વસ્તી ગણતરી કરવા ન ગયા તો 3 વર્ષની સજા થશે:રાજકોટમાં 1 થી 30 જૂન જનગણના, 7,375 કર્મચારીઓને ફરજ સોંપાઈ
રાજકોટ શહેર અને જિલ્લામાં 1 થી 30 જૂન વસ્તી ગણતરી થવાની છે ત્યારે તેમાં 7,375 કર્મચારીઓ ફરજ બજાવવાના છે. જેમાં રાજકોટ શહેરના 18 વોર્ડની વસ્તી ગણતરી 4200 કર્મચારીઓ કરશે તો ગ્રામ્યમાં 3,175 કર્મીઓ ફરજ બનાવવાના છે. પ્રથમ તબક્કામાં ઘર ગણતરી થશે. જે માટેની ટ્રેનિંગ શરૂ થઈ ચૂકી છે અને મુક્તિ માટેની અરજીઓ પણ આવવા લાગી છે. આ દરમિયાન વસ્તી ગણતરીની કામગીરીમાં ગેરહાજર રહેનારાને 3 વર્ષની જેલની સજા અને ચોક્કસ રકમના દંડની જોગવાઈ કરવામાં આવી છે. રાજકોટ મહાનગરપાલિકાના ચૂંટણી વિભાગના અધિકારી પ્રણય પંચાલે દિવ્ય ભાસ્કર ડિજિટલને જણાવ્યું હતું કે, અત્યારસુધીમાં વસ્તી ગણતરી માટે 4200 કર્મચારીઓના ઓર્ડર કરવામાં આવ્યા છે. જેમાં કુલ 18 વોર્ડમાં 18 ચાર્જ અધિકારીઓ ફરજ સોંપવામાં આવી છે. મહાનગરપાલિકામાં 1 થી 30 જૂનનો ફર્સ્ટ ફેઇઝ છે તેમાં તમામ 18 વોર્ડમાં પેરેલલ કામગીરી શરૂ કરવામાં આવશે. જે માટેની ટ્રેનિંગ 15 મે થી શરૂ થશે. જેમાં સુપરવાઇઝર અને ફિલ્ડ ટ્રેનર હોય છે. જે દરમિયાન ગેરહાજર રહેનારા કર્મચારીઓને નોટિસ આપવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. તે કર્મચારીઓ ચાર્જ ઓફિસરને રિસ્પોન્ડ નથી કરતા અથવા તો હાજર નથી રહેતા કે પોતાની વિગતો નથી આપતા તેઓની સામે સેન્સસ એક્ટ 948 ની કલમ 4,5,6,7 અને 11 મૂજબ તેમજ સેન્સસ 99 અને ભારતીય ન્યાય સંહિતાની કલમ 222 અને 223 મૂજબ કાર્યવાહી કરવાની પૂરેપૂરી તૈયારી છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, એન્યુમરેટર સુપરવાઇઝર ચાર્જ ઓફિસ ખાતે હાજર રહેતા નથી અને ગોળ ગોળ જવાબ આપે છે અને ખોટા દવાઓ કરીને મુક્તિ મેળવવા માટેની રજૂઆતો કરે છે તો કલમ 11 મુજબ ત્રણ વર્ષની જેલની સજા થવાની સંભાવના છે તેમજ ચોક્કસ રકમનો દંડ પણ ભરવાનો હોય છે. જ્યારે રાજકોટ જિલ્લામાં તાલુકા, જિલ્લા પંચાયત અને નગરપાલિકામાં 2711 ગણતરીદારો છે. જ્યારે 446 સુપરવાઇઝર મળી કુલ 3157 કર્મચારીઓ જનગણનામાં જોડાશે. આ ઉપરાંત 18 ચાર્જ અધિકારીઓ હશે. જેમાં મામલતદાર અને નગરપાલિકાના ચીફ ઓફિસર ચાર્જ અધિકારી તરીકે ફરજ બજાવશે. જેમાં ચાર્જ ઓફિસરની હેઠળ સુપરવાઈઝર અને એક સુપરવાઈઝર હેઠળ 4 થી 5 એન્યુમરેટર્સ ફરજ પર રહેશે. 17 મે થી સેલ્ફ એન્યુમરેશન થશે. જેથી લોકો ઘરે બેઠા વસ્તી ગણતરીમાં પોતાનું નામ નોંધાવી શકશે. ગુજરાતમાં 17 મે, 2026 થી ડિજિટલ વસ્તી ગણતરી અંતર્ગત સેલ્ફ-એન્યુમરેશન પોર્ટલ શરૂ થવા જઈ રહ્યું છે. આ પ્રથમ વખત છે જ્યારે વસ્તી ગણતરી માટે ડિજિટલ પ્લેટફોર્મનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. જેમાં સેલ્ફ-એન્યુમરેશન 17 થી 31 મે સુધી થશે. જે માટે વેબસાઈટ https://se.census.gov.in પર નાગરિકો પોતાની વિગતો ઓનલાઈન ભરી શકશે.
આ સુવિધા 16 વિવિધ ભાષાઓમાં ઉપલબ્ધ હશે. જ્યારે ડોર-ટુ-ડોર સર્વેમાં 1 થી 30 જૂન દરમિયાન ગણતરીકારો ઘરે-ઘરે જઈને માહિતી એકત્રિત કરશે. કઈ માહિતી આપવાની રહેશે?
આવાસની વિગતો (મકાનનું મટિરિયલ, માલિકી, પાણી, શૌચાલય, ગેસ કનેક્શન), અસ્કયામતો (ટીવી, લેપટોપ, વાહન, ઈન્ટરનેટ) અને વ્યક્તિગત વિગતો (ઉંમર, શિક્ષણ, વ્યવસાય, ધર્મ, માતૃભાષા) વગેરે ૩૩ મહત્વપૂર્ણ પ્રશ્નો પૂછવામાં આવશે. નોંધ: બેંક બેલેન્સ, કમાણી કે આધાર/PAN કાર્ડ બતાવવાની જરૂર નથી. ડેટા સુરક્ષિત રાખવામાં આવશે. રાજકોટની સરકારી ઇજનેરી કોલેજના તમામ અધ્યાપકોને વસ્તી ગણતરીનો ઓર્ડર મળતા વિદ્યાર્થીઓનો અભ્યાસ રામ ભરોસે વસ્તી ગણતરી-2027ની કામગીરી અંતર્ગત રાજ્કોટ મહાનગર પાલિકા દ્વારા રાજકોટની સરકારી ઇજનેરી કોલેજોના તમામ ક્લાસ –1 અને ક્લાસ – 2 ના પ્રોફેસર અને રીસર્ચર કક્ષાના તમામ અધ્યાપકોને સુપરવાઇઝર તરીકે નિયુક્ત કરવામાં આવતા ટેકનિકલ શિક્ષણના નિયમિત શૈક્ષણિક કાર્ય પર પ્રતિકૂળ અસર થવાની ગંભીર ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. આ મુદ્દે ગુજરાત રાજ્ય, GECTGOA તથા અન્ય સંબંધિત અધ્યાપક મંડળો દ્વારા સત્તાધિકારીઓ સમક્ષ રજૂઆતો કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. આ ઉપરાંત રાજકોટની અગ્રણી સંસ્થા સરકારી ઇજનેરી કોલેજમાં BE, અને ME સહિતના વિવિધ અભ્યાસક્રમોમાં 3000થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. જેથી અધ્યાપક મંડળો દ્વારા સહાનુભૂતિપૂર્વક પુનર્વિચાર કરી વસ્તી ગણતરી-2027ની કામગીરીમાંથી સરકારી ઇજનેરી કોલેજોના અધ્યાપકોને બાકાત રાખવા તથા જારી કરાયેલા નિમણૂક આદેશો અંગે પુનર્વિચાર કરવાની માંગ કરવામા આવી છે. અધ્યાપક મંડળોએ સ્પષ્ટ કર્યું છે કે અધ્યાપક સમાજ રાષ્ટ્રીય ફરજો પ્રત્યે સંપૂર્ણ માન અને સહકાર ધરાવે છે પરંતુ વિદ્યાર્થીઓના અભ્યાસ, ટેકનિકલ શિક્ષણની ગુણવત્તા તથા શૈક્ષણિક વ્યવસ્થાના હિતોને પ્રાથમિકતા આપવામાં આવે તો તે વિદ્યાર્થીઓ, સંસ્થાઓ અને સમગ્ર રાજ્યના ટેકનિકલ શિક્ષણ માટે વધુ હિતાવહ સાબિત થશે.
Read Original Article →