લૂંટના કુખ્યાત ઈનામી બે આરોપીને રાજકોટ રેન્જની ટીમે ઝડપી પાડ્યા:સેલ્ફ ડ્રાઇવ પર કાર ભાડે લઇ છેતરપિંડી આચરતો અમીર વોરા પાસામાં ધકેલાયો, બાઈક સ્લીપ થતા બે બહેનના એકના એક ભાઈનું મોત

Gujarat4/4/2026, 3:28:48 PM
લૂંટના કુખ્યાત ઈનામી બે આરોપીને રાજકોટ રેન્જની ટીમે ઝડપી પાડ્યા:સેલ્ફ ડ્રાઇવ પર કાર ભાડે લઇ છેતરપિંડી આચરતો અમીર વોરા પાસામાં ધકેલાયો, બાઈક સ્લીપ થતા બે બહેનના એકના એક ભાઈનું મોત
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેરાત બાદ રાજકોટમાં કુખ્યાત શખ્સો વિરુધ્ધ પાસા કરવાની શરૂઆત થઇ ચુકી છે. જેમાં આણંદના સોજીત્રા તાલુકાના વતની આમિર અસલમભાઈ વોરા (ઉ.વ.32) વિરુદ્ધ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા પાસાની દરખાસ્ત તૈયાર કરવામાં આવી હતી જે દરખાસ્ત પર પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝાએ મંજૂરી આપી આરોપી વિરુદ્ધ પાસાનું વોરંટ ઇશ્યૂ કર્યું હતું. ક્રાઈમ બ્રાન્ચની ટીમે વોરંટની બજવણી કરી આરોપી આમીર વોરાને પાસા હેઠળ જામનગર જેલહવાલે કર્યો છે. સેલ્ફ ડ્રાઈવથી કાર ભાડે મેળવી વાહન બરોબર વેચી દઇ છેતરપિંડી આચરવાના ગુનાઓમાં માસ્ટર આમિર સામે અગાઉ રાજકોટના ગાંધીગ્રામ માલવિયાનગર, તાલુકા, પોલીસ સ્ટેશન તેમજ ખેડા વડોદરા અમદાવાદ ગ્રામ્યના બાવળા અને સોજીત્રા પોલીસ સ્ટેશનમાં છેતરપિંડી સહિતના ગુના નોંધાઈ ચૂક્યા છે. બાઈક સ્લીપ થતા બે બહેનના એકના એક ભાઈનું મોત જગદીશ કેશવભાઈ બામણીયા (ઉં.વ.28) ગઈકાલે બપોરે 2 વાગ્યા આસપાસ વાડીએથી ગામમાં દૂધ લેવા જતો હતો દરમિયાન વાડી વિસ્તારના રસ્તા પર અચાનક બાઈક પરથી કાબૂ ગુમાવતા બાઈક સ્લીપ થઈ ગયું હતું જેથી જગદીશને ગંભીર ઈજા થતા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો અહીં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. જગદીશ મૂળ મધ્યપ્રદેશનો વતની હતો અને ઢોકળીયા ગામે મગનભાઈની વાડીએ રહી ખેતી મજૂરી કરતો હતો. તે બે બહેનોનો એકનો એક ભાઈ હતો અને તેને સંતાનમાં એક દીકરો અને એક દીકરી છે જેને પિતાની છત્રછાયા ગુમાવતા પરિવારમાં શોક છવાયો હતો. બનાવ અંગે જાણ થતા પડધરી પોલીસે મૃતદેહ પોસમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે. જામનગરની લૂંટના કુખ્યાત ઈનામી આરોપીને રાજકોટ રેન્જની ટીમે ઝડપી પાડ્યો જામનગર પોલીસ અધિક્ષક દ્રારા નાસ્તા ફરતા આરોપીઓ પર ઇનામ જાહેર કર્યું હોય તેવા આરોપીઓને ઝડપી પાડવા ટિમ તપાસમાં હતી દરમિયાન રાજકોટ રેન્જના પીઆઈ રોહન બારની ટીમે હ્યુમનસોર્સ તથા ટેકનીકલ એનાલીસીસ કરી ચોક્કસ બાતમીના આધારે જામનગરના પંચચકોશી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી રૂ.8.50 લાખની લૂંટના ગુનામાં પાંચ વર્ષથી ફરાર રૂ.10 હજારનો ઇનામી આરોપી ભુવાનસીંગ રાયસીંગ વસુનીયાને દાહોદ હાઇવે રાબડાલ બસસ્ટેશન નજીકથી પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. લુંટના ગુન્હામાં 16 વર્ષથી નાસ્તો ફરતો આરોપી ઝડપાયો રાજકોટ રેન્જના જિલ્લાઓમાં નાસતા-ફરતા આરોપીઓ પૈકી 29 આરોપીઓને ઝડપી પાડવા માટે ઇનામ જાહેર કરવામાં આવ્યા છે. રાજકોટ રેન્જના પીઆઇ રોહન બારની ટિમ તપાસમાં હતી દરમિયાન હ્યુમનસોર્સ તથા ટેકનીકલ એનાલીસીસ મદદથી મળેલ બાતમી આધારે રૂ.8000ના ઇનામી મોરબી જિલ્લાના ટંકારા પોલીસ સ્ટેશનના અતી ચકચારી એસ.ટી.બસમાં બેઠેલ આંગળીયા કર્મચારીઓના અંદાજે એક કરોડ જેટલા મુદ્દામાલના થેલાઓની લુંટ કેસમાં છેલ્લા 16 વર્ષથી નાસતા-ફરતા અને તાજીયા ગેંગના સાગ્રીત આરોપી રૂપેશકુમાર ઉર્ફે ટીનપાલ ચૌહાણ બીહારથી પકડી પાડી કાયદેસરની કાર્યવાહી માટે મોરબી જિલ્લાના ટંકારા પોલીસને સોંપવામાં આવ્યો છે. પરિણીતાનો ગળેફાંસો ખાઈ આપઘાત મીનાબેન ઉર્ફે મુકતાબેન કેશુભાઇ હરણેશા (ઉ.વ.54) ગઈકાલે સાંજે 7.30 વાગ્યાં આસપાસ પોતાના ઘરે હતા ત્યારે ગળાફાંસો ખાઇ લીધો હતો. પરિવારજનોને જાણ થતા ગળાફાંસો ખાધેલી હાલતમાં ટીંગાતા મીનાબેનને નીચે ઉતારી 108માં ફોન કર્યો હતો. 108ના ઇએમટી પુનમબેન પુરોહીતે સ્થળ ઉપર જ જોઈ તપાસીને મીનાબેનને મૃત જાહેર કર્યા હતા અને રાજકોટ તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે જરૂરી કાગળ કાર્યવાહી કરી મૃતદેહને પોસમોર્ટમ અર્થે ખસેડ્યો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં મીનાબેનને સંતાનમાં એક દીકરો અને એક દીકરી હોવાનું અને પતિ ફર્નિચરનું મિસ્ત્રી કામ કરતા હોવાનું સામે આવ્યું છે. આપઘાતના કારણથી પરિવાર અજાણ હોવાથી પોલીસે ચોક્કસ કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે. દુષ્કર્મના ગુનામાં મદદગારી કરનાર ચોટીલાનો શખ્સ ઝડપાયો રાજકોટ શહેર પેરોલ ફર્લો સ્કોડના પીઆઈ કે કે ગોહિલની ટિમ તપાસમાં હતી દરમિયાન તા.27.10.2024ના રોજ માલવિયાનગર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ દુષ્કર્મ અને અપરણના ગુનામાં છેલ્લા દોઢ વર્ષથી ફરાર આરોપી વહતાભાઈ વસાભાઈ શિયાળીયા (ઉ.વ.55)ને ચોટીલા ખાતેથી પકડી પાડી માલવિયાનગર પોલીસના સોંપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. રામનાથપરામાં મુંબઈથી આવેલા બંગાળી કારીગરે ઝેરી દવા પીધી અબ્દુલ અલી શેખ (ઉં.વ.27) ગઈકાલે સાંજે 5 વાગ્યે પોતાના મોટાભાઈ દાનિશના ઘરે હતો ત્યારે ઝેરી દવા પી જતા રાજકોટ સિવિલમાં દાખલ કરાયો હતો. દાનિશ રાજકોટમાં ઘરેણાં ઘડવાનું કામ કરે છે. તેઓ મૂળ પશ્ચિમ બંગાળ કોલકાતાના વતની છે. તેનો ભાઈ અબ્દુલ મુંબઈમાં રહેતો અને ત્યાં કામ કરતો હતો. અબ્દુલે થોડા દિવસ પહેલા દાનિશને ફોન કરી રાજકોટ રોકાવવા આવે છે તેવી જાણ કરી હતી અને ત્રણ દિવસ પહેલા રાજકોટ આવ્યો હતો. ગઈકાલે કોઈ સાથે રાજકોટમાં ફરવા જવાનું કહી રહ્યો હતો જો કે ફરવા જાય એ પહેલા આ પગલું ભરી લીધું હતું જો કે આપઘાતનો પ્રયાસ શા માટે કર્યો તેની જાણ ન હોવાથી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
Read Original Article →