રાજકોટમાં કથિત પત્રકાર સામે પોલીસની કાર્યવાહી:ભાજપના પૂર્વ મંત્રી પાસેથી હોસ્પિટલના બાંધકામ મામલે રૂ.3.50 લાખની ખંડણી માંગનાર ત્રણની ધરપકડ
રાજકોટ શહેરના નિર્મલા રોડ પર રહેતા અને ભાજપના પૂર્વ મંત્રી તરીકે સેવા આપી ચુકેલા વિજયભાઈ માધવજીભાઈ પાડલીયાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'ભારત હેડલાઇન' અને 'રાજકોટ લાઈવ ન્યુઝ'ના સંચાલકો વિરુદ્ધ ગંભીર આક્ષેપો સાથે ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી છે. આરોપીઓ દ્વારા ફરિયાદીની નવી બનેલી હોસ્પિટલના બાંધકામને ગેરકાયદેસર ઠેરવી, ખોટા સમાચારો પ્રસારિત કર્યા હતા અને આ બદનામી અટકાવવા માટે આરોપીઓએ અલગ-અલગ સમયે કુલ 3.50 લાખ રૂપિયાની ખંડણી માંગી હતી અને પૈસા ન આપવા બદલ આત્મહત્યા કરવા મજબૂર કરવાની ધમકી આપતા પોલીસે બે કથિત પત્રકાર સહીત ત્રણ શખ્સોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ફરિયાદી વિજયભાઈ પાડલીયાએ યુનિવર્સિટી રોડ પર જલારામ 2માં પોતાની દીકરી માટે 'ACP' નામની હોસ્પિટલનું નિર્માણ કર્યું હતું. આ બાંધકામ અંગે 'ભારત હેડલાઇન'ના અમિત ઠક્કરે ઓક્ટોબર 2025થી સોશિયલ મીડિયામાં નકારાત્મક લેખો છાપવાનું શરૂ કર્યું હતું. ત્યારબાદ 'રાજકોટ લાઈવ ન્યુઝ'ના ભાર્ગવ આચાર્યએ પણ આ વિવાદમાં ઝંપલાવી ફરિયાદીને "કેબલ ચોર" જેવા અપશબ્દો સાથે સંબોધિત કરી શ્રેણીબદ્ધ ખોટા અહેવાલો પ્રસિદ્ધ કર્યા હતા. ફરિયાદીએ જણાવ્યું કે આ સમાચારોને કારણે તેમની સામાજિક પ્રતિષ્ઠાને ભારે નુકસાન પહોંચ્યું હતું અને તેમને પરિચિતો સામે વારંવાર ખુલાસા કરવાની ફરજ પડી હતી. આરોપીઓએ માત્ર સમાચારો છાપીને સંતોષ ન માનતા, ઉઘાડી લૂંટ ચલાવવાનો પ્રયાસ કર્યો હતો. જયારે યોગીરાજસિંહ રાઠોડ નામના શખ્સે ફોન કરી અમિત ઠક્કર વતી 3,00,000 રૂપિયામાં "સેટિંગ" કરી આપવાની ઓફર કરી હતી. બીજી તરફ, ભાર્ગવ આચાર્યએ પોતાના માણસો મોકલી 50,000 રૂપિયાની માંગણી કરી હતી અને બાદમાં પોતે રૂબરૂ આવી એક લાખ રૂપિયાની માંગ કરી હતી. આ ઉપરાંત આરોપીઓએ એવી ધમકી આપી હતી કે જો રૂપિયા નહીં આપવામાં આવે તો તેમને રાજકોટ છોડવું પડશે અથવા આત્મહત્યા કરવી પડશે. આ સતત માનસિક ત્રાસ અને બળજબરીથી નાણાં કઢાવવાના પ્રયાસોથી કંટાળીને આખરે વિજયભાઈએ પોલીસનો સંપર્ક સાધ્યો હતો. વિજયભાઈ પાડલીયાએ માર્ચ 2026માં પોલીસમાં અરજી કર્યા બાદ 14 મે 2026ના રોજ BNSની કલમ 308(4), 356 અને 54 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. હાલ પોલીસે આરોપી અમિત ઠક્કર, ભાર્ગવ આચાર્ય અને યોગીરાજસિંહ રાઠોડ સામે ગુનો નોંધી તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે આરોપી અમિત ઠક્કર વિરુધ્ધ થોડા સમય પહેલા રાજકોટ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ડોક્ટરને વિડીયો વાઇરલ કરવા ધમકી આપી ખંડણી માંગવાના કેસમાં નામ ખુલતા એ કેસમાં પણ આગામી સમયમાં પુરાવા એકત્રિત કરી ધરપકડ કરવામાં આવશે.
Read Original Article →