ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબારમાં પરષોત્તમ પીપળીયાની ચિઠ્ઠી ખુલશે?:રાજકોટમાં પોલીસ પ્રોટેક્શન સાથે દરબારમાં જવા તૈયાર; જયંત પંડ્યાએ કહ્યું ત્યાં અમારી જાનનું જોખમ
શું ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબારમાં પરષોત્તમ પીપળીયાની ચિઠ્ઠી ખુલશે? ધીરેન્દ્ર શાસ્ત્રીએ ચેલેન્જ સ્વીકારી રાજકોટના દિવ્ય દરબારમાં આવવા આમંત્રણ આપતા સામાજિક આગેવાન પરસોષત્તમ પીપળીયાએ જણાવ્યું છે કે ત્યાં જવા તૈયાર છું પણ પોલીસ પ્રોટેક્શન સાથે જ...તો આ અંગે જયંત પંડ્યાને પૂછતા તેમણે કહ્યું કે ત્યાં જવામાં અમારી કોઈ સુરક્ષા નથી. અમારી જાનનું જોખમ છે, એમને ચેલેન્જનો સ્વીકાર કરવો જ હોય તો અમારી કોઈ જગ્યા એ આવે ત્યાં બેસી અમે તેમની સાથે ચર્ચા અને કેટલાક અમારા સવાલો છે તેમનો જવાબ આપે. આગામી 5, 6 અને 7 જૂનના રોજ રાજકોટ શહેરના રેસકોર્સ મેદાન ખાતે બાગેશ્વરધામના ધીરેન્દ્ર શાસ્ત્રીની ‘સનાતન સેતુ હનુમાન કથા’નું આયોજન કરવામાં આવ્યું છે જેનો વિરોધ છેલ્લા એક સપ્તાહથી ચાલી રહ્યો છે જેની સામે ધીરેન્દ્ર શાસ્ત્રીએ ચેલેન્જ સ્વીકારવા તૈયારી દાખવતા સામાજિક અગ્રણી પરષોત્તમ પીપળીયાએ સુરક્ષાની માંગણી કરી સુરક્ષા સાથે દરબારમાં જવા તૈયારી દાખવી છે અને જો સુરક્ષા ન આપે તો માત્ર મારા સવાલનો જવાબ આપી દે કે દોઢ બે દાયકાથી ગુમ રાજકોટનો મોહીલ ક્યાં છે એ મળી જાય તો પણ હું તેમનો વિરોધ નહિ કરું. ‘રાજકોટનો દીકરો મોહીલ દોઢ બે દાયકાથી ગુમ છે, તે ક્યાં છે?’
સામાજિક આગેવાન પરષોત્તમ પીપળીયાએ જણાવ્યું હતું કે, રાજકોટમાં આગામી 5,6 અને 7 હનુમાન કથાનું આયોજન કરવામાં આવ્યું છે જેને હું આવકારું છું. હનુમાન કથા સામે મારો વિરોધ નથી મારો વિરોધ માત્ર તેમના દરબારને લઇને છે. દરબારમાં ચિઠી ચબરખી કાઢી અંધશ્રધ્ધા ફેલાવવાનું કામ કરે છે તેની સામે મારો વિરોધ છે. ‘પોલીસ પ્રોટેક્શન સાથે દરબારમાં જવા તૈયાર’
બાબાએ અમને આમંત્રણ આપ્યું એ આવકાર્ય છે પણ મને લેખિતમાં ગેરેન્ટી આપવામાં આવે મારી સુરક્ષા બાબતે લેખિત બાહેંધરી આપવામાં આવે અને મને સુરક્ષા આપવામાં આવે તો હું દરબારમાં જવા માટે તૈયાર છું. પરંતુ એમ નેમ હું દરબારમાં જાવ તો એ શહીદ થવા માટે જવા બરાબર છે કારણ કે ત્રણ દિવસ રેસકોર્સ મેદાન એ તેમનું રણમેદાન કહેવાય. આ ત્રણ દિવસ રણમેદાન પણ એનું અને સૈનિક પણ એના હોય માટે હું સુરક્ષા વગર ત્યાં જઈ ન શકું. મને સુરક્ષા બાબતે લેખિત બાહેંધરી આપે તો હું પોલીસ પ્રોટેક્શન માંગીશ અને સુરક્ષા સાથે ચોક્કસ દરબારમાં જઇશ. ‘અમારી જગ્યાએ ચર્ચા કરવા તૈયાર’
વિજ્ઞાન જાથાના જયંત પંડ્યાએ દિવ્ય ભાસ્કર સાથે વાત કરતા જણાવ્યું હતું કે, કથા સામે વિરોધ નથી, પરંતુ દરબારમાં થતી ચિઠ્ઠી ચબરખી મારફત થતી અંધશ્રધ્ધા સામે વિરોધ છે. દરબારમાં આવવા અમને આમંત્રણ આપ્યું છે એ મીડિયા માધ્યમથી અમને જાણવા મળ્યું છે, પરંતુ ત્યાં જવામાં અમારી કોઈ સુરક્ષા નથી. ત્યાં અમારી જાનનું જોખમ છે, કારણ કે ત્યાં મોટી સંખ્યામાં તેમના જ સમર્થકો હોય જે અમને નુકસાન પહોંચાડી શકે છે. એમને ચેલેન્જનો સ્વીકાર કરવો જ હોય તો અમારી કોઈ જગ્યા એ આવે ત્યાં બેસી અમે તેમની સાથે ચર્ચા અને કેટલાક અમારા સવાલો છે તેમનો જવાબ આપે. અમે તંત્ર પાસે પણ તેમના વિરોધમાં ધરણા અને રેલી કરવા મંજૂરીની માંગણી કરી છે મંજૂરી મળ્યે અમે ચોક્કસ વિરોધ પણ યથાવત રાખીશું. ‘ટીઆરપી ગેમિંગ ઝોનના અગ્નિકાંડના મુખ્ય આરોપી, સૂત્રધાર કોણ છે?’
કોંગ્રેસ નેતા જિગ્નેશ મેવાણીએ પણ વીડિયો જાહેર કરી ધીરેન્દ્ર શાસ્ત્રીને સવાલો પૂછ્યા હતા. જેમાં રાજકોટ ટીઆરપી ગેમિંગ ઝોનના અગ્નિકાંડના મુખ્ય આરોપી, સૂત્રધાર કોણ છે?, રાજકોટના IPS અધિકારી બાંગરવાએ રાજકોટના કયા પ્રતિષ્ઠિત ન્યુરોસર્જનને અભદ્ર ગાળો બોલી પછી ધમકી આપી હતી કે હું કહું એ પ્રમાણે નહીં કરે તો એક વર્ષ માટે ખોટા કેસમાં અંદર નાખી દઈશ? આ ડોક્ટરનું નામ જાહેર કરો. 6 જૂને ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર યોજાશે
આયોજક સમિતિ તરફથી મંગેશભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્ર સનાતન સમિતિ દ્વારા રાજકોટના રેસકોર્સ મેદાનમાં આગામી તારીખ 5, 6 અને 7 જૂનના રોજ ત્રણ દિવસ સનાતન સેતુ હનુમાન કથા’નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં બીજા દિવસે એટલે કે 6 જૂનના રોજ ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર યોજવામાં આવશે. આ કથાનું આયોજન હિન્દુ સમાજને સંગઠીત બનાવવાની નેમ સાથે કરવામાં આવી રહ્યું છે. આયોજકોનું કહેવું છે કે સૌરાષ્ટ્રની ધર્મપ્રેમી જનતાને ઘર આંગણે બાગેશ્વરધામ સરકારના દર્શન-સત્સંગ કથા અને દિવ્ય દરબારનો ત્રિવેણી સંગમ ભર્યો અનેરો અવસર આવ્યો છે ત્યારે હિન્દુ ધર્મપ્રેમી ભક્તો સહ પરિવાર જોડાશે તેવો અમને વિશ્વાસ છે. ‘ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું કે જેમને ચેલેન્જ કરવી હોય તે દરબારમાં આવી શકે છે’
વિરોધીઓને જવાબ આપતા તેઓએ જણાવ્યું હતું કે, છેલ્લા એક અઠવાડિયાથી રાજકોટમાં કેટલાક વિરોધીઓ ખોટા નિવેદનો કરી રહ્યા છે. વિરોધ કરતા લોકોએ 2023માં પણ બાબાના આગમન પૂર્વે વિરોધ કર્યો હતો એ જ રીતે આ વર્ષ પણ વિરોધ કરી રહ્યા છે. પૂજ્ય ધીરેન્દ્ર શાસ્ત્રીને પણ આ અંગે જાણ કરવામાં આવતા તેઓએ પણ સ્પષ્ટ કહ્યું છે કે જેમને ચેલેન્જ કરવી હોય તે કરે અને રૂબરૂ દરબારમાં આવી શકે છે, પરંતુ જયારે જયારે કોઈ મોટી ઇવેન્ટ હોય કોઈ મોટા VIP લોકો આવે ત્યારે કેટલાક વિરોધીઓ આ પ્રકારે વિરોધ કરતા રહે છે અને બિલાડીના ટોપની જેમ ફૂટી નીકળે છે. ત્રણ વર્ષમાં બીજીવાર બાબા બાગેશ્વર રાજકોટ આવશે
હિન્દુઓમાં સનાતન સંસ્કાર, હનુમાન ભક્તિ, સમાજના સકારાત્મક મૂલ્યો, રાષ્ટ્ર ભાવના અને આધ્યાત્મિક જાગૃતિનો લોકોમાં સંચાર થાય અને સનાતન ધર્મની ધ્વજા ફરકતી રહે તે માટે બાબા બાગેશ્વર દેશ અને દુનિયામાં ભ્રમણ કરી રહ્યા છે જે અંતર્ગત જૂન 2023 બાદ ફરી જૂન 2026માં તેઓ રાજકોટ આવી રહ્યા છે. રાજકોટમાં કથા ગ્રાઉન્ડ બેઠક વ્યવસ્થા 24 ખંડમાં વિભાજિત કરવામાં આવી છે એક ખંડમાં ભારતીય બેઠક પ્રમાણે 1800 લોકોનો સમાવેશ થઈ શકે તેવી બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે. કથામાં આવતા લોકોને કોઈ મુશ્કેલી ન સર્જાઈ તે માટે આયોજન કરી રાજકોટ રેસકોર્સ રીંગરોડ પર ફન વર્લ્ડ ગ્રાઉન્ડની બાજુમાં ગેટ નંબર 1 અને 2 જાહેર જનતા માટે, પોલીસ હેડ ક્વાર્ટર પાસે ગેટ નંબર 3 સાધુ-સંતો અને આમંત્રિત મહેમાનો માટે જ્યારે મહિલા પોલીસ સ્ટેશનની સામે આવેલા ગેટ નંબર 4 પ્રોટોકોલ માટે, જૂના એરપોર્ટ સામે ગેટ નંબર 5 અને બાલભવન ગેટ નંબર 6 જાહેર જનતા માટે પ્રવેશની વ્યવસ્થા કરવામાં આવી છે. આ જ રીતે પાર્કિંગ માટે ભક્તોને અગવડ ન પડે તે માટે ચૌધરી હાઇસ્કુલ, પોલીસ હેડ ક્વાર્ટર અને રિલાયન્સ ગ્રાઉન્ડમાં વ્યવસ્થા કરવામાં આવી છે. કથાશ્રવણ માટે આવનારા ભક્તોને ઈંધણ બચાવવા અપીલ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અપીલને ધ્યાનમાં રાખી વર્તમાન પરિસ્થિતિમાં કથા શ્રવણ માટે આવતાં ભક્તો એકલા વાહનમાં આવવાના બદલે શેરીંગ સિસ્ટમથી વાહનોનો ઉપયોગ કરે જેથી પેટ્રોલ ડિઝલની બચત થાય તેવી તેમજ શક્ય હોય ત્યાં સુધી ઈ.વી. વાહનોનો વપરાશ કરવા અપીલ કરવામાં આવી છે. આ ઉપરાંત રાજકોટ મનપા તંત્ર સાથે સંકલન કરી કથા સ્થળે આવવા-જવા માટે ઈ.વી. બસોના ખાસ રૂટ શરૂ કરાવવા પ્રયાસો કરવામાં આવશે. જયારે ધીરેન્દ્ર શાસ્ત્રીના એરપોર્ટ પર આગમનથી કથા સ્થળ સુધી સ્વાગત યાત્રામાં તમામ ઈ.વી. વાહનોનો જ ઉપયોગ કરવામાં આવશે. કથા નિમિતે સમગ્ર શહેરમાં કળશ યાત્રા કાઢવાના બદલે પેટ્રોલ-ડીઝલની બચત થાય એ હેતુથી કથાના આગલા દિવસે એટલે કે 4 જૂનના દિવસે રાજકોટ શહેરના 10 ઝોનમાં જે તે વિસ્તારના ધાર્મિક અને સામાજીક સંગઠનો દ્વારા વિસ્તાર પૂરતી કળશ યાત્રા રાખવામાં આવશે. કોણ છે બાબા બાગેશ્વર?
ધીરેન્દ્ર શાસ્ત્રીનો જન્મ 4 જુલાઈ, 1996 ના રોજ, મધ્યપ્રદેશના છતરપુર જિલ્લાના ગાડા ગામમાં સરયુપરિયા બ્રાહ્મણ પરિવારમાં પિતા શ્રી રામકૃપાલજી મહારાજ અને ભક્ત માતા સરોજના ઘરે ધીરેન્દ્ર શાસ્ત્રીનો જન્મ થયો હતો. બાગેશ્વર ધામની વેબસાઈટ અનુસાર, બાળપણ ગરીબી અને દુઃખમાં વિત્યું હતું. તેમનો પરિવાર કર્મકાંડ બ્રાહ્મણોનો પરિવાર હતો, જે પૂજા પાઠમાં મળેલી દક્ષિણા સાથે 5 લોકોનો પરિવાર ચાલતો હતો. આવી સ્થિતિમાં ધીરેન્દ્ર શાસ્ત્રીએ તેમનું શિક્ષણ અધૂરું છોડવું પડ્યું. ત્રણ ભાઈ-બહેનોમાં સૌથી મોટા, ગુરુદેવનું આખું બાળપણ તેમના પરિવારના ભરણપોષણની વ્યવસ્થા કરવામાં જ વીત્યું. ધીરેન્દ્ર કૃષ્ણ ગર્ગ, બાગેશ્વર ધામ સરકાર/મહારાજ તરીકે વધુ જાણીતા, એક ભારતીય કથાકાર છે. શાસ્ત્રી બાગેશ્વર ધામ સરકારના પીઠાધીશ છે, જે ભારતના મધ્ય પ્રદેશ રાજ્યના છતરપુર જિલ્લાના ગાહા ગામનું પ્રખ્યાત ધાર્મિક તીર્થસ્થાન છે.પરિવારમાં કુલ 5 સભ્યો છે. ધીરેન્દ્ર શાસ્ત્રીના પિતા શ્રી રામ કરપાલ ગર્ગ અને માતા સરોજ ગર્ગ છે. તેમના દાદા શ્રી ભગવાન દાસ ગર્ગ છે. ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીને એક નાનો ભાઈ શાલિગ્રામ ગર્ગ અને એક બહેન રીટા ગર્ગ છે. તે એક સામાન્ય પરિવારમાંથી આવે છે. 14 જૂન 2022ના રોજ લંડનની સંસદમાં ધીરેન્દ્ર શાસ્ત્રીનું સન્માન કરવામાં આવ્યું હતું
Read Original Article →