આજે ફોર્મ ચકાસણીનો અંતિમ દિવસ:વોર્ડ નં.11 અને 14ના ભાજપના ઉમેદવાર કેતન પટેલ અને રક્ષિત કલોલાના ફોર્મ સામે કોંગ્રેસે ઉઠાવ્યો વાંધો, ચૂંટણી અધિકારીએ બન્નેના ફોર્મ યોગ્ય ઠેરવ્યા
રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ઉમેદવારોની ફોર્મ ચકાસણીનો આજે અંતિમ દિવસ છે ત્યારે કોંગ્રેસ દ્વારા વોર્ડ નંબર 11 અને વોર્ડ નંબર 14ના ભાજપના ઉમેદવારોના ફોર્મમાં વિસંગતતા હોવાના આક્ષેપ સાથે ફોર્મ રદ કરવા માંગ કરી હતી જો કે ચૂંટણી અધિકારી દ્વારા બન્ને ફોર્મની ઊંડાણપૂર્વક ચકાસણી કરી કોંગ્રેસના આક્ષેપ સાથેના તમામ મુદ્દાઓની વિગતવાર ચકાસણી કરતા આક્ષેપોમાં તથ્ય ન જણાતા બન્નેના ફોર્મ માન્ય રાખવામાં આવ્યા હતા. આ પછી ભાજપના ઉમેદવારે કોંગ્રેસ હાર ભાળી ગઈ હોવાથી ખોટા વાંધાઓ ઉભા કરતી હોવાનું જણાવ્યું હતું અને જનતા ભાજપ સાથે છે માટે કોંગ્રેસને જાકારો મળવાનો છે માટે ભાજપની જીત નિશ્ચિત હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. રાજકોટ શહેર કોંગ્રેસના વોર્ડ નંબર14ના આગેવાન રાજુભાઈ ચાવડિયાએ જણાવ્યું હતું કે, ભાજપના ઉમેદવાર કેતન પટેલે જે સોગંદનામું રજૂ કર્યું છે તેમાં અનેક ક્ષતિઓ રહેલી છે. તેમના જણાવ્યા અનુસાર, કેતન પટેલે મિલકતોનો પૂરેપૂરો ઉલ્લેખ કર્યો નથી અને મિલકત વેરાના નાણાં પણ ભરપાઈ કરવામાં આવ્યા નથી. ઉપરાંત, સોગંદનામામાં તેમની શૈક્ષણિક લાયકાત અંગે પણ યોગ્ય દસ્તાવેજો કે પ્રમાણપત્રો જોડવામાં આવ્યા નથી. ચૂંટણી પંચના નિયમો મુજબ જો કોઈ ઉમેદવાર ખોટું સોગંદનામું રજૂ કરે અથવા તો મહત્વની વિગતો છુપાવે, તો તેનું ફોર્મ તત્કાલ અસરથી રદ થવું જોઈએ. કોંગ્રેસે માત્ર ઉમેદવાર નહીં પરંતુ ચૂંટણી અધિકારીની ભૂમિકા સામે પણ સવાલો ઉઠાવ્યા છે. રાજુ ચાવડિયાએ જણાવ્યું કે, કેતન પટેલના ફોર્મમાં સ્પષ્ટ ખામીઓ હોવા છતાં અધિકારીઓ તેમને વધારાનો સમય આપી રહ્યા છે. તેમણે આક્ષેપ કર્યો હતો કે સત્તાધારી પક્ષના દબાણ હેઠળ અધિકારીઓ પક્ષપાતી વલણ અપનાવી રહ્યા છે. કેતન પટેલને અધૂરા સોગંદનામાને પૂર્ણ કરવા અને પુરાવા રજૂ કરવા માટે જે સમય આપવામાં આવ્યો છે, તે નિયમોની વિરુદ્ધ છે. ભાજપના ઉમેદવાર કેતન પટેલએ જણાવ્યું હતું કે, વોર્ડ નંબર 14માં અમારી જીત નિશ્ચિત છે કોંગ્રેસ હાર ભાળી ગઈ છે માટે અમારી વિરુદ્ધ ખોટા વાંધાઓ અને આક્ષેપો લગાવી રહી છે. પ્રજા અમારી સાથે છે અને અમારી જીત નિશ્ચિત છે. જયારે વોર્ડ નંબર 11ના ભાજપના ઉમેદવાર રક્ષિત કલોલાએ જણાવ્યું હતું કે, કોંગ્રેસ દ્વારા મારા સરકારી વકીલ તરીકે નોકરી અંગે વાંધો ઉઠાવવામાં આવ્યો હતો મેં 11 એપ્રિલના રોજ ફોર્મ ભર્યું હતું એ પહેલા 9 એપ્રિલના રોજ સરકારી વકીલ તરીકે મેં મારી નોકરીમાંથી રાજીનામુ આપી દીધું હતું. મેં પુરાવા સાથે મારી વાત રજૂ કરતા મારુ ફોર્મ મન રાખવામાં આવ્યું છે અને મરીનજીત નિશ્ચિત છે.
ઉલ્લેખનીય છે કે રાજકોટ વોર્ડ નંબર 14ના ભાજપના ઉમેદવાર કેતન પટેલ અને હિરેન ખીમાણીયા તેમજ વોર્ડ નંબર 11ના ઉમેદવાર રક્ષિત કલોલા વિરુધ્ધ ફોર્મ રદ કરવા મામલે કોંગ્રેસે કરેલ અરજી ફગાવી દેવામાં આવતા ચૂંટણી અધિકારી દ્વારા બન્ને ભાજપના ઉમેદવારના ફોર્મમાં કોઈ વાંધો ન હોવાનું કહી ફોર્મ માન્ય રાખવામાં આવ્યા છે.
Read Original Article →