રાજકોટ મનપા ચૂંટણીમાં ભાજપ 30 કોર્પોરેટરની ટિકિટ કાપશે!:વિવાદો, ત્રણ ટર્મ સહિતના મુદ્દે દિગ્ગજોના પત્તા કપાશે, જાણો કયા વોર્ડમાં કોની બાદબાકી થઈ શકે

Gujarat4/7/2026, 6:35:00 PM
રાજકોટ મનપા ચૂંટણીમાં ભાજપ 30 કોર્પોરેટરની ટિકિટ કાપશે!:વિવાદો, ત્રણ ટર્મ સહિતના મુદ્દે દિગ્ગજોના પત્તા કપાશે, જાણો કયા વોર્ડમાં કોની બાદબાકી થઈ શકે
રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીને લઈ કાઉન્ટડાઉન શરૂ થઈ ચૂક્યું છે, જેમાં રાજકીય પક્ષોની સેન્સ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ સંગઠનની બેઠક પણ પૂર્ણ થઈ ચૂકી છે. ઉમેદવારોની પસંદગી ચાલી રહી છે જેમાં આપ અને કોંગ્રેસ ઉમેદવાર જાહેર કર્યા બાદ આગામી બે દિવસમાં ભાજપ પોતાના ઉમેદવારો જાહેર કરશે. ઉલ્લેખનીય છે કે, ભાજપે નવા સંગઠનની જાહેરાત સમયે બધાને આશ્ચર્યચકિત કર્યા હતા તે રીતે ચૂંટણીના ઉમેદવારોની જાહેરાતમાં અનેક દિગ્ગજો અને વિવાદિત ચહેરાઓની બાદબાકી કરી નવા ચહેરાઓને તક આપશે તેવી રાજકોટ ભાજપમાં ચર્ચા ચાલી રહી છે. જોકે, આ વખતે ભાજપના ઉમેદવારોની જાહેરાત પૂર્વે ઘણા વોર્ડમાં જૂથવાદ અને નારાજગી જોવા મળી રહી છે, જેની મતદાન અને ચૂંટણી પરિણામ પર કેવી અને કેટલી અસર થશે તે જોવાનું રહ્યું. જૂના અને વિવાદિત કોર્પોરેટરોના પત્તા કપાઈ શકે! રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપ પોતાના ઉમેદવારોની જાહેરાત કરે તે પહેલા આંતરિક વર્તુળોમાં ચાલી રહેલી ચર્ચા મુજબ નવા સિમાંકન અને પાર્ટીના ટિકિટના માપદંડને કારણે આ વખતે અનેક જૂના અને વિવાદોમાં સપડાયેલા કોર્પોરેટરોના પત્તા કપાવાની શક્યતા સેવાઈ રહી છે. ગત મનપાની ચૂંટણીમાં ભાજપના 68 કોર્પોરેટરો ચૂંટાઈ આવ્યા હતા. જે પૈકી લગભગ 25થી 30 જેટલા કોર્પોરેટરોને કાપી ભાજપ નવા ચહેરા મેદાનમાં ઉતારે તેવી શક્યતા વ્યક્ત કરાઈ રહી છે. ભાનુ બાબરિયા અને હિરેન ખીમાણિયાની ટિકિટ કપાશે! વોર્ડ-1માંથી ભાનુ બાબરિયાની ટિકિટ કપાઈ શકે છે. કારણ કે, તેઓ હાલ રાજકોટ ગ્રામ્ય વિધાનસભાના ધારાસભ્ય છે અને ભૂપેન્દ્ર પટેલની સરકારમાં કેબિનેટ મંત્રી પણ રહી ચૂક્યા છે. આ ઉપરાંત વોર્ડ-1માંથી યુવા કોર્પોરેટર હિરેન ખીમાણિયાની ટિકિટ કપાશે. કારણ કે, તેમની સામે આક્ષેપો થયા હતા કે, TRP અગ્નિકાંડના આરોપી ભ્રષ્ટ TPO મનસુખ સાગઠિયા સાથે તેમની સાંઠ ગાંઠ છે અને પોતે આ વોર્ડના સ્થાનિક રહેવાસી પણ નથી. તેઓ આ વિસ્તારની ભૌગોલિક સ્થિતિથી પણ વાકેફ ન હોવાથી વોર્ડ 1ના ભાજપના આગેવાનો-કાર્યકર્તાઓ પણ ક્યાંક નારાજગી વ્યક્ત કરી ચૂક્યા છે. આ ઉપરાંત સામાજિક લેવલે પણ તેમનો વિરોધ ખુબ ચર્ચાસ્પદ રહ્યો છે. દર્શિતા શાહ અને મનિષ રાડિયાની ટિકિટક કપાશે! વોર્ડ-2માં ડો.દર્શિતાબેન શાહની ટિકિટ કપાશે. કારણ કે, તેઓ હાલ રાજકોટ પશ્ચિમ વિધાનસભાના ધારાસભ્ય છે. આ ઉપરાંત મનિષ રાડિયા કે જેઓ ગત ટર્મમાં મનપામાં દંડક રહી ચૂક્યા છે અને તેમની ઉંમર હાલ 61 વર્ષની છે માટે તેમની ટિકિટ કપાવાની શક્યતા પૂરેપૂરી સેવાઈ રહી છે. આ ઉપરાંત મીનાબા જાડેજાની ટિકિટ પણ કપાઈ શકે છે અને જ્ઞાતિ આધારિત સમીકરણો બેલેન્સ કરવામાં આવશે, જ્યારે વોર્ડ-3માંથી બાબુ ઉધરેજાની ટિકિટ કપાઈ શકે છે અને કુસુમબેન ટેકવાણીના બદલે સિંધી સમાજમાંથી અન્ય મહિલાને ટિકિટ ફાળવે તેવી ચર્ચા છે. પતિ સામે કૌભાંડના આક્ષેપોને કારણે વજીબેન ગોલતર ટિકિટ કપાઈ શકે! વોર્ડ-4માંથી નયનાબેન પેઢડિયાની ટિકિટ કપાઈ શકે છે. કારણ કે, તેઓ પોતાના છેલ્લા અઢી વર્ષમાં મેયર તરીકેના કાર્યકાળ દરમિયાન સતત વિવાદોના ઘેરામાં સપડાયેલા રહ્યા છે. જ્યારે વોર્ડ-5માંથી વજીબેન ગોલતર કે જેમના પતિ દ્વારા ગેરકાયદેસર આવાસ મેળવી કૌભાંડ આચર્યું હોવાના આક્ષેપો થતા પક્ષ દ્વારા તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આજ વોર્ડના યુવા કોર્પોરેટર ડો. હાર્દિક ગોહિલને સીમાંકનના કારણે કાપવામાં આવે તેવી શક્યતા છે. નેહલ શુક્લને રિપીટ ન કરવા પ્રદેશ કક્ષાએ ભલામણ વોર્ડ-6ના દેવુબેન જાદવે પક્ષ પલટો કરી કોંગ્રેસમાંથી ટિકિટ મેળવી છે. તેમની સાથે વોર્ડ-6માંથી ભાવેશ દેથરિયાની પણ બાદબાકી કરી પાર્ટી દ્વારા નવા ઉમેદવારોને તક આપવામાં આવે તેવી ચર્ચા ચાલી રહી છે. વોર્ડ-7માંથી દેવાંગ માંકડે દાવેદારી જ નોંધાવી ન હોવાથી તેમને રિપીટ કરવામાં આવશે નહીં, જ્યારે નેહલ શુક્લ ગત અઢી વર્ષ દરમિયાન સતત કોઈને કોઈ વાતને લઈ સ્ટેન્ડિંગ બેઠકમાં વિરોધ નોંધાવી પાર્ટીથી વિરૂદ્ધ રહેતા હોવાના આક્ષેપ થયા તેમને રિપીટ ન કરવા પ્રદેશ કક્ષાએ ભલામણ કરવામાં આવી છે. પુષ્કર પટેલે ચૂંટણી ન લડવા ઇચ્છા દર્શાવતા નવા ચહેરાને તક વોર્ડ-8માંથી ડો. દર્શના પંડ્યા કે જેમને દાવેદારી નોંધાવી ન હોવાથી તેમને રિપીટ કરવામાં નહીં આવે. આજ વોર્ડના બદલેલા સીમાંકનના આધારે અશ્ચિન પાંભર અને બિપીનભાઈ બેરાને બદલે અન્યને સ્થાન આપવામાં આવશે તેવી ચર્ચા ચાલી રહી છે. વોર્ડ-9માં સીમાંકન બદલતા પૂર્વ કોર્પોરેટર જીતુભાઈ કોટડિયાના બદલે તેમના પત્નીએ દાવેદારી નોંધાવી છે. જ્યારે બે-બે વખત સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રહી ચૂકેલા પુષ્કર પટેલે આ વખતે ચૂંટણી ન લડવા ઇચ્છા દર્શાવતા તેઓની પણ ટિકિટ કપાશે અને નવા ચહેરાને તક આપવામાં આવશે. વોર્ડ-12માં પતિના બળવાથી પત્નીની ટિકિટ કપાશે વોર્ડ-10માં નરેન્દ્રસિંહ વાઘેલાને કાપવામાં આવે તેવી ચર્ચાઓ ચાલી રહી છે. આજ રીતે વોર્ડ-11માં રણજીત સાગઠિયા અને વિનોદ સોરઠિયાની ટિકિટ કપાઈ તેવી શક્યતા સેવાઈ રહી છે. જ્યારે વોર્ડ-12માં મગન સોરઠિયા અને અસ્મિતાબેન દેલવાડિયાની ટિકિટ કપાશે. કારણ કે, અસ્મિતાબેનના પતિએ બળવો કરી આમ આદમી પાર્ટીમાં જોડાયા છે માટે અસ્મિતાબેનને પક્ષ ટિકિટ ફાળવશે નહીં. ત્રણ ટર્મથી ટિકિટ ફાળવણીને કારણે જયાબેનને બદલે અન્યને ટિકિટ વોર્ડ-13માં જયાબેન ડાંગર પણ કપાશે. કારણ કે, તેમના પરિવારમાંથી 3 ટર્મ કરતા વધુ સમયથી ટિકિટ ફાળવણી થઈ રહી છે માટે આ વખતે તેમના બદલે અન્યને ટિકિટ આપવામાં આવશે. જ્યારે નિતીન રામાણીનું નામ પણ TRP ગેમઝોન અગ્નિકાંડ સમયે ચર્ચામાં આવ્યું હતું અને તેમની પણ ક્યાંકને ક્યાંક પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સંડોવણી હોવાના કારણે વિવાદોમાં આવી ચૂકેલાને ટિકિટ ફાળવશે નહીં. વિનુ ઘવાની 3 ટર્મના નિર્ણયના કારણે બાદબાકી થઈ શકે વોર્ડ-16માં નરેન્દ્ર ડવની ટિકિટ કપાશે. કારણ કે, તેઓ ત્રણ ટર્મ ચૂંટણી લડી ચૂક્યા છે. જ્યારે વોર્ડ-17માં અનિતાબેન ગોસ્વામીની તબિયત નાદુરસ્ત હોવાના કારણે તેઓ દાવેદારી કરી નથી અને વિનુ ઘવાની ત્રણ ટર્મના નિર્ણયના કારણે બાદબાકી થઈ શકે છે. આજ રીતે વોર્ડ-18ના કોર્પોરેટર સંજયસિંહ રાણા વિવાદમાં આવતા તેમનું પત્તુ કપાઈ શકે તેમ છે. ભાજપ આ કોર્પોરેટરોને રિપીટ કરી શકે છે ઉલ્લેખનીય છે કે, આગામી એક કે બે દિવસમાં ભાજપ પોતાના ઉમેદારોની યાદી જાહેર કરે તેમાં રિપીટ કોર્પોરેટરના નામોમાં પૂર્વ મેયર ડો. પ્રદિપ ડવ, પૂર્વ ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, ડો. અલ્પેશ મોરઝરિયા અથવા તેમના પત્ની પૂર્વ કોર્પોરેટર અંજના મોરઝરિયા, કંચનબેન સિદ્ધપુરા, જ્યોત્સનાબેન ટીલાડા, સુરેન્દ્રસિંહ વાળા, લીલુબેન જાદવ, ડો. રાજેશ્રીબેન ડોડિયા, દક્ષાબેન વસાણી, પરેશ પીપળીયા અને દિલીપ લુણાગરિયાનો સમાવેશ થઈ શકે તેમ છે.
Read Original Article →