રાજકોટ બસપોર્ટમાં એસટી હડફેટે 2 ઇજાગ્રસ્ત:મુન્દ્રાથી આવતી બસને પ્લેટફોર્મ નંબર 9 પર પાર્ક કરતા ડ્રાઈવરથી બ્રેક મોડી લાગતા અકસ્માત સર્જાયો

Gujarat6/6/2026, 11:00:59 AM
રાજકોટ બસપોર્ટમાં એસટી હડફેટે 2 ઇજાગ્રસ્ત:મુન્દ્રાથી આવતી બસને પ્લેટફોર્મ નંબર 9 પર પાર્ક કરતા ડ્રાઈવરથી બ્રેક મોડી લાગતા અકસ્માત સર્જાયો
રાજકોટમાં એસટી બસના ચાલકની ગંભીર બેદરકારી સામે આવી છે. અહીં મુન્દ્રાથી રાજકોટ રૂટની એસટી બસ આજે 6 જૂનના વહેલી સવારે બસપોર્ટ પર પહોંચી ત્યારે પ્લેટફોર્મ પર પાર્ક કરતા સમયે ડ્રાઇવરે સમયસર બ્રેક ન લગાવતા બે મુસાફર હડફેટે આવી ગયા હતા. જેથી 14 વર્ષીય મુસાફરને પગમાં ફ્રેક્ચર આવ્યું હતું અને અન્ય મુસાફરને સામાન્ય ઇજા પહોંચી હતી. ડ્રાઇવરની બેદરકારી બદલ શહેરના એ ડિવિઝન પોલીસ મથકમાં મુસાફર દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી છે જેના પગલે હવે ભુજના મુન્દ્રા ડેપો દ્વારા આ બસ ડ્રાઈવર સામે કાર્યવાહી કરવામાં આવશે. એસટી બસ ચલાવતો આ ડ્રાઇવર નવો જ હોવાનું સામે આવ્યું છે. રાજકોટ એસટી બસ સ્ટેન્ડના ડેપો મેનેજર ઘનશ્યામ ચગે જણાવ્યું હતું કે, મુન્દ્રા - રાજકોટ રૂટની GJ18 ZT 1011 આજે 6 જૂનના સવારે 5.45 વાગ્યે રાજકોટ બસપોર્ટ પર પહોંચી હતી. આ બસ પ્લેટફોર્મ નંબર 9 પર ઉભી રહેવાની હતી. જોકે બસના ડ્રાઇવર દ્વારા સમયસર બ્રેક લગાવવામાં ન આવતા બસ પ્લેટફોર્મ સુધી પહોંચી ગઈ અને તેના કારણે રેલીંગ તૂટી ગઈ હતી. જે દરમિયાન પ્લેટફોર્મ પર બસની રાહ જોઈને ઉભેલા બે મુસાફર હડફેટે આવી ગયા હતા. જેથી બંનેને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જે દરમિયાન એક 14 વર્ષીય મુસાફર ઉમિત મહેશભાઈ સોલંકીને પગમાં ફ્રેકચર થયું હોવાનું તબીબોએ જાહેર કર્યું હતું. જ્યારે અન્ય મુસાફર ધાર્મિક સોલંકીને સામાન્ય ઇજા પહોંચી હતી. જેથી ઇજાગ્રસ્ત દ્વારા શહેરના એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ડ્રાઈવર પ્રદ્યુમન એમ. વરુ સામે ફરિયાદ નોંધાવી છે. અકસ્માત બાબતો રીપોર્ટ રાજકોટ ડેપો દ્વારા મુન્દ્રા ડેપો ને મોકલી આપવામાં આવ્યો છે અને હવે મુન્દ્રા ડેપો દ્વારા આ ડ્રાઇવર સામે એકશન લેવામાં આવશે.
Read Original Article →