હજારોની સંખ્યામાં લોકો ઉમટશે:રાજકોટમાં તા.5 થી 7 જૂન બાબા બાગેશ્વરની સનાતન સેતુ હનુમંત કથા અને દિવ્ય દરબાર યોજાશે, રેસકોર્સમાં 3 વર્ષ બાદ ભવ્ય આયોજન
રાજકોટમાં આગામી જૂન મહિનામાં એક ખૂબ જ મોટું અને ઐતિહાસિક ધાર્મિક આયોજન થવા જઈ રહ્યું છે. દેશ અને વિદેશમાં સનાતન ધર્મનો ધ્વજ ફરકાવતા રહેલા બાગેશ્વર ધામ (છતરપુર, એમપી) ના પીઠાધીશ્વર ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીજી (બાબા બાગેશ્વર) આગામી મહિનાની તા.5, 6 અને 7 જૂનના રોજ બીજીવાર રાજકોટ આવી રહ્યા છે. રાજકોટના રેસકોર્સ મેદાનમાં રોજ સાંજે 7:30 વાગ્યે સનાતન સેતુ હનુમંત કથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. રાજકોટના આંગણે ત્રણ વર્ષ બાદ યોજાઈ રહેલા આ ઐતિહાસિક આયોજન માટે અત્યારથી જ તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. બાબા બાગેશ્વરની સનાતન હનુમંત કથાની સાથે સાથે અહીં ભવ્ય દિવ્ય દરબારનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ સમગ્ર આયોજન અંગે સર્કિટ હાઉસ ખાતે પત્રકાર પરિષદ યોજાઈ હતી. જેમાં સૌરાષ્ટ્ર સનાતન સમિતિના અધ્યક્ષ અને ડુનેક્ષના કિશોરભાઈ ખંભાયતાએ જણાવ્યું હતું કે, પોતે બાગેશ્વર ધામ સાથે વર્ષોથી જોડાયેલા છે અને દર મહિને કે બે મહિને મહારાજશ્રીના દર્શનાર્થે ત્યાં જતા હોય છે. તેમણે રાજકોટ માટે કથા આપવા અંગે મહારાજશ્રીને વિનંતી કરી હતી. શરૂઆતમાં સમયની વ્યસ્તતાને કારણે તારીખો મળવી મુશ્કેલ હતી, પરંતુ પહેલા ચાલુ મહિનાની તા.15, 16 અને 17 તારીખો ફાળવવામાં આવી હતી. ત્યારબાદ અનિવાર્ય કારણોસર તે તારીખો કેન્સલ થઈ હતી અને હવે આગામી જૂન મહિનાની તા.5, 6 અને 7 એમ ત્રણ દિવસ માટે કથાની નવી તારીખો મંજૂર કરવામાં આવી છે. કિશોરભાઈ ખંભાયતાએ વધુમાં જણાવ્યું કે, પહેલા હું આ કથાનું આયોજન બાગેશ્વર ધામમાં જ કરવાનો હતો, કારણ કે ત્યાં તેનાં પોતાના માણસો અને આખી કમિટીની વ્યવસ્થા હોય છે. પરંતુ જ્યારે આ અંગે રાજકોટ અને સૌરાષ્ટ્રના અમારા ગ્રુપના મિત્રો અને ભાઈબંધોને ખબર પડી, ત્યારે બધાએ આગ્રહ કર્યો કે કિશોરભાઈ આ કથા રાજકોટમાં જ કરો, અમે બધા તમને પૂરેપૂરો સહકાર આપીશું. મિત્રો અને ટીમની લાગણીને માન આપીને જ આખરે આ ભવ્ય કથાનું આયોજન રાજકોટના આંગણે રેસકોર્સ મેદાનમાં રાખવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ ભવ્ય આયોજન પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોમાં સનાતન સંસ્કાર, હનુમાન ભક્તિ, સમાજમાં સકારાત્મક મૂલ્યો, રાષ્ટ્ર ભાવના અને આધ્યાત્મિક જાગૃતિનો સંચાર કરવાનો છે. સનાતન ધર્મની ધજા દેશ અને દુનિયામાં હંમેશા ફરકતી રહે તે માટે બાબા બાગેશ્વર સતત ભ્રમણ કરી રહ્યા છે અને તેના જ એક ભાગરૂપે રાજકોટમાં આ ધાર્મિક મહોત્સવ યોજાઈ રહ્યો છે. રેસકોર્સ મેદાનમાં તા.5 થી 7 જૂન દરમિયાન યોજાનારી કથામાં આવતા હજારો ભક્તજનો માટે સુવ્યવસ્થિત બેઠક વ્યવસ્થા સહિત તમામ જરૂરી સુવિધાઓ ઉભી કરવામાં આવશે. કિશોરભાઈ ખંભાયતાએ ખાસ સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે, આ આયોજન પાછળ થનારો તમામ સંપૂર્ણ ખર્ચ તેમની 'ડુનેક્ષ' કંપની દ્વારા જ ભોગવવામાં આવશે. આ સિવાય કથા દરમિયાન ભક્તો તરફથી જે કંઈ ડોનેશન કે દાનની રકમ આવશે, તે તમામ રકમ સીધેસીધી બાબા બાગેશ્વરના ખાતામાં એટલે કે બાગેશ્વર ધામમાં ડાયરેક્ટ જમા કરાશે. સ્થાનિક આયોજકો કે સમિતિ દ્વારા કોઈ પણ પ્રકારનું ભંડોળ પોતાની પાસે રાખવામાં આવશે નહીં. રાજકોટ અને સૌરાષ્ટ્રની ધર્મપ્રેમી જનતાને આ ધર્મ-ભક્તિ અને આધ્યાત્મિકતાના ત્રિવેણી સંગમ સમાન મહોત્સવનો મહત્તમ લાભ લેવા માટેની અપીલ તેઓએ કરી છે. વિશ્વહિંદુ પરિષદનાં મંગેશ દેસાઈએ જણાવ્યું હતું કે, સનાતન જેવો કોઈ ધર્મ નથી, રામ જેવા પુત્ર નથી, હનુમાનજી જેવા કોઈ સેવક નથી અને સીતાજી જેવી કોઈ પવિત્ર નારી નથી. આ સિવાય હરિશ્ચંદ્ર જેવા રાજા, ભરત જેવા ભાઈ, કર્ણ જેવા દાની અને પ્રહલાદ જેવા ભક્ત અન્ય ક્યાંય જોવા મળતા નથી. વધુમાં ઉમેર્યું હતું કે સંસ્કૃત જેવી કોઈ ભાષા નથી અને ભારત જેવો કોઈ દેશ નથી. ગીતાજીમાંથી આપણને જ્ઞાન મળ્યું છે અને રામાયણમાંથી શ્રી રામ મળ્યા છે, ત્યારે સનાતન ધર્મના જ્ઞાનની આ સરવાણીનો લાભ લેવા તમામ સનાતનીઓને અપીલ છે. આ કથાના માધ્યમથી સમાજમાં સનાતન ધર્મના સંસ્કારો અને હનુમાનજી મહારાજના ચરિત્રનો સંદેશ ઘર-ઘર સુધી પહોંચાડવાનો મુખ્ય ઉદ્દેશ્ય હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.
Read Original Article →