મનપા તંત્રની ઘોર બેદરકારી:રાજકોટના આનંદનગર મેઈન રોડ પર 2 દિવસથી ખુલ્લી કુંડીથી અકસ્માતનો ભય, સ્થાનિકોમાં રોષની લાગણી જોવા મળી
રાજકોટ શહેરના વોર્ડ નંબર 17 માં આવેલા આનંદનગર મેઈન રોડ પર તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. આ મુખ્ય માર્ગ પર છેલ્લા 2 દિવસથી કુંડી ખુલ્લી હાલતમાં પડી છે, પરંતુ સ્થાનિક વહીવટી તંત્ર હજુ સુધી ઘોર નિંદ્રામાં હોય તેમ આ બાબત તેમના ધ્યાને આવી નથી. અત્યંત ધમધમતા એવા આ રોડ પર કોઈ પણ પ્રકારની આડશ વગર ખુલ્લી રાખવામાં આવેલી કુંડીના કારણે વાહનચાલકો અને રાહદારીઓ માટે મોટું જોખમ ઊભું થયું છે. આનંદનગર મેઈન રોડ પર પ્રખ્યાત શુભમ સ્કૂલ આવેલી છે, જેમાં આશરે 3000 જેટલા નાના-મોટા બાળકો અભ્યાસ કરે છે. શાળાએ આવતા-જતા માસૂમ બાળકો અને તેમના વાલીઓ માટે આ જ મુખ્ય માર્ગ છે. આ ઉપરાંત, મુખ્ય કનેક્ટિંગ રોડ હોવાના કારણે અહીં દિવસ અને રાતના સમયે સ્થાનિક લોકોની સતત મોટા પ્રમાણમાં અવર-જવર રહે છે. સ્થાનિકોમાં ચર્ચા છે કે મહાનગરપાલિકાનું તંત્ર કોઈ મોટી દુર્ઘટના બને તેની રાહ જોઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. બીજી તરફ, ચૂંટણી જીત્યા બાદ નવા આવેલા કોર્પોરેટરો પણ આ વિસ્તારની સમસ્યાઓ પ્રત્યે ઉદાસીન જણાતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. વહેલી તકે આ ખુલ્લી કુંડી બંધ કરવામાં આવે તેવી માંગ લોકોમાં ઉઠી છે. રાજકોટના વોર્ડ નં. 14નાં બગીચાઓમાં કચરાનાં ઢગલા લોક સંસદ વિચાર મંચ દ્વારા સફાઈની રજૂઆત રાજકોટના વોર્ડ નં. 14 માં આવેલા જાહેર બગીચાઓ સફાઈના અભાવે હાલ ગાર્ડનના બદલે ડમ્પિંગ યાર્ડ બન્યા હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. જેમાં 80 ફૂટ રોડ પર શેઠ હાઈસ્કૂલની સામે આવેલો વાણીયાવાડીનો બગીચો (રવિશંકર મહારાજ જાહેર ઉદ્યાન), ભક્તિનગર સોસાયટી શેરી નંબર 5 નો બગીચો અને કેવડાવાડી મેઇન રોડના ખૂણે આવેલ પવનપુત્ર ચોકના બગીચાનો સમાવેશ થાય છે. આ બગીચાઓમાં નિયમિત સફાઈ થતી ન હોવાથી બેસુમાર ગંદકી, એઠવાડ, બિનજરૂરી પાંદડાઓ અને ડાળીઓનો કચરો ખૂણામાં ઠલવાતા ડુંગર જેવા ગંજ ખડકાયા છે. હાલ ઉનાળાની સિઝન અને વેકેશન હોવાથી સાંજના તેમજ રાત્રિના સમયે બાળકો અને વાલીઓની ભારે ભીડ રહે છે, ત્યારે આ ગંદકીના કારણે બાળકોના આરોગ્ય સામે મોટું જોખમ ઊભું થયું છે. આ ગંભીર બાબતે લોક સંસદ વિચાર મંચના ગજેન્દ્રસિંહ ઝાલાએ કોલ સેન્ટરમાં ફરિયાદો નોંધાવવા ઉપરાંત મ્યુનિસિપલ કમિશનર, ગાર્ડન ડિરેક્ટર અને કોર્પોરેટરોને ફોટા સાથે લેખિત રજૂઆત કરી છે. અને માત્ર સાવરણા લઈને ફોટા પડાવતા નેતાઓ આ બગીચાઓમાંથી કચરો ઉપડાવી સાચી સફાઈ કરાવે તેવી માંગ કરવામાં આવી છે. રાજકોટનાં ગાંધી મ્યુઝીયમમાં આવતીકાલે શેરી ફેરીયાને લોન માટેનો કેમ્પ યોજાશે રાજકોટમાં પીએમ સ્વનીધિ યોજના હેઠળ આવતીકાલે તા.20ના રોજ વિશેષ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. મહાત્મા ગાંધી મ્યુઝિયમ, જયુબીલી ગાર્ડન પાસે યોજાનારા આ કેમ્પમાં બેંક લેવલે મંજૂરી માટે પેન્ડીંગ લોન અરજીઓનો નિકાલ કરવામાં આવશે અને નવી લોન માટે પણ અરજીઓ સ્વીકારવામાં આવશે. આ કેમ્પનો મુખ્ય હેતુ સમગ્ર રાજકોટ શહેરના હોકર્સ ઝોન તથા છુટાછવાયા સ્થળે ફેરી કરતા શેરીફેરિયાઓને યોજનાનો લાભ પહોંચાડવાનો છે. આ ઉપરાંત, લોન મેળવેલ ફેરિયા અને તેમના પરિવારજનોનું સામાજિક- આર્થિક પ્રોફાઇલિંગ કરીને સરકારની અન્ય યોજનાનો લાભ પણ આપવામાં આવશે. યોજના હેઠળ લાભાર્થીને 3 તબકકામાં રૂ. 15 થી 50 હજારની લોન મળવા પાત્ર થાય છે. લાભ લેવા ઇચ્છતા શેરી ફેરિયાઓએ કાલે સવારે 10 થી 5 વાગ્યા દરમિયાન જરૂરી દસ્તાવેજો સાથે હાજર રહેવાનું રહેશે. જેમાં આધાર કાર્ડ સાથે લીંક હોય તેવો મોબાઈલ, આધાર કાર્ડ, ચુંટણી કાર્ડ, બેંક પાસબુક, યુપીઆઈ આઈડીની ઓરીઝનલ અને ઝેરોક્ષ નકલ લાવવાની રહેશે. આવતીકાલે રાજકોટનાં આજી-3 જળાશયમાંથી પાણી છોડાશે, 15 ગામોને એલર્ટ કરાયા રાજકોટ જિલ્લામાં આવેલ આજી-3 ડેમમાંથી આવતીકાલે પાણી છોડવામાં આવનાર હોય જુદા જુદા તાલુકાના 15થી વધુ ગામોને તંત્ર દ્વારા ચેતવણી સંદેશ અપાયો છે. રાજકોટ ફલડ કંટ્રોલ સેલનાં જણાવ્યા મુજબ રાજકોટ જીલ્લાના પડધરી તાલુકા પાસે આવેલા આજી-3 જળાશય યોજનાના હેઠવાસમાં આવેલા ફિલ્ડ માર્શલ ચેકડેમને ભરવા આગામી તા.20મેના રોજ બપોરે 12 કલાકથી રાત્રે 8 કલાક સુધી 2 દરવાજા 0.09 મીટર ખોલવામાં આવનાર છે. જેને લઈને પડધરી તાલુકાના ખજૂરડી, થોરીયાળી, ખીજડી-મોટા, મોરબી જીલ્લાના ટંકારા તાલુકાના ખાખરા, જામનગર જીલ્લાના જોડીયા તાલુકાના બોડકા, જસાપર, જીરાગઢ, મેઘપર, પીઠડ, રસનાળ, ટીંબડી, ધ્રોલ તાલુકાના મોડપર, ધરમપુર, સાગડીયા, સાધધુણા, દેડકદડ ગામના લોકોએ નદીમાં અવરજવર કરવી નહી તેમ રાજકોટ ફલડ કંટ્રોલ સેલે જણાવ્યું છે. રાજકોટમાં રખડતા કૂતરાઓનો ત્રાસ: ચાર મહિનામાં ડોગ બાઇટના 6 હજાર કેસ નોંધાયા રાજકોટ શહેરમાં રખડતા કૂતરાઓનો ત્રાસ સતત વધી રહ્યો છે, જેના કારણે વર્ષ 2026ના જાન્યુઆરીથી એપ્રિલ અંત સુધીમાં જ ડોગ બાઇટના 5999 (આશરે 6 હજાર) કેસ સત્તાવાર રીતે નોંધાયા છે. મહાપાલિકાના આરોગ્ય કેન્દ્રોમાં 2452, સરકારી પીડીયુ હોસ્પિટલમાં 2224 અને પદ્મકુંવરબા હોસ્પિટલમાં 1323 કેસ જાહેર થયા છે. ગત વર્ષે આ ચાર મહિનામાં 5790 કેસ હતા, જેની સરખામણીએ આ વર્ષે કેસમાં 209નો વધારો થયો છે. અગાઉ વર્ષ 2025માં સમગ્ર વર્ષ દરમિયાન કૂતરા કરડવાના કુલ 17634 કેસ નોંધાયા હતા. તંત્રના શ્ર્વાન વ્યંધીકરણના દાવાઓ વચ્ચે પણ કેસોની સંખ્યા વધતા તંત્રની કામગીરી સામે સવાલો ઉઠ્યા છે. સુપ્રિમ કોર્ટ દ્વારા જાહેર સ્થળોએથી રખડતા કૂતરાઓનો ત્રાસ દૂર કરવા અગાઉ આદેશ કરાયા બાદ રાજ્ય સરકારે માર્ગદર્શિકા જાહેર કરી હતી, પરંતુ રાજકોટ મહાપાલિકા તેનો યોગ્ય અમલ કરવામાં નિષ્ફળ રહી છે. ત્યારે હવે સુપ્રિમ કોર્ટે વધુ કડક વલણ અપનાવી ખતરનાક અને બીમાર કૂતરાઓને ઇન્જેક્શન આપી મારી નાખવાનો આદેશ કર્યો છે. આ સાથે જ આદેશનું પાલન નહીં કરનાર અધિકારી સામે અદાલતી અવમાનનાનો કેસ ચલાવવાની ચીમકી આપતા મનપાનું તંત્ર ફરી દોડતું થયું છે.
Read Original Article →