સ્વગણનામાં રાજકોટનો ડંકો:10,021 લોકોએ સ્વગણના કરતા રાજ્યમાં બીજો ક્રમ, ડબલિંગના કારણે પોરબંદર-મુઝફ્ફરપુર ટ્રેન 8 સ્ટેશન પર નહીં ઊભી રહે
જનગણના-2027 અંતર્ગત સરકાર દ્વારા સ્વગણના કરવા અપીલ કરવામાં આવી છે. રાજકોટમાં છેલ્લા કેટલાક દિવસોમાં 10,021 લોકોએ સ્વગણના કરી લેતા સમગ્ર રાજ્યમાં બીજો ક્રમ મેળવ્યો છે. કલેકટર ડૉ. ઓમ પ્રકાશે જણાવ્યું હતું કે, જિલ્લામાં અત્યાર સુધીમાં 10021 લોકોએ સેલ્ફ એન્યુમરેશન કર્યું છે. રાજ્યમાં અમદાવાદ પ્રથમ તો રાજકોટ બીજા ક્રમે છે. મીડિયા મિત્રોનો ખૂબ જ આભાર કે તેમને ઘર ઘર સુધી આ માહિતી પહોંચાડી છે. રાજકોટ શહેરના નગરજનોને અપીલ છે કે, વધુમાં વધુ લોકો સેલ્ફ એન્યુમરેશન કરાવે અને રાષ્ટ્રીય કામગીરીમાં સહભાગી બને. લોકો https://se.census.gov.in પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરાવી સેલ્ફ એન્યુમરેશન કરાવે અને H થી શરૂ થતો 16 અંકનો આઇડી નંબર સાચવી રાખે. રાજકોટમાં ડિઝાસ્ટર કંટ્રોલરૂમ 24 કલાક કાર્યરત
કલેકટર ડૉ. ઓમ પ્રકાશે જણાવ્યું હતું કે, આગામી મોન્સુનને ધ્યાનમાં રાખીને તમામ ફિલ્ડ ઓફિસરોને સૂચના આપવામાં આવી છે. જેટલી પણ પ્રિ-મોન્સૂન કામગીરી છે તેની રિ વિઝિટ કરી લેવી. હાલ ડિઝાસ્ટર કંટ્રોલરૂમ 24 કલાક કાર્યરત છે. આ ઉપરાંત ડિઝાસ્ટર માટેના જે સાધનો છે તેને અદ્યતન કરવા, રિપેરિંગ કરવા અને અને સારી પરિસ્થિતિમાં લાવવા માટે સૂચના આપવામાં આવી છે. આ સાથે જ જોખમી બિલ્ડિંગોને નોટિસ આપવાની સૂચના અપાઈ છે. આ ઉપરાંત જે બિલ્ડીંગમાં રહી શકાય તેમ ન હોય ત્યાંથી લોકોને બહાર કાઢી તે બિલ્ડીંગ ખાલી કરવામાં આવશે. રેલવે ડબલિંગના કારણે પોરબંદર-મુઝફ્ફરપુર ટ્રેન 8 સ્ટેશન પર નહીં ઊભી રહે
પૂર્વોત્તર રેલવેના વારાણસી ડિવિઝન ઉનૌલા-પિપરાઈચ સેક્શન વચ્ચે પેચ ડબલિંગ અને નોન-ઇન્ટરલોકિંગ બ્લોકની કામગીરીને કારણે રાજકોટ ડિવિઝન પરથી પસાર થતી કેટલીક ટ્રેનોના રૂટમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જેમાં ગાડી સંખ્યા 19269 પોરબંદર-મુઝફ્ફરપુર એક્સપ્રેસ 5 જૂન, 2026 ના રોજ તેના નિયત માર્ગના બદલે ગોરખપુર-ભટની-છપરા ગ્રામીણ-મુઝફ્ફરપુર થઈને ચાલશે. સિસવા બજાર, બગહા, નરકટિયાગંજ, બેતિયા, સુગૌલી, બાપુધામ મોતિહારી, ચકિયા અને મેહસી સ્ટેશનો પર ઊભી નહીં રહે. તો ટ્રેન નંબર 19270 મુઝફ્ફરપુર-પોરબંદર એક્સપ્રેસ 24 મે, 31 મે, 1 જૂન, 7 જૂન અને 8 જૂન, 2026 ના રોજ ડાયવર્ટ કરાયેલા માર્ગ મુઝફ્ફરપુર-છપરા ગ્રામીણ-ભટની-ગોરખપુર થઈને દોડશે. જેના કારણે આ ટ્રેન પણ મેહસી, ચકિયા, બાપુધામ મોતિહારી, સુગૌલી, બેતિયા, નરકટિયાગંજ, બગહા અને સિસવા બજાર સ્ટેશનો પર ઊભી નહીં રહે. રેલવે પ્રવાસીઓને પ્રવાસ શરૂ કરતા પહેલાં અદ્યતન વિગતો માટે સત્તાવાર વેબસાઇટની મુલાકાત લેવા વિનંતી કરાઈ છે. સિવિલમાં કોન્ટ્રાક્ટ કર્મીઓને એપ્રોન પહેરવા સૂચના
સિવિલ હોસ્પિટલના અધિક્ષક ડો. મોનાલી માકડીયાએ આજે હોસ્પિટલમાં સરપ્રાઈઝ વિઝીટ હાથ ધરી વોર્ડમાં સ્ટાફને જરૂરી સૂચનો કર્યા હતા. એમ. જે. સોલંકી એજન્સીના એચઆર મેનેજરને પણ સૂચન કર્યું હતું કે, દરેક કોન્ટ્રાક્ટ બેઝ કર્મચારી ફરજ પર યુનિફોર્મ અને આઈ કાર્ડ સાથે જ હાજર રહે. આ સૂચન બાદ એજન્સીના એચઆર ભાવનાબેન દ્વારા વોટ્સઅપ ગ્રુપમાં મેસેજ મૂકીને કર્મચારીઓને સીધી ચીમકી આપવામાં આવી છે કે, આવતીકાલથી અધિકારીઓના રાઉન્ડ દરમિયાન જે કર્મચારીએ આઈકાર્ડ અને એપ્રોન નહીં પહેર્યું હોય, તેનો તે દિવસનો પગાર કાપી લેવામાં આવશે. આઉટસોર્સિંગ કર્મચારીઓમાં આ કડક સૂચનાને લઈને ભારે રોષ વ્યાપી ગયો છે. યુનિફોર્મ જેવા મુદ્દે સીધો પગાર કાપી લેવાની ચીમકી અપાતા કર્મચારીઓની હાલત કફોડી બની છે. કર્મચારીઓએ ચીમકી ઉચ્ચારી છે કે જો આ રીતે પગાર કાપવામાં આવશે તો તેઓ આગામી સમયમાં પોતાનો ઉગ્ર વિરોધ કરશે. વસ્તી ગણતરી તાલીમમાં નહીં જોડાનારા મનપા કર્મચારીઓને નોટીસ
વસ્તી ગણતરીની કામગીરી માટે મહાનગરપાલિકા સહિતની કચેરીઓના સ્ટાફ માટેનો 3 દિવસનો પ્રથમ તબક્કાનો તાલીમ કાર્યક્રમ પૂર્ણ થયો છે. સોમવારથી બુધવાર દરમિયાન શહેરના ત્રણેય ઝોનમાં યોજાયેલી આ તાલીમમાં મનપાના આશરે 4000 કર્મચારીઓને જોડાવા માટે હુકમ કરવામાં આવ્યો હતો. જોકે, આ ફરજિયાત અને આવશ્યક કામગીરીની તાલીમમાં મનપાના સંખ્યાબંધ કર્મચારીઓ ગેરહાજર રહ્યા હતા. તાલીમમાં ગેરહાજર રહેલા કર્મચારીઓનો રિપોર્ટ કમિશનર વિભાગમાં રજૂ કરાયા બાદ ઉચ્ચ અધિકારીઓની સૂચનાથી આવા કર્મચારીઓને નોટિસ ફટકારી ખુલાસો પૂછવામાં આવતા ફફડાટ ફેલાયો છે. વસ્તી ગણતરીની કામગીરીમાં નહીં જોડાનાર કર્મચારી માટે રૂ. 300ના દંડથી લઈને 3 વર્ષની સજાની જોગવાઈ છે. આગામી 1 તારીખથી શરૂ થનારા ડોર-ટુ-ડોર અભિયાન પહેલા તાલીમનો વધુ એક તબક્કો યોજાશે, જેમાં સૂચનાનો અમલ નકરનારા કર્મચારીઓ અને અધિકારીઓ સામે કડક પગલાં લેવામાં આવશે. 11 તાલુકા પંચાયતોમાં સુકાનીઓની ચૂંટણી શનિવારે
રાજકોટ જિલ્લાની તમામ 11 તાલુકા પંચાયતોમાં સુકાનીઓની ચૂંટણી આગામી 23 શનિવારના રોજ યોજાનાર છે, જે પૂર્વે આવતીકાલે ભાજપ દ્વારા નવા હોદ્દેદારોના નામોની સત્તાવાર જાહેરાત કરવામાં આવશે. જિલ્લાની તમામ 11 તાલુકા પંચાયતોમાં ભાજપનો વિજય થયો હોવાથી તમામ સ્થાનો પર ભાજપના જ સુકાનીઓ બિનહરીફ ચૂંટાય તેવી પ્રબળ શક્યતા છે. આવતીકાલે સવારે જિલ્લા પ્રભારી દ્વારા પક્ષના સંબંધીત સભ્યોને નામોના સંદેશા મોકલવામાં આવશે, જેના આધારે ઉમેદવારો પ્રમુખ અને ઉપપ્રમુખ પદ માટે પોતાના ફોર્મ ભરશે. હાલ રાજકીય વર્તુળોમાં સંભવિત નામોને લઈને ભારે ઉત્તેજના પ્રવર્તી રહી છે અને અંતિમ ઘડીનું લોબિંગ પણ તેજ બન્યું છે. ખાસ કરીને રાજકોટ તાલુકા પંચાયતની વાત કરીએ તો,.પ્રમુખ પદ અનુસૂચિત જાતિ સ્ત્રી માટે અનામત રાખવામાં આવ્યું છે. હાલમાં પંચાયતની કુલ 22 બેઠકોમાંથી આ શ્રેણીના 2 મહિલા ઉમેદવારો ચૂંટાયેલા છે, જેમાં સણોસરા બેઠક પરથી પ્રીતિબેન ચૌહાણ અને પરાપીપળીયા બેઠક પરથી વિદ્યાબેન દાફડાનો સમાવેશ થાય છે. નિયમ અનુસાર આ બે મહિલાઓમાંથી જ કોઈ એકની પ્રમુખ પદે નિયુક્તિ થવાનું નિશ્ચિત છે. શનિવારે યોજાનારી પ્રથમ સામાન્ય સભામાં હોદ્દેદારોની ચૂંટણી પૂર્વે ફોર્મ ભરવાની પ્રક્રિયા હાથ ધરાશે, જેથી આવતીકાલે પ્રમુખ ઉપરાંત ઉપપ્રમુખ અને કારોબારી ચેરમેનના નામો પણ જાહેર થઈ જશે.
Read Original Article →