રાજકોટ ભાજપમાં ડેમેજ કંટ્રોલના પ્રયાસો કરાયા:છેલ્લી ઘડીએ કપાયેલા શૈલેષ જાની સહીત ડઝનેક નારાજ કાર્યકર્તાને સાંભળી અસંતોષ ખાળવા પ્રદેશ પ્રમુખની કસરત

Gujarat4/12/2026, 9:12:06 AM
રાજકોટ ભાજપમાં ડેમેજ કંટ્રોલના પ્રયાસો કરાયા:છેલ્લી ઘડીએ કપાયેલા શૈલેષ જાની સહીત ડઝનેક નારાજ કાર્યકર્તાને સાંભળી અસંતોષ ખાળવા પ્રદેશ પ્રમુખની કસરત
રાજકોટ મહાનગર પાલિકાના 72 ઉમેદવારોના નામની યાદી જાહેર થતા શહેર ભાજપના કાર્યકર્તા આગેવાનોમાં નારાજગી જોવા મળી હતી અને છેલ્લી ઘડીએ ફોર્મ ભરવા પૂર્વે શૈલેષ જાનીના બદલે નેહલ શુકલા ને મેન્ડેડ આપી દેવામાં આવતા નારાજ થયેલા શૈલેષ જાની સહીત એક ડઝન જેટલા કાર્યકર્તાઓને મળી ખુદ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા દ્વારા અસંતોષ ખાળવા પ્રયાસ કર્યો હતો. રાજકોટ શહેર પ્રમુખ ડો.માધવ દવેના નિવાસ્થાને તમામ નારાજ કાર્યકર્તાને બોલાવી આશ્વાસન આપવામાં આવ્યું હતું અને પાર્ટી તેમની રજુઆત આગામી સમયમાં પણ ધ્યાનમાં લેશે તેવો દિલાસો આપવામાં આવ્યો હતો. પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા આજે રાજકોટની મુલાકાતે આવી પહોંચ્યા છે જ્યાં આજે સવારે રેસકોર્સ બહુમાળી ભવન ખાતે જનસેવા સંકલ્પ સભા સંબોધન બાદ તેઓ શહેર અધ્યક્ષ ડો.માધવ દવેના નિવાસ્થાને પહોંચ્યા હતા જ્યાં તેમને ટિકિટ ફાળવણી બાદ નારાજ થયેલા કાર્યકર્તાને બોલાવ્યા હતા અને તેમની સાથે ચાય પે ચર્ચા કરી હતી અને અસંતોષ ખાળવા પ્રયાસ કર્યો હતો. રાજકોટ શહેર ભાજપ પ્રમુખ ડો.માધવ દવેના નિવાસ્થાને નારાજ થયેલા લગબઝ એક ડઝન જેટલા કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા જેમાં શૈલેષ જાની, હેમુ પરમાર, નીતિન રામાણી, શૈલેષ ડાંગર, સુરેન્દ્રસિંહ વાળા, ધર્મેન્દ્ર ભગત, સંજય દવે, જીગ્નેશ જોષી સહિતના ઉપસ્થિત રહ્યા હતા. રાજકોટના વોર્ડ નંબર 7માંથી ભાજપ દ્વારા શૈલેષ જાનીને ટિકિટ આપવામાં આવી હતી જો કે ફોર્મ ભરવા માટે મેન્ડેડની ફાળવણી સમય આ મેન્ડેડ શૈલેષભાઇના બદલે પૂર્વ કોર્પોરેટર નેહલ શુકલાને આપી દેવામાં આવી હતી. શૈલેષ જાની કે જેઓ રાજકોટમાં શિક્ષણ જગતમાં ખુબ સારી નામના ધરાવે છે. તેમને છેલ્લી ઘડીએ મેન્ડેડ ન આપતા આ બાબતની નારાજગી પ્રદેશ પ્રમુખ સમક્ષ વ્યક્ત કરી હતી જો કે પ્રદેશ પ્રમુખ તેમને નારાજગી વ્યાજબી હોવાનું કહી પક્ષ તેમની કાર્યકર્તા તરીકેની મહેનતની નોંધ જરૂર લેવામાં આવશે તેવું વચન આપ્યું હતું. આ ઉપરાંત વોર્ડ નંબર 13ના પૂર્વ કોર્પોરેટર નીતીન રામાણી અને સુરેન્દ્રસિંહ વાળાએ તેમને કાપવામાં આવતા નારાજગી વ્યક્ત કરી હતી જયારે આ જ વોર્ડના શૈલેષ ડાંગર કે જેના માતા પિતા બન્ને અગાઉ કોર્પોરેટર રહી ચુક્યા હોવાથી તેમની બાદબાકી કરવામાં આવતા તેઓ પણ પાર્ટીના સનિષ્ઠ કાર્યકર્તા હોવાનું જણાવી દાવેદારી નોંધાવી હોવાનું જણાવ્યું હતું. આ ઉપરાંત અન્ય નારાજ કાર્યકર્તાઓએ સ્થાનિક ઉમેદવારને ટિકિટ ન આપવામાં આવી હોવાની અને વોર્ડ પ્રમુખ કે પ્રભારીના સંકલનમાં પણ ન હોય તેવા લોકોને ટિકિટ ફાળવણી થઇ હોવાની રજુઆત કરી હતી. પ્રદેશ પ્રમુખ દ્વારા તમામ નારાજ કાર્યકર્તાને સાંભળી તેમને આશ્વાસન આપ્યું હતું અને આપણો ઉમેદવાર કમળ હોવાનું કહી બધા એક સાથે મળી ભાજપના તમામ ઉમેદવારને જીતાડવા મહેનત કરીએ તેવી સૂચના આપી હતી. ઉલ્લેખનીય છે કે ટિકિટ કપાતા કેટલાક પૂર્વ પદાધિકારીઓ નિષ્ક્રિય બની ગયા હોવાનો પણ ગણગણાટ ચાલી રહ્યો છે ત્યારે આ નારાજગીની અસર ચૂંટણી પરિણામ પર કેવી અને કેટલી જોવા મળશે તે જોવું મહત્વનું રહેશે.
Read Original Article →