રાજકોટ મહાનગરપાલિકા ચૂંટણી:ટિકિટ કપાતા પૂર્વ કોર્પોરેટર નીતિન રામાણીનો વિરોધ, ભાજપ કાર્યાલયે સમર્થકોનો જંગી મોરચો, પ્રમુખ સહિતના હોદ્દેદારોએ સમજાવટથી મામલો થાળે પાડ્યો
રાજકોટ મહાનગરપાલિકાની આગામી ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમેદવારોના નામની સત્તાવાર જાહેરાત કરવામાં આવતાની સાથે જ રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે. ખાસ કરીને વોર્ડ નંબર 13માં ઉમેદવારોના નામો જાહેર થતાની સાથે જ વિરોધ અને ઉત્સાહના બે વિરોધાભાસી દ્રશ્યો જોવા મળ્યા હતા. એક તરફ નવા જાહેર થયેલા ઉમેદવારોના સમર્થકોમાં ખુશીનો માહોલ હતો, તો બીજી તરફ ટિકિટ કપાતા પૂર્વ કોર્પોરેટર નીતિન રામાણીએ પોતાના સમર્થકો સાથે મોરચો માંડ્યો હતો. રાજકોટ શહેર ભાજપ દ્વારા વોર્ડ નંબર 13 માટે પંકજ લુણાગરિયા, મોહિતસિંહ જાડેજા, સોનલબેન સેલારા અને માધવીબેન બદ્રકીયાના નામ જાહેર કરવામાં આવ્યા છે. જાહેરાત થતાની સાથે જ વોર્ડના વિવિધ વિસ્તારોમાં કાર્યકર્તાઓએ આતશબાજી કરી અને ફટાકડા ફોડીને જશ્ન મનાવ્યો હતો. જોકે, આ ખુશીના માહોલની વચ્ચે પૂર્વ કોર્પોરેટર નીતિન રામાણીની ટિકિટ કપાતા પક્ષમાં આંતરિક અસંતોષની જ્વાળાઓ ભભૂકી ઉઠી હતી. પોતાના મનગમતા નેતાની ટિકિટ કપાતા નીતિન રામાણીના સમર્થકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. નીતિન રામાણી 50 કરતા પણ વધુ સમર્થકો અને કાર્યકર્તાઓના મોટા કાફલા સાથે શહેર ભાજપ કાર્યાલય 'કમલમ' ખાતે પહોંચ્યા હતા. સમર્થકોએ "નીતિનભાઈ તુમ આગે બઢો, હમ તુમ્હારે સાથ હૈ" ના નારા લગાવી આખું ભાજપ કાર્યાલય માથે લીધું હતું. અને ભાજપ કાર્યાલય ખાતે ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને સ્થિતિ તણાવપૂર્ણ બની ગઈ હતી. નીતિન રામાણીની જગ્યાએ પંકજ લુણાગરિયાને ટિકિટ આપવામાં આવતા કાર્યકર્તાઓમાં ભારે નારાજગી જોવા મળી હતી. સમર્થકોની માગ હતી કે પાયાના કાર્યકર અને પૂર્વ કોર્પોરેટર નીતિન રામાણીને ફરી તક મળવી જોઈતી હતી. જોકે વિરોધ પ્રદર્શન વધતા ભાજપના સિનિયર આગેવાન પુષ્કર પટેલ આગળ આવ્યા હતા અને તેમણે નીતિન રામાણીને સમજાવટના પ્રયાસો શરૂ કર્યા હતા. ત્યારબાદ પુષ્કર પટેલ પૂર્વ કોર્પોરેટરને શહેર પ્રમુખ પાસે રજૂઆત માટે લઈ ગયા હતા. સમગ્ર મામલો થાળે પાડવા માટે ભાજપના ટોચના નેતાઓ દ્વારા તાત્કાલિક બેઠક બોલાવવામાં આવી હતી. શહેર ભાજપ પ્રમુખ ડો.માધવ દવે, પૂર્વ પ્રમુખ કમલેશ મીરાણી, પૂર્વ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કર પટેલ, ધારાસભ્ય દર્શિતાબેન શાહ તેમજ મહામંત્રીઓની હાજરીમાં નીતિન રામાણી સાથે આશરે 15 મિનિટ સુધી બંધ બારણે બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં નેતાઓએ રામાણીની નારાજગી દૂર કરવા અને પક્ષના શિસ્તનું પાલન કરવા માટે સમજાવ્યા હતા. અને આખો મામલો હાલ પૂરતો થાળે પડ્યો હતો. જોકે આવનારી ચૂંટણીમાં આ વિરોધની કેવી અસર પડે છે તે જોવું રહ્યું.
Read Original Article →