મેયરની મુલાકાત છતાં પણ સમસ્યા યથાવત:જન્મ-મરણના દાખલા કઢાવવા અરજદારો પરેશાન, અધિકારીએ કહ્યું- સર્વર ખૂબ ધીમું, ગાંધીનગર રિપોર્ટ મોકલ્યો છે
રાજકોટ મહાનગરપાલિકાની સેન્ટ્રલ ઝોન કચેરી ખાતે આવેલા જન્મ-મરણ દાખલા વિભાગની મુલાકાત ખુદ મેયર દ્વારા લેવામાં આવી હોવા છતાં, તંત્રની કામગીરીમાં કોઈ જ સુધારો જોવા મળ્યો નથી. મેયરની મુલાકાતના એક સપ્તાહ બાદ પણ અરજદારોને કલાકો સુધી લાઈનોમાં બેસવું પડી રહ્યું છે. મેયરની મુલાકાત અગાઉ ઉભું રહેવું પડતું હતું. જેના બદલે હાલ બેસવા માટે ખુરશીઓ મળી છે, પરંતુ કામ થતું નથી. આ અંગે જવાબદાર અધિકારી દ્વારા લાચારી વ્યક્ત કરતા જણાવાયું કે, હાલમાં સર્વર ખૂબ જ ધીમું ચાલી રહ્યું છે અને આ બાબતે ગાંધીનગર સુધી લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરવામાં આવી છે, પરંતુ હજુ સુધી કોઈ સકારાત્મક ઉકેલ આવ્યો નથી. CRS પોર્ટલ ધીમું ચાલતું હોવાથી લોકોની મુશ્કેલી
પ્રાપ્ત વિગત મુજબ મહાનગરપાલિકાના જન્મ-મરણ વિભાગમાં છેલ્લા દસેક દિવસથી અરજદારોને હાલાકી પડી રહી છે. બાબત ધ્યાનમાં આવતા મેયર ડો. નેહલ શુક્લ સહિતના પદાધિકારીઓએ રૂબરૂ મુલાકાત લીધી હતી. અને અરજદારો માટે ખુરશી તેમજ પાણી સહિત જરૂરી વ્યવસ્થા કરાવી છે. જોકે જન્મ-મરણનાં દાખલા કાઢવા માટેનું CRS પોર્ટલ ધીમું ચાલતું હોવાથી લોકોની મુશ્કેલી યથાવત રહી હતી. જેમાં છેલ્લા 3 દિવસથી તો સર્વર ડાઉન થઈ જવાની ગંભીર સમસ્યા ઊભી થઈ છે. રવિવારથી શરૂ થયેલી ટેકનિકલ ખામી મંગળવાર સુધી પણ યથાવત રહેતા કચેરીના પટાંગણમાં અરજદારોમાં ભારે રોષની લાગણી જોવા મળી રહી છે. સર્વર ડાઉનથી કચેરીમાં ફાઈલોના થપ્પા
જન્મ-મરણ વિભાગમાં સામાન્ય દિવસોમાં પણ અરજદારોનો મોટો ઘસારો રહેતો હોય છે. તેવામાં છેલ્લા રવિવારથી અવારનવાર સર્વર ડાઉન થઈ જવાની પ્રક્રિયા સતત ચાલી રહી છે, જેના કારણે અરજદારોની લાંબી લાઈનો જોવા મળી રહી છે. આ ટેકનિકલ સમસ્યાને લીધે રોજબરોજ આવતી સેંકડો અરજીઓનો સમયસર નિકાલ થઈ શકતો નથી, પરિણામે કચેરીના ટેબલો પર ફાઈલોના મોટા થપ્પા લાગી ગયા છે. વહીવટી તંત્રની આ અત્યંત ધીમી અને અણઘડ કામગીરીને કારણે દૂર-દૂરથી આવતા અરજદારો ભારે પરેશાની ભોગવી રહ્યા છે. રજાના દિવસે કામગીરી કરવા છતાં માત્ર 2 થી 3 એન્ટ્રી જ થઈ શકી:અધિકારી
આ મામલે જન્મ-મરણ વિભાગના અધિકારી પ્રેરિત જોશીએ દિવ્યભાસ્કર સમક્ષ લાચારી વ્યક્ત કરી હતી. અને જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર હસ્તકનું ઓનલાઈન પોર્ટલ ગત રવિવારથી જ અત્યંત ધીમી ગતિએ કામ કરી રહ્યું છે. અરજદારોને મુશ્કેલી ન પડે અને જૂની અરજીનો ઝડપથી નિકાલ કરી શકાય તેવા હેતુથી રવિવારે સરકારી રજાના દિવસે પણ જન્મ-મરણ વિભાગના સ્ટાફને ખાસ ફરજ પર બોલાવવામાં આવ્યો હતો. સ્ટાફ દ્વારા સવારે 8 વાગ્યાથી લઈને બપોરે 3 વાગ્યા સુધી સતત સાત કલાક ઓનલાઈન કામગીરીના પ્રયાસો કરવામાં આવ્યા હતા. 'ગાંધીનગર રિપોર્ટ મોકલીને રજૂઆત કરી છે'
જો કે, કેન્દ્ર સરકારના પોર્ટલની સ્થિતિ એટલી ખરાબ છે કે ઓપરેટરો દ્વારા માંડ 2 કે 3 એન્ટ્રીઓ સફળતાપૂર્વક સબમિટ થાય છે, ત્યાં જ આખું સર્વર ફરીથી ડાઉન થઈ જાય છે. રવિવાર, સોમવાર અને આજે મંગળવારે પણ સતત ત્રીજા દિવસે આ જ પરિસ્થિતિનું પુનરાવર્તન થયું છે. ગઈકાલે સોમવારે જ સર્વરની આ મોટી ખામી અને સોફ્ટવેરના લેગિંગ અંગે ગાંધીનગર ખાતે ઉચ્ચ કક્ષાએ વિગતવાર રિપોર્ટ મોકલીને રજૂઆતો કરવામાં આવી છે. પરંતુ ગાંધીનગરની મુખ્ય કચેરી તરફથી ટેકનિકલ સપોર્ટ બાબતે કોઈ સંતોષકારક જવાબ મળ્યો નથી. ત્યારે આ સ્થિતિ ક્યારે સામાન્ય બનશે તે કહેવું મુશ્કેલ છે. ઉલ્લેખનીય છે કે, આજે સતત ત્રીજા દિવસે પણ સર્વર ડાઉન રહેવાના કારણે ઓનલાઈન પ્રક્રિયા સંપૂર્ણ ઠપ્પ થઈ ગઈ છે, જેના લીધે અરજદારોએ જન્મ-મરણના પ્રમાણપત્રો મેળવવા માટે કરેલી હજારો અરજીઓનો નિકાલ કરવો મનપાના કર્મચારીઓ માટે લોઢાના ચણા ચાવવા સમાન બન્યો છે. કચેરીમાં ચારેબાજુ અરજીઓ અને ફાઈલોના મોટા ઢગલાઓ ખડકાયેલા નજરે પડે છે. બીજીતરફ કલાકો સુધી લાઈનમાં ઊભા રહેવા છતાં કામ ન થતાં લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. ત્યારે હવે આ સમસ્યા ક્યારે દૂર થાય છે તે જોવું રહ્યું.
Read Original Article →