પિતા પ્રમુખ બન્યાના 12 કલાકમાં પુત્રની દાદાગીરી!:કાર્યકર્તાને ફોન કરી કહ્યું- 'જિલ્લા પંચાયતમાં દેખાયો એટલે ઉપાડી લઈશ', સંજય પીપળીયાના પુત્રની કથિત ઓડિયો વાઈરલ
મહેસાણા બાદ હવે રાજકોટ ભાજપ પણ આંતરિક ખટરાગની કથિત ઓડિયો ક્લિપ વાઈરલ થઈ છે. રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખ પદે શપથ લીધાના 12 કલાકમાં જ સંજય પીપળીયાના પુત્ર હર્ષિલ પીપળીયાની ઓડિયો ક્લિપ વાઈરલ થઈ છે. જેમાં તે કાના નામના એક યુવકનો ગાળો કાઢી ઉઠાવી લેવાની ધમકી આપતો સંભળાઈ રહ્યો છે. વિવાદનું મૂળ સોશિયલ મીડિયા પોસ્ટ હોવાની ચર્ચા
સમગ્ર વિવાદની વિગતો તપાસીએ તો, આ આખી ઘટનાની શરૂઆત સોશિયલ મીડિયા પર મૂકવામાં આવેલી એક સામાન્ય રાજકીય પોસ્ટથી થઈ હતી. કાનો નામના એક વ્યક્તિ દ્વારા ફેસબુક પર એક સોશિયલ મીડિયા પોસ્ટ મૂકવામાં આવી હતી. આ ફેસબુક પોસ્ટમાં એક પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે, "તમારા મતે જીલ્લા પંચાયતના પ્રમુખ કોણ બનશે?" આ પોસ્ટની સાથે રાજકોટ જીલ્લા પંચાયતના પ્રમુખ પદની રેસમાં ચાલી રહેલા સંભવિત દાવેદારો અને અગ્રણીઓના ફોટા પણ મૂકવામાં આવ્યા હતા. આ ફોટાઓમાં અર્જુન ખાટરીયા, જસ્મિન પીપળીયા, અને દિલીપ સરવૈયા સહિતના સ્થાનિક નેતાઓના ફોટા સામેલ કરવામાં આવ્યા હતા. જો કે, આ ફેસબુક પોસ્ટમાં જે-તે સમયે સંજય પીપળીયાનો ફોટો મૂકવામાં આવ્યો ન હતો. આ જ બાબત આગામી સમયમાં થનારા મોટા વિવાદનું અને બબાલનું મુખ્ય કારણ બની હોવાની ચર્ચા છે. સોશિયલ મીડિયા પોસ્ટ પર ભાજપના જ એક સક્રિય કાર્યકર્તા દ્વારા પોતાની પ્રતિક્રિયા આપવામાં આવી હતી. આ કાર્યકર્તાએ કમેન્ટ અથવા ચર્ચા દરમિયાન એવો મત વ્યક્ત કર્યો હતો કે આગામી સમયમાં અર્જુન ખાટરીયા જીલ્લા પંચાયતના પ્રમુખ બનશે. આ પ્રકારની સોશિયલ મીડિયા પ્રવૃત્તિ અને પોતાના પિતાનો ફોટો પોસ્ટમાં ન હોવાની બાબત નવ નિયુક્ત પ્રમુખ સંજય પીપળીયાના પુત્ર હર્ષિલ પીપળીયાને બિલકુલ પસંદ આવી ન હતી. પિતા પ્રમુખ પદ પર નિયુક્ત થતાની સાથે જ પુત્ર હર્ષિલ પીપળીયા દ્વારા આ ભાજપ કાર્યકર્તાનો સંપર્ક કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ જે વાતચીત થઈ તેની ઓડિયો ક્લિપ હાલમાં ચોતરફ વાયરલ થઈ રહી છે. 'તું યાદ રાખજે વિરોધમાં ચાલ્યો છો, જિલ્લા પંચાયતમાં દેખાયો તો ઉઠાવી લઈશ'
વાયરલ થયેલી કથિત ઓડિયો ક્લિપમાં સાંભળવા મળતી વિગતો અનુસાર, નવ નિયુક્ત પ્રમુખનો પુત્ર હર્ષિલ પીપળીયા સત્તાના જોરમાં આવીને પક્ષના જ કાર્યકર્તા સાથે અત્યંત અશોભનીય અને અપશબ્દોથી ભરેલી ભાષામાં વાતચીત કરતો સંભળાય છે. હર્ષિલ પીપળીયા દ્વારા કાર્યકર્તાને ફોન પર ભારે દાદાગીરી બતાવવામાં આવી હતી અને સોશિયલ મીડિયા પર કરવામાં આવેલી પોસ્ટ અને ટિપ્પણીઓ અંગે ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. વાત આટલેથી જ ન અટકતા, હર્ષિલ પીપળીયાએ રોફ જમાવતા ભાજપના આ કાર્યકર્તાને ખુલ્લેઆમ એવી ધમકી આપી દીધી હતી કે, હવેથી તેણે રાજકોટ જીલ્લા પંચાયતની કચેરીમાં ક્યારેય પગ મૂકવો નહીં. પિતા પ્રમુખ બનતાની સાથે જ પુત્રએ જાણે જીલ્લા પંચાયતનો વહીવટ પોતાના હાથમાં લઈ લીધો હોય તેવો વર્તાવ આ ઓડિયો ક્લિપમાં જોવા મળી રહ્યો છે. આ ઓડિયો ક્લિપ સોશિયલ મીડિયામાં વાયરલ થતાની સાથે જ સ્થાનિક લોકો અને રાજકીય વિશ્લેષકોમાં અનેક પ્રકારના વેધક સવાલો ઉઠી રહ્યા છે. લોકો પૂછી રહ્યા છે કે, પિતા જીલ્લા પંચાયતના પ્રમુખ બન્યા છે, તો જીલ્લા પંચાયતની કચેરીમાં કોને એન્ટ્રી આપવી અને કોને નો એન્ટ્રી આપવી તે નક્કી કરવાનો અધિકાર શું પ્રમુખના પુત્ર પાસે આવી જાય છે? લોકશાહીમાં પ્રજા દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ સરકારી કચેરીઓનો વહીવટ ચલાવતા હોય છે, પરંતુ અહીં પિતાની સત્તાની આડમાં પુત્ર દ્વારા કરવામાં આવેલી આ પ્રકારની દાદાગીરી અને ધમકીના કારણે પક્ષની છબી ખરડાઈ રહી હોવાની ચર્ચા પણ કાર્યકર્તાઓમાં જોરશોરથી ચાલી રહી છે. કાર્યકર અને મારો પુત્ર એકબીજાના મિત્રો છે- સંજય પીપળીયા
આ મામલે દિવ્યભાસ્કર સાથેની ટેલીફોનિક વાતચીતમાં જિલ્લા પંચાયતના પ્રમુખ સંજય પીપળીયાએ જણાવ્યું હતું કે, આજે હું ધાર્મિક કામથી જૂનાગઢ આવ્યો છુ. મને સોશિયલ મીડિયાનાં માધ્યમથી આ અંગે જાણ થઈ છે. જોકે એ કાર્યકર અને મારો પુત્ર એકબીજાના મિત્રો છે, એટલે આવું કાંઈ થયું હોવાનો સવાલ નથી. છતાં પણ હું રાજકોટ આવ્યા બાદ આ અંગે તપાસ કરીશ અને પછી જ આ મુદ્દે વધુ કાંઈ જણાવી શકીશ.
Read Original Article →