ભુવાએ વિધિના નામે કારખાનેદારની પત્ની પર વારંવાર દુષ્કર્મ આચર્યું:'મને માતાજીએ કહ્યું છે, હું જ તારો ઘરવાળો છું', આબરું બચાવવા પરિવારે બેવાર ઘર બદલ્યા છતા પીછો ન છોડ્યો

Gujarat5/20/2026, 11:32:18 AM
ભુવાએ વિધિના નામે કારખાનેદારની પત્ની પર વારંવાર દુષ્કર્મ આચર્યું:'મને માતાજીએ કહ્યું છે, હું જ તારો ઘરવાળો છું', આબરું બચાવવા પરિવારે બેવાર ઘર બદલ્યા છતા પીછો ન છોડ્યો
રાજકોટમાં વધુ એક દુષ્કર્મનો મામલો સામે આવ્યો છે. શહેરમાં સબમર્શીબલ પંપનું કારખાનું ધરાવતા એક કારખાનેદારના કારખાનામાં અને ઘરમાં વિધિ કરવાના નામે ભુવાએ કારખાનેદારની પત્ની પર વારંવાર દુષ્કર્મ આચર્યાની ફરિયાદ નોંધાઈ છે. આરોપી ભુવાએ પરિણીતાને કહ્યું હતું કે, મને માતાજીએ કહ્યું છે કે હું જ તારો પતિ છું. કારખાનામાલિકના ઘરમાંથી મેલુ કાઢવાનું કહી રાત્રિના 12 વાગ્યે વિધિ શરૂ કરી હતી. વિધિ માટે પતિ અને પુત્રને અન્ય રૂમમાં મોકલી ભુવાએ કુકર્મ આચર્યું હતું. ત્યારબાદ પરિણીતાના પુત્રને મારી નાખવાની ધમકી આપી અવારનવાર દુષ્કર્મ આચર્યું હતું. કારખાનેદાર પરિવારે આબરુ બચાવવા બે વાર ઘર બદલ્યા છતા ભુવાએ પીછો ન છોડતા પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. ઘરમાંથી મેલું કાઢવાનું કહી કારખાનેદારના ઘરે વિધિ કરવા પહોંચ્યો મૂળ જામનગર પંથકના વતની અને હાલ રાજકોટમાં 150 ફૂટ રીંગ રોડ પર રહેતી 40 વર્ષીય મહિલાએ આજીડેમ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે કોટડા સાંગાણીના ખેરડા ગામે રહેતા તુષાર રણછોડ સિંધવનું નામ આપી જણાવ્યું હતું કે, તેમને સંતાનમાં છ વર્ષનો પુત્ર છે, પતિને ગોંડલ ચોકડી પાસે સબમર્શીબલનું કારખાનું છે. આરોપી તુષાર સિંધવ કારખાનેદારના સંપર્કમાં આવ્યો હતો. 3 વર્ષ પૂર્વે આરોપી તુષારે કહ્યું હતું કે, તે મેલડી માંનો ભુવો છે અને કારખાનામાં મેલડીમાના પાઠ કરતો બાદમાં તેણે મહિલાના પતિને એવું કહ્યું હતું કે, તમારા ઘરે મેલુ છે કાઢવું પડશે. દરમિયાન તે પાઠ પુરાવાનો સામાન લઈને રાત્રે ઘરે આવ્યો હતો અને રાત્રે 12 વાગ્યે વિધિ શરૂ કરી હતી દરમિયાન તુષારએ મહિલાના પતિ અને દીકરા બંનેને બહાર જવાનું કહ્યું હતું જેથી તેઓ બીજા રૂમમાં જતા રહ્યા હતા. ત્યારબાદ તુષારે રૂમનો દરવાજો બંધ કરી વિધિ શરૂ કરી હતી. તે ધુણવા લાગ્યો હતો અને તેની પાસે રહેલી મીઠાઈ મહિલાને ખવડાવી બાદમાં તેના માથા પર હાથ મૂકી પછી તેણીના કપડા ખેંચીને કાઢી નાખ્યા હતા ઝપાઝપી થતા મહિલાએ બૂમો પાડતા મોઢે ડુમો દીધો હતો. બાદમાં મહિલા બેભાન થઈ ગઈ હતી. ભાનમાં આવ્યા બાદ તેને ખ્યાલ પડ્યો હતો કે, તુષારે તેની સાથે શરીર સંબંધ બાંધ્યો છે. આ બાબતે તેને પૂછતા મહિલાના છ વર્ષના પુત્રના ગળે છરી રાખી તુષારે કહ્યું હતું કે, તું કોઈને કહીશ તો હું તારા દીકરાને મારી નાખીશ જેથી મહિલા અને તેના પતિ તુષારથી ડરી ગયા હતા. માસુમ પુત્રની નજર સામે માતા સાથે કુકર્મ આચર્યું બનાવના 15 દિવસ પછી મહિલાના પતિ ઘરે ન હતા ત્યારે તુષાર દારૂ પીને અહીં બપોરના સમયે આવ્યો હતો અને તે કહેવા લાગ્યો હતો કે, હું જ તારો ઘરવાળો છું એવું મને માતાજીએ કહ્યું છે તેમ કહી ઝપાઝપી કરવા લાગ્યો હતો અને ફરી મહિલાના પુત્રના ગળે ચાકુ રાખી દીધું હતું. દરમિયાન છોડાવવા જતા મહિલાને ચાકુ વાગી ગયું હતું અને લોહી નીકળવા લાગ્યું હતું ત્યારબાદ તે અર્ધ બેભાન થઈ જતા તુષારે ફરી તેની સાથે માસુમ પુત્રની નજર સામે દુષ્કર્મ આચાર્ય હતું. બાદમાં તે મહિલાના પતિની કાર લઈ જતો રહ્યો હતો અને કહેતો હતો કે, મારી વિદ્યા તને કંઈ કરવા નહીં દે તેવી ધમકી આપતો હતો. કારખાનેદાર પરિવારનું જીવવું હરામ કરી દીધું હતું આ અંગે મહિલાએ તેના પતિને વાત કરી હતી. તુષાર અવારનવાર મહિલાના પતિને પણ તેના સગા PSI હોય તેના નામે ધમકી આપતો હતો અને કારખાનેથી તેમની પાસેથી પૈસા પણ લઈ જતો હતો. તુષારના ત્રાસથી મહિલા અને તેના પતિ કંટાળી ગયા હતા અને દવા પી મરી જવાનું પણ નક્કી કર્યું હતું. જો કે આ વાત તુષારને કહેતા તેણે કહ્યું હતું કે તમે નહીં તું અને હું દવા પી જઈએ પછી મારો ભત્રીજો આકાશ ભલે તારા ઘરવાળાને જેલમાં નાખી દેશે અને તારો છોકરો રખડી પડશે તેમ કહી ધમકી આપી હતી. ભુવાથી બચવા ઘર બદલ્યા છતા પીછો ન છોડ્યો તુષાર ફરિયાદીના પતિની ગેરહાજરીમાં અવારનવાર મહિલાના ઘરે આવી અવારનવાર શરીર સંબંધ બાંધી જતો રહેતો હતો. તુષારના ડરથી છેલ્લા એકાદ વર્ષથી આ દંપતી દર ત્રણ મહિને મકાન બદલી નાખતા હતા અને ભાડે રહેવા જતા રહેતા હતા. પરંતુ તુષારને ઘરનું સરનામું મળી જતા તે ઘરે પહોંચી જતો હતો. સ્પીડવેલ પાર્ટી પ્લોટ પાસે મકાન ભાડે રાખ્યું ત્યાં પણ તુષાર આવ્યો હતો અને શરીર સંબંધ બાંધ્યો હતો. ત્યારબાદ બાપા સીતારામ ચોક પાસે મકાન ભાડે રાખતા અહીં પણ તુષાર પહોંચી ગયો હતો છેલ્લા છ મહિનાથી દંપતીએ જ્યાં મકાન ભાડે રાખ્યું છે તે તુષાર જાણતો ન હોય તેથી તે અહીં આવ્યો નથી. આમ તુષાર રણછોડભાઈ સિંધવ મેલડી માતાનો ભૂવો હોવાનું કહી, મેલી વિદ્યાનો જાણકાર હોવાનું અને પોતે હથિયારધારી ભુવો હોવાનું કહી, મેલુ કાઢવાનો ઢોંગ કરી દારૂ પી મહિલાના ઘરે આવી અવારનવાર તેની સાથે શરીર સંબંધ બાંધતો હતો અને ફરિયાદ કરીશ તો તારા દીકરાને પતાવી દઈશ તેવી ધમકીઓ આપતો હતો. આખરે કંટાળી મહિલાએ હિંમત દાખવી ફરિયાદ નોંધાવતા આજીડેમ પોલીસે ગુનો નોંધી આરોપી ભુવાને ઝડપી પાડવા વધુ તપાસ હાથ ધરી છે. આ સમાચાર પણ વાંચોઃ રાજકોટમાં સગીરા પર ગેંગરેપ કેસમાં પાંચ આરોપી ઝડપાયા રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં રહેતી એક 14 વર્ષની સગીરા સાથે થયેલ સામુહિક દુષ્કર્મની ઘટનામાં પોલીસે તેની સગીર વયની સહેલી, એક સગીર આરોપી સહીત પાંચ આરોપીની ધરપકડ કરી ફરાર ત્રણ શખ્સોની શોધખોળ હાથ ધરી છે. પોલીસ તપાસમાં ઝડપાયેલ આરોપીઓ પૈક એક આરોપી ટ્રાફિક વોર્ડન હોવાનું સામે આવ્યું છે જયારે એક આરોપી અગાઉ નકલી પોલીસ બની તોડ કરવા ગુનામાં 6 વખત અસલી પોલીસના હાથે ઝડપાઇ ચુક્યો હોવાં સામે આવ્યું છે. આ ઉપરાંત સગીરા સાથે આજથી એક વર્ષ પહેલા પણ મેં, 2025 દરમિયાન એક સગીર આરોપી દ્વારા દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ ચુકી હોવાનું સામે આવ્યું છે. હાલ પોલીસે જે કારમાં સામુહિક દુષ્કર્મ થયું હતું તે કાર પણ કબ્જે કરી વધુ તપાસ હાટ ધરવામાં આવી છે. (સંપૂર્ણ સમાચાર વાંચો)
Read Original Article →