ્ડા, જયશ્રી જામનગરી ઘૂઘરા (લાઇસન્સ મેળવવા બાબતે સૂચના) અને 9834 FRUIT TRUCK (લાઇસન્સ મેળવવા બાબતે સૂચના) આપવામાં આવી હતી. સ્થળ પર ચકાસણી અને નવા નમૂના
આ સિવાય ફૂડ વિભાગ દ્વારા અન્ય 27 પેઢીઓમાં ખાદ્યચીજોની સ્થળ પર ચકાસણી કરવામાં આવી હતી. જેમાં ન્યુ કૈલાશ ફરસાણ, જય જલારામ ફ્રૂટ, ચેતન સીઝન સ્ટોર, પાયલ પંજાબી ફૂડ, સ્વામિનારાયણ ફૂડ ઝોન, ગનીભાઈ મદ્રાસ કાફે, દિપક સેન્ડવિચ, અને સોનાલી રેસ્ટોરન્ટ જેવી પેઢીઓનો સમાવેશ થાય છે. નમુનાની કાર્યવાહી મહાનગરપાલિકાના ડેઝીગ્નેટેડ ઓફિસર દ્વારા જણાવવામાં આવ્યું છે કે આગામી દિવસોમાં પણ આ પ્રકારની ઝુંબેશ ચાલુ રહેશે. શહેરીજનોના આરોગ્યને જોખમમાં મૂકનાર કોઈપણ વેપારીને છોડવામાં આવશે નહીં. કોર્ટના આ ચુકાદાએ સાબિત કર્યું છે કે ભેળસેળના ગુનામાં માત્ર દંડ નહીં, પણ જેલની હવા પણ ખાવી પડી શકે છે. ગ્રાહકોને પણ આગ્રહ કરવામાં આવ્યો છે કે તેઓ ગુણવત્તાયુક્ત આહારનો આગ્રહ રાખે અને કોઈપણ શંકાસ્પદ ખાદ્યપદાર્થ બાબતે તંત્રને જાણ કરવા અપીલ કરવામાં આવી છે.
Read Original Article →