5 લાખના કમિશનની લાલચમાં 50 લાખની લૂંટનું કારસ્તાન આચર્યું:દુબઈમાં ષડ્યંત્ર ઘડ્યું અને એસ.પી.આંગડિયા પેઢીના કર્મચારીઓને બંધક બનાવી લૂંટ કરી

Gujarat4/8/2026, 10:56:25 AM
5 લાખના કમિશનની લાલચમાં 50 લાખની લૂંટનું કારસ્તાન આચર્યું:દુબઈમાં ષડ્યંત્ર ઘડ્યું અને એસ.પી.આંગડિયા પેઢીના કર્મચારીઓને બંધક બનાવી લૂંટ કરી
આધુનિક યુગમાં ગુનેગારો હવે સાત સમુંદર પાર બેસીને સ્થાનિક શહેરોમાં ગુનાહિત કૃત્યો આચરી રહ્યા છે. આવો જ એક ચોંકાવનારો કિસ્સો રાજકોટમાં સામે આવ્યો છે, જેમાં દુબઈમાં બેસીને રચાયેલા કાવતરાના ભાગરૂપે રાજકોટની જાણીતી SP આંગડિયા પેઢીના બે કર્મચારીઓને હથિયારના જોરે બંધક બનાવી 50 લાખની ઠગાઈ આચરવામાં આવી છે. આ અંગે ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાતા પોલીસે તાત્કાલિક બંને આરોપીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 5 લાખની લાલચ આપી લૂંટનું કારસ્તાન આચર્યું પોલીસ તપાસમાં આરોપીઓને આ પ્રકારે ગુનાહિત કાવતરું આચરવા માટે દુબઇ બેઠેલા શખસે પ્રેરણા આપી હોવાનું અને આ માટે કમિશન પેટે 5 લાખ મળશે એવી લાલચ આપી હતી, આ લાલચમા આવી આરોપીઓએ લૂંટનું કારસ્તાન આચર્યું હતું. ઉલ્લેખનીય છે કે, પકડાયેલ આરોપી પૈકી શબીર વિરુદ્ધ અગાઉ હત્યાની કોશિશ, આર્મ્સ એક્ટ અને જુગારના બે મળી કુલ 4 પોલીસ કેસ નોંધાઈ ચુક્યા હોવાનું સામે આવ્યું છે. ​મારા બનેવી દુબઈમાં પૈસાની હેરફેરનું કામ કરે છે રાજકોટના કોઠારીયા મેઈન રોડ પર આવેલા વિવેકાનંદનગરમાં રહેતા અને સોની બજારની 'એસ.પી. એન્ટરપ્રાઈઝ' નામની આંગડિયા પેઢીમાં નોકરી કરતા વિરલ જશવંતભાઈ વ્યાસ (ઉ.વ.40)એ આ અંગે ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે, તેમના સાળા હિમાંશુભાઈના બનેવી વિમલભાઈ પાંધી દુબઈમાં રહી કમિશનથી પૈસાની હેરફેરનું કામ કરે છે. દુબઈમાં વિમલભાઈનો સંપર્ક રાજકોટના જ વતની વૈભવ પટેલ સાથે થયો હતો. વૈભવે વિમલભાઈને વિશ્વાસમાં લીધા હતા કે, રાજકોટમાં તેની એક પાર્ટી પાસેથી પેમેન્ટ લેવાનું છે, જે મેળવીને તેના બદલામાં દુબઈમાં હિતેશભાઈ નામના વ્યક્તિને પેમેન્ટ કરી દેવાનું રહેશે, જેના બદલામાં સારું કમિશન મળશે. આ લાલચમાં આવીને વિમલભાઈએ રાજકોટની આંગડિયા પેઢીનો સંપર્ક કર્યો હતો. 'તમારા હાથમાં પૈસા આવે એટલે તરત મેસેજ કરજો' ​ગત તારીખ 10.11.2025ના રોજ વિમલભાઈએ આંગડિયા પેઢીના વોટ્સએપ પર મેસેજ કરી પૂછ્યું હતું કે, "કોઈ રેલનગર વિસ્તારમાં પેમેન્ટ લેવા જઈ શકે તેમ છે?" જેથી, પેઢીના માલિક મિહિરભાઈએ રકમ વિશે પૂછતા વિમલભાઈએ '25 કેજી' (એટલે કે 25 લાખ) જણાવ્યું હતું. ત્યારબાદ વિમલભાઈએ રાકેશ નામના વ્યક્તિનો ઇન્ટરનેશનલ નંબર આપ્યો અને જણાવ્યું કે, રકમ 25 નહીં પણ 50 લાખ લેવાની છે. તેમણે સૂચના આપી હતી કે, "તમે આ રકમ સ્વીકારી લો અને તમારા હાથમાં પૈસા આવે એટલે તરત મેસેજ કરજો, જેથી મારે અહીં દુબઈમાં બીજી પાર્ટીને પેમેન્ટ ચૂકવવાનું છે તે હું કરી શકું. આરોપીઓએ બંને કર્મચારીઓના મોબાઈલ લૂંટી તેને બંધક બનાવી લીધા હતા ​વિરલભાઈ અને તેમના સાથી કર્મચારી કિશન વીસપરા જ્યારે આપેલા નંબર પર સંપર્ક કરી પેમેન્ટ લેવા માટે જામનગર રોડ પર બજરંગવાડી પાસે પહોંચ્યા, ત્યારે ત્યાં શબ્બીર ઉર્ફે જાબર સીદીકભાઈ જુણેજા અને તેના અન્ય બે સાગરીતો BMW કાર લઈને હાજર હતા. આરોપીઓએ વિશ્વાસમાં લઈ બંને કર્મચારીઓને કારમાં બેસાડ્યા હતા. આ પછી જેવા કર્મચારીઓ કારમાં બેઠા કે તરત જ કાર ચલાવી રહેલા શખસે પોતાના નેફામાંથી રૂમાલમાં વીંટાળેલું હથિયાર કાઢી વિરલભાઈને બતાવ્યું હતું અને લાફા માર્યા હતા અને આરોપીઓએ બંને કર્મચારીઓના મોબાઈલ ફોન લૂંટી લઇ અને તેમને બંધક બનાવી દીધા હતા. આરોપીઓએ ડર બતાવીને '100ના બંડલ ઓકે' એવો અસામાન્ય મેસેજ ટાઈપ કરાવ્યો ​આરોપીઓએ કર્મચારીઓને ધમકાવીને તેમના માલિકને ફોન કરવા મજબૂર કર્યા હતા અને દબાણ પૂર્વક માલિકને 'પેમેન્ટ મળી ગયું છે કહેવા જણાવ્યું હતું જેથી ફરિયાદી વિરલભાઈએ જીવના જોખમે શેઠને ફોન પર જણાવ્યું કે, 50 લાખ મળી ગયા છે. જોકે, આંગડિયા પેઢીની કાર્યપદ્ધતિમાં રકમ માટે ખાસ કોડવર્ડ વપરાતા હોય છે. સામાન્ય રીતે 50 લાખ માટે '50 કેજી ઓકે' લખવામાં આવતું હોય છે, પરંતુ આરોપીઓએ ડર બતાવીને '100ના બંડલ ઓકે' એવો અસામાન્ય મેસેજ ટાઈપ કરાવ્યો હતો. ​બંને કર્મચારીઓના ફોન પરત આપી તેમને રસ્તામાં ઉતારી આરોપી ફરાર ​આ અલગ પ્રકારના મેસેજને કારણે પેઢીના માલિક મિહિરભાઈને શંકા ગઈ હતી. તેમણે ફરીથી ફોન કરીને લોકેશન પૂછયું ત્યારે આરોપીઓએ કર્મચારી પાસે એવું કહેવડાવ્યું કે તેઓ અત્યારે હોસ્પિટલ ચોક પાસે પહોંચ્યા છે. આ દોઢ કલાકના ડ્રામા દરમિયાન આરોપીઓ સતત દુબઈમાં કોઈની સાથે સંપર્કમાં હતા અને 'જલ્દી કરો, જલ્દી કરો' એવી સૂચનાઓ આપી રહ્યા હતા. જેવા રાજકોટથી 'પેમેન્ટ મળી ગયું છે' તેવા મેસેજ કન્ફર્મ થયા કે તરત જ દુબઈમાં વિમલભાઈએ સામેની પાર્ટીને 50 લાખ રૂપિયાનું પેમેન્ટ ચૂકવી દીધું હતું. આ માહિતી મળતા જ રાજકોટમાં કારમાં રહેલા શબ્બીર અને તેના સાગરીતોએ બંને કર્મચારીઓના ફોન પરત આપી તેમને રસ્તામાં ઉતારી દીધા અને ફરાર થઈ ગયા હતા. આખું કાવતરું દુબઈમાં બેઠેલા શખ્સો દ્વારા રચવામાં આવ્યું હતું ​જ્યારે વિરલભાઈએ ઓફિસે જઈને હકીકત જણાવી ત્યારે ખબર પડી કે તેમની સાથે મોટી છેતરપિંડી થઈ છે. આ અંગે રાજકોટ ક્રાઈમ બ્રાંચમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગણતરીની કલાકોમાં આરોપી શબ્બીર ઉર્ફે જાબર સીદીકભાઈ જુણેજાને અને તૌફીક ઉર્ફે પહેલવાન ઉર્ફે બાવો શેખની ધરપકડ કરી તેના રિમાન્ડ મેળવ્યા હતા. પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, આ આખું કાવતરું દુબઈમાં બેઠેલા શખ્સો દ્વારા રચવામાં આવ્યું હતું. આરોપીઓએ જાણી જોઈને BMW કારનો ઉપયોગ કર્યો હતો જેથી કોઈને શંકા ન જાય. કુલ 4 પોલીસ કેસ નોંધાઈ ચુક્યા હોવાનું સામે આવ્યું આ કેસમાં પકડવાનો બાકી આરોપી મોહિત સાગર સાથે સીધો સંપર્કમાં હતો અને આંગડિયા પેઢીના બંને કર્મીનું અપહરણ કરી પળેપળની વિગત તે દુબઈ બેઠેલા સાગર વ્યાસને પહોંચાડવાની ભૂમિકા ભજવતો હતો, જે હાલ પોલીસ પકડથી દૂર છે જેને ઝડપી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. જયારે હાલ પકડાયેલ આરોપીઓ પૈકી શબીર વિરુદ્ધ અગાઉ હત્યાની કોશિશ, આર્મ્સ એક્ટ અને જુગારના બે મળી કુલ 4 પોલીસ કેસ નોંધાઈ ચુક્યા હોવાનું સામે આવ્યું છે. ક્રાઇમ બ્રાન્ચે ટેક્નિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની પણ મદદ લીધી હાલ પોલીસ ​દુબઈમાં રહેલા વૈભવ પટેલ અને અન્ય સાગરીતોની ભૂમિકા શું છે? તેમજ આ ગુનામાં વપરાયેલી હથિયાર અને કારની રિકવરી કરવા અને ​આ ગેંગ દ્વારા અગાઉ આચરવામાં આવેલા અન્ય ગુનાઓની વિગતની પણ તપાસ કરી રહી છે. જયારે આંતરરાષ્ટ્રીય સ્તરે જોડાયેલા આ તારને ઉકેલવા માટે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ખાસ ટેક્નિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની પણ મદદ લીધી છે.
Read Original Article →