રાજકોટમાં ભાજપનો કેશિયો પાર્ટી સાથે પ્રચાર શરૂ:મોદીના નેતૃત્વમાં ગુજરાતના વિકાસકામોની પત્રિકા ઘરે ઘરે આપી, BJP કોર્પોરેટર ભૂલથી 26 ને બદલે 25 એપ્રિલે કમળને મતદાનની અપીલ કરી બેઠા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ગુજરાતમાં થયેલા વિકાસકામોની પત્રિકા લઈને ગુજરાત ભાજપ દ્વારા આજે તા.5 એપ્રિલથી બુથ પ્રચાર શરૂ કરવામાં આવ્યો છે. જેના ભાગરૂપે રાજકોટમાં ઉમેદવારો જાહેર થાય તે પૂર્વે શહેર ભાજપ પ્રમુખની આગેવાનીમાં વોર્ડ નંબર 2 માં પ્રચારના શ્રીગણેશ કરવામાં આવ્યા હતા. જોકે આ દરમિયાન શાસક પક્ષના પૂર્વ દંડક અને પૂર્વ કોર્પોરેટર મનીષ રાડિયા જનસંપર્ક દરમિયાન લોકોને ભૂલથી કહી બેઠા કે 25 એપ્રિલે ભાજપને મત આપવા જજો. જોકે હકીકતમાં 26 એપ્રિલે મતદાન છે. આ ઉપરાંત વોર્ડ નંબર 3 માં ઉમેદવાર વિના કેશિયો પાર્ટી સાથે પ્રચાર કરવામાં આવ્યો હતો. રાજકોટ શહેર ભાજપ પ્રમુખ માધવ દવેએ જણાવ્યું હતું કે, 6 એપ્રિલના ભારતીય જનતા પક્ષનો સ્થાપના દિવસ છે ત્યારે તેના એક દિવસ પૂર્વે સમગ્ર ગુજરાતમાં બૂથ કક્ષાના મહાસંપર્ક અભિયાનનું આયોજન કરાયુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની છેવાડાના માનવ સુધી પહોંચવાની ગતિ છે. જે અંગેની પ્રદેશ કક્ષાએથી તૈયાર થયેલી વિકાસકામોની પત્રિકાનું ઘરે ઘરે જઈને વિતરણ કરી રહ્યા છીએ. અમારા માટે ઉમેદવાર મહત્વનો નથી પરંતુ અમારો વિચાર મહત્વનો છે અને અમારું નિશાન કમળ મહત્વનું છે. તેમણે જણાવ્યું હતુ કે, આજે શહેરના તમામ બુથમાં અમારો પ્રચાર પૂર્ણ થશે અને આ પ્રચાર એ રીતનો હશે કે ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસે ભારતીય જનતા પક્ષે કરેલા કામોને લોકો સમક્ષ લઈ જઈ રહ્યા છીએ. જેમાં કમળના નિશાન પર લોકો વિશ્વાસ મૂકી રહ્યા છે. આજે અમારા દૈનિક જનસંપર્કને વધુ મજબૂત બનાવી રહ્યા છીએ. રાજકોટ શહેરમાં ખૂબ જ સારો વિકાસ થઈ રહ્યો છે. રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ, AIIMS, અટલ સરોવર, ફાયર સ્ટેશનો, વોર્ડ ઓફિસો અને સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ સહિતના વિકાસકામો થયા છે. રાજકોટ શહેરના મેગા સિટી બનાવવા માટે જે કઈ પણ વિકાસ કરવાના હોય તે થઈ રહ્યા છે. આગામી સમયમાં કન્વેન્શન સેન્ટર, ન્યૂ રેસકોર્સ, વર્કિંગ વુમન હોસ્ટેલ બનવા જઈ રહી છે ત્યારે લોકોની વચ્ચે જઈને લોકોના કામો કરી રહ્યા છીએ.
Read Original Article →